તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચમનવાલો કો નિઝારે ચમન તક નહિ મિલતા , કિસીકે પાંવ કે નીચે બિછાયે જાતે હૈ ગાલીચે, તો કિસીકો મરને કે બાદ કફન ભી નહિ મિલતા
આ શાયરી 16 એપ્રિલના રોજ 92 વર્ષિય રજાકહુસૈન અલારખભાઈ કાદરીએ સતત 24 દિવસ સુધી કોરોના સામે જંગ ખેલીને તેને પરાજિત કર્યા પછી સર ટી. હોસ્પિટલના બહાર આવતા ખુશખુશાલ વદને ગાઈ હતી. શહેરના રાણીકા વિસ્તારમાં રહેતા આ વૃદ્ધને બે વાર નેગેટિવ રિપોર્ટ આવ્યા બાદ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો અને હોસ્પિટલમાં દાખલ થયા બાદ નિયમિતપણે યોગ, પ્રાણાયામ કરીને મજબૂત મનોબળ દાખવીને આ ઉંમરે પણ કોરોનાને હરાવ્યો હતો અને કોરોના કાળમાં યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા હતા.
કોરોના કાળની દિવાળીએ ગંગાજળીયા તળાવને ઝગમગાવ્યું.
શહેરની મધ્યમાં આવેલા ભાવેણાના ઘરેણા સમાન ગંગાજળિયા તળાવને રૂ.10.40 કરોડના ખર્ચે સુવિધા અને સુંદરતાના ઘરેણા પહેરાવી 31મી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ લોકોને અર્પણ કર્યું. કોરોના કાળમાં લોકોને અર્પણ કરેલા ગંગાજળિયા તળાવની સુંદરતાને લોકો માણી શકે તે માટે દિવાળીના દિવસોમાં કોર્પોરેશને તળાવના દ્વાર વિનામૂલ્યે ખોલી દીધા હતા. તળાવની મધ્યમાં ગંગાજીના સ્વરૂપ મકરવાહિનીની આઠ ફૂટની આરસની મૂર્તિ, ફાઉન્ટેન, એમ્ફી થિયેટર, વોકવે સહિત આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
સેન્ટ્રલ સોલ્ટે મેમ્બ્રેન આધારિત 30 હજાર માસ્કનું કર્યું વિતરણ
સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા મેમ્બ્રેન આધારિત અને વાઇરસનો બહારથી અંદર અને અંદરથી બહારના વાતાવરણમાં ફેલાવો 100 ટકા રોકતા માસ્કનું સંશોધન કર્યું અને કોરોના નાં સમયમાં એકસાથે રોજિંદા 1000 ફેસ માસ્ક પણ સંસ્થા દ્વારા બનાવવામાં આવતા હતા. અત્યાર સુધીમાં સેન્ટ્રલ સોલ્ટ દ્વારા 30 હજારથી વધુ ફેસ માસ્કનું વિતરણ કરાયુ છે.
ગારિયાધારમાં 1000 પરિવારોને ચીજવસ્તુંનું વિતરણ કરાયું
ગારિયાધારમાં લોકડાઉનમાં બી.બી.દેસાઈ હોસ્પિ.નાં સંચાલક સુધીરભાઈ બી. વાઘાણી દ્વારા ગરીબ તેમજ જરૂરિયાતમંદ પરિવારોને 60 કિલોની જરૂરી ચીજવસ્તુની કીટ 1000 પરિવારોને વિતરણ કરી હતી. તેમજ જે પરિવારને કીટ અપાય હતી. તેમને ત્રણ મહિના સુધી બી.બી.દેસાઈ હોસ્પિટલમાં મેડિકલ સેવા વિના મુલ્યે આપવામાં આવી હતી.
ભાવનગરમાં 240 દિવસમાં સાજા થયેલ દર્દીઓ દ્વારા 668 પ્લાઝમા યુનિટનું દાન
ભાવનગર માં કોરોના કાળ દરમિયાન જ્યારે જાણમાં આવ્યું હતું કે કોરોના વાઇરસ થી સંક્રમિત વ્યક્તિને શરૂઆતના તબકકામાં પ્લાઝમા ફેરેસિસની પ્રક્રિયા કરીને દર્દીઓનો જીવ બચાવી શકાય છે ત્યારે આ ઉમદા કાર્ય માટે કોરોનાથી સાજા થયેલા કેટલાય દર્દીઓ આગળ આવ્યા હતા. ભાવનગર માં સર.ટી. હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 668 યુનિટ પ્લાઝમા નું ડોનેશન થયેલ છે અને દર્દીઓને આપવામાં આવ્યું છે. છેલ્લા 240 દિવસોમાં વધુમાં વધુ દર્દીઓએ પ્લાઝમા ડોનેશન કરેલ છે. ભાવનગર માં સાજા થયેલા કુલ 427 દર્દીઓએ કોનવેલેસંટ પ્લાઝમા આપ્યું છે. તમામ ડોનેશન સર.ટી.હોસ્પિટલ બ્લડ બેંક ખાતે જ થયેલા છે.
પ્રાઇવેટ હોસ્પિટલ ને આ યુનિટ ચાર્જ સાથે આપવામાં આવતા હતા. સર ટી. બ્લડબેન્કના ડો.પ્રજ્ઞેશ શાહના જણાવ્યા મુજબ સામાન્ય રીતે લેવામાં આવતું પ્લાઝમા રક્તદાન ની પ્રક્રિયા દરમિયાન જ અલગ કરી લેવામાં આવતું હોય છે. આ પ્રકારનું પ્લાઝમા ફ્રોઝ કરીને આખું વર્ષ સાચવી શકાય છે. સર.ટી માં ક્યારેય ફ્રોઝન પ્લાઝમા ની અછત હોતી નથી. કોરોના નાં દર્દીઓની સરવાર માટે ઉપયોગમાં લેવામાં આવતું પ્લાઝમા કોનવેલેસેન્ટ પ્લાઝમા થેરાપી માટે ઉપયોગી હોય છે. જેમાં કોરોના ની સારવાર લીધા બાદ 28 દિવસ બાદ અને ત્યારબાદ દર પંદર દિવસે વ્યક્તિ પ્લાઝમા ડોનેશન કરી શકે છે. જૂન અને જુલાઈ મહિનામાં પ્લાઝમા ની ખૂબ તંગી વર્તાતી હતી કારણકે કોરોના નાં કેસ ખૂબ વધારે હતા. અત્યારે કેસ ખૂબ ઓછા હોવાથી પ્લાઝમા ની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
કોરોનાના ભય વિના 300 મૃતકોની અંતિમક્રિયા કરી
ભાવનગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોએ અત્યાર સુધીમાં આ પ્રકારના 300 જેટલા દર્દીઓના અંતિમ સંસ્કાર કર્યા છે.ભરતભાઈ મોણપરા,કિરીટભાઈ મિસ્ત્રી, હરેશભાઈ સિહોરા, યોગેશભાઈ જગડ, પ્રિયાંકભાઈ, રોહિતભાઈ સહિતના સેવા ભાવીઓનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય છે કે તેઓની ઉંમર 50 વર્ષ ઉપરની છે. તેમને કોરોનાનો ભય સૌથી વધુ હોય, પરંતુ તેમ છતાં તેઓ રાત - દિવસ જોયા વિના કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતકોના અગ્નિસંસ્કાર કરી રહ્યા છે.
બીમારીનો માનસિક ભય એટલી હદે વ્યાપી ગયો છે કે તેનો વાયરસ પોતાના શરીરમાં પ્રવેશી ન જાય તે માટે તમામ લોકો સતત સાવધાન રહે છે. આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે સેવાભાવી કાર્યકરો પીપીઈ કીટ વિના મૃતકોને અવ્વલ મંઝીલે પહોંચાડે છે.ભરતભાઈ મોણપરાએ જણાવ્યું કે, ચિત્રા, ગોરડ જેવા મુખ્ય સ્મશાનોમાં અમે કોરોનાની ગાઈડલાઈન મુજબ મૃતકોના અગ્નિસંસ્કાર કર્યા છે. જોકે અમને કોઈપણ પ્રકારનો ચેપ અત્યાર સુધી લાગ્યો નથી.
કોરોનાના ડરે સ્વજનોને બનાવ્યા પારકા સ્મશાન ગૃહોમાં અસ્થિબેંક શરૂ કરવી પડી
કોરોનાવાયરસને કારણે મૃત્યુ પામેલા લોકોના ભાવનગરના ત્રણ સ્મશાનમાં અંતિમ વિધિ કરવામાં આવી રહ્યા છે. કોરોનાને કારણે મૃત્યુ નિપજ્યા બાદ મૃતકના ઘણા સ્વજનો એવા હોય છે કે, જેઓ અસ્થિ પણ લેવામાં કોરોના થવાનો ડર અનુભવે છે. પરંતુ ભાવનગરના સેવાભાવીઓએ મૃતક પોઝિટિવ દર્દીને અગ્નિ સંસ્કાર કરવા સાથે અસ્થિ વિસર્જન અને કુંભારવાડા સ્મશાને અસ્થિ બેન્કની સુવિધા પણ ઉભી કરી હતી. કોરોના પોઝિટિવ હોવાથી મૃતકના સગા વાહલા ને તેનો મૃતદેહ નહીં સોંપી હોસ્પિટલમાંથી સીધા જ સ્મશાનમાં મોકલવામાં આવે છે.
જ્યાં આર.એસ.એસ.ના અને અન્ય સેવાભાવી કાર્યકરો દ્વારા તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. સ્મશાન ગૃહે મૃતકના સંબંધીઓ આવ્યા હોય તો તેમને અસ્થિ સોપવામાં આવે છે. પરંતુ અનેક કિસ્સાઓ એવા હોય છે કે, જેમાં કોરોના થી મૃત્યુ પામેલા સ્વજનોને કોરોના થવાનો ભય રહેતા સ્મશાન ગૃહે પણ જતા નથી અને અસ્થિ પણ સ્વીકારતા નથી. ભાવનગરમાં હાલમાં ગોરડ સ્મશાન, ચિત્રા મોક્ષ મંદિર અને કુંભારવાડા સ્મશાનમાં કોરોના પોઝિટિવ દર્દીઓના અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
કોરનાના ડરે માતા પિતાના અસ્થિ પણ નથી લેતા
કોરોનાને કારણે ભાવનગરમાં પ્રથમ મૃત્યુ પામનારના અગ્નિ સંસ્કાર કુંભારવાડામાં કરવામાં આવ્યા હતા અને હાલમાં પણ રોજબરોજ ખાનગી અને સરકારી હોસ્પિટલમાંથી કોરોનાથી મૃત્યુ પામનારને લાવવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં માતા અથવા પિતા કોરોનાને કારણે મૃત્યુ પામ્યા બાદ પુત્ર છેક રોડ પર ઊભા હોય અને અગ્નિ સંસ્કાર માં પણ આવતા નથી. તેમજ ઘણા લોકો અસ્થિનો સ્વીકાર પણ કરતા નથી.કુંભારવાડા સ્મશાનના સંચાલકો દ્વારા તેમની ક્રીયા કરવામાં આવે છે.
તળાજાના 63 વર્ષીય કેન્સરના દર્દીએ કોરોનાને હરાવ્યો
પોલુભાઅણદુભા સરવૈયા (ઉ.વ.63 )કેન્સરનાં દર્દી હતા અને વાઘોડીયા ખાતે તેમની ટ્રીટમેન્ટ ચાલતી હતી. તેમને તાવ, શરદી, અને ભારે શ્વાસની ગંભીર તકલીફ થતા તળાજાનાં અર્બન હેલ્થ સેન્ટર પર પોઝીટીવ જણાંતા તેમને હનુમંત હોસ્પીટલ મહુવા ફ્રી માં (ગવર્નમેન્ટ બેડ) ખાતે દાખલ કરાવી સઘન સારવારથી 10 દિવસબાદ તેમની સ્થિતિ સુધરતા રજા આપેલ જે હાલ સ્વસ્થ સ્થિતિમાં છે. અને તેમનું રોજીંદુ કામ સરળતાથી બજાવી રહયા છે.
કોરોના વોરિયર્સ
સર ટી. હોસ્પિટલમાં દર્દીઓની 10 માસથી સેવા કરતા ડૉ.લોપાબેન
ભાવનગર ની સર.ટી હોસ્પિટલ ખાતે ક્રિટીકલ વોર્ડ માં છેલ્લા 10 મહિનાથી ફરજ બજાવતા ડૉ. લોપા ત્રિવેદી કોરોના સામે લડનારા યોદ્ધાઓમાંનાં એક છે. તેઓ કહે છે કે કોરોના નાં સમયગાળા દરમિયાન એક એનેસથેસિસ્ટ તરીકે અમે ક્રિટીકલ કેરમાં હંમેશા હાજર રહેતા હતા. શરૂઆતમાં ઓછા લોકોની જરૂર પડતી પણ જૂન અને જુલાઈ મહિનાઓ દરમિયાન તો 15 દિવસ સુધી સેવાઓ આપવી પડતી પછી શિફ્ટ બદલાતી હતી.
મારે બે દીકરીઓ છે જેમાંથી મોટી આશ્કા કોલેજ કરે છે અને મૃગા નવમા ધોરણમાં છે. મોટી દીકરી તો સમજે છે કે આવી પરિસ્થિતિમાં અલગ રહેવું પડે પરંતુ નાની બેબીને શરૂઆતમાં સમજાવવી પડી હતી કારણકે બાળકોને આદત હોય મમ્મી ઘરે જાય અને તેઓ ભેટી પડે.
108ના પાયલોટ વિરમદેવસિંહે કોરોનામા આપી 24 કલાક સેવા
માર્ચ માસના છેલ્લા વીકથી ભાવનગરમાં કોરોનાની શરુઆત થઇ હતી. ત્યારથી લઇને આજ સુધી 108 ઇમરજન્સી સેવાના પાયલોટ વીરમદેવસિંહ રાઠોડ ( મધુવન ) એ દિવસ-રાત જોયા વગર સતત 24 કલાક કોરોનાના દર્દીઓને સમયસર હોસ્પીટલમા પહોંચાડી ખરેખર ઇમરજન્સી સેવાને સાકાર કરી છે. તેમને પરિવારમા પત્નિ અને એક પુત્ર તથા એક પુત્રી છે. જે માત્ર 2 વર્ષની છે. કયારેક મોકો મળેતો તેઓ ઘરે જતા અને સીધા ન્હાવા માટે બાથરુમમા જતા.માસુમ દીકરી પીતા તેને તેડે તેની રાહ જોતી હતી. પણ પપ્પા સીધા મકાનના ઉપરના માળે ચાલ્યા જતા અને છાને ખુણે આંખમા આસું આવી જતા કે એક બાપ દીકરીને તેડી પણ શકતા નથી.
108 ના EMT કાર્તિકભાઇની કોરોના કાળમાં અવિરત સેવા
ભાવનગર 108 ઇમરજન્સી સેવાના ઇ.એમ.ટી. કાર્તીક દવે એ સાૈથી વધારે કોરોનાગ્રસ્ત દર્દીઓને સમયસર હોસ્પિ પહોચાડ્યા હતા. માર્ચના છેલ્લા વીકથી લઇને આજ સુધીમાં 728 થી વધારે કોરોનાના દર્દીઓને હોસ્પીટલમા ખસેડયા હતા. તેઓએ કોરોના મહામારીમા સતત પી.પી.કીટ પહેરીને ગરમી અને તડકા વચ્ચે 3 થી 4 કલાક સુધી પીપી કીટ પહેરી રાખેલ. જેથી તેઓ પાણી પણ પી શકતા ન હતા. જમવા માટે સમય હોય તો ઓફીસમા અાવેલા ટીફીનમા|થી જમી લેતા અનેક વાર જમવાનો મોકો ન મળતા બે-બે દિવસ ભુખ્યા પણ રહયા છે. પરીવારમા એક માત્ર પત્નિ અને 8 વર્ષનો પુત્ર છે જેને શ્વાસની બીમારી છે. કાર્તીકભાઇ 24 કલાક 108 મા સેવા આપતા હતા. છતા મોકો મળી જાય તો ઘરે જતા અને એકના એક પુત્રને રમાડી કે ગળે વળગાડી શકતા ન હતા. જોકે પુત્ર દક્ષ ને તેમના માતા-પિતાએ પહેલેથી જ પરિસ્થીતીથી વાકેફ કરી દીધેલ હતો.છતા મા-બાપને પુત્રને પીતા રમાડી શકતા ન હોવાનો અફસોસ જરૂર રહેતો હતો.
કોરોનામાં સતત તબીબી સેવા આપતું સિહોરનું વકાણી દંપતી
સિહોરમાં તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ડો.જયેશભાઇ વકાણી ફરજ બજાવી રહ્યા છે. જયારે તેમના પત્ની ડો.ધ્રુતિ પનારા (વકાણી) હાલ ભાવનગર મહાનગર પાલિકાના વડવા-અ હેલ્થ સેન્ટર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. આ દંપતીને એક વરસની એક દીકરી છે. તેમના માતા-પિતા સિનિયર સીટીઝન છે. તેઓનો પરિવાર કોરોનાની હાઇ રિસ્ક કેટેગરીમાં આવે છે. આમ છતાં ડોકટર દંપતી પોતાના પરિવારની પરવા કર્યા વિના જીવના જોખમે કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવે છે.
મહુવાની હનુમંત હોસ્પિટલ માં નિઃશુલ્ક સેવા
મહુવાની હનુમંત હોસ્પિટલ સંચાલકોએ જણાવ્યું હતું કે કોવીડ હોસ્પિટલ ખાતે ક્રિટિકલ કેર સાથે સંકળાયેલા અનુભવી ડોક્ટર્સની ટીમ રોજ જરૂરિયાત મુજબ તેમની સેવા આપી છે. તેઓ ઓન કોલ ૨૪ કલાક હાજર રહેશે તેમજ દિવસમાં જરૂરિયાત મુજબ દર્દીઓની તપાસ માટે વિઝીટ કરી છે.
કોરોના : આગમન, ફેલાવો, આજની સ્થિતિ
ભાવનગરમાં કોરોનાના પ્રવેશનું કારણ દિલ્હી
નવી દિલ્હી ખાતે ઇસ્લામી મરકઝ હોય માર્ચના બીજા સપ્તાહમાં ભાવનગરના 70 વર્ષીય હાજી અબ્દુલ કરીમભાઇ શેખને ભાવનગર આવ્યા ત્યારે ચેપ લઇને આવ્યા અને મોત થયા બાદ તેઓ કોરોના પોઝિટિવ જાહેર કરાયા હતા.
ભાવનગરમાં કોરોનાના પ્રથમ દર્દી જ મોત પામ્યા
ભાવનગર શહેરમાં કોરોના પોઝિટિવ જાહેર થયેલા પ્રથમ દર્દી કરીમભાઇ શેખનું કોરોનાથી અવસાન થયું હતુ. 25મીએ તેમનું મોત થયેલું અને 26 માર્ચે તેઓ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. બાદમાં કોરોનાએ સકંજો પ્રસરાવ્યો હતો.
દર 1000 ટેસ્ટમાં 17.58 દર્દી પોઝિટિવ મળ્યા
ભાવનગરમાં 3,31,120 જેટલા કોરોનાના ટેસ્ટ થયા છે અને તેમાં આજ સુધીમાં 5824 દર્દીઓ પોઝિટિવ આવતા જિલ્લામાં દર એક હજાર ટેસ્ટે 17.58 દર્દી પોઝિટિવ મળે છે.
સૌથી વધુ પોઝિટિવ કેસ ઓગસ્ટમાં નોંધાયા
ભાવનગર જિલ્લામાં કોરોનાના પ્રકોપના નવ માસ દરમિયાન આજ સુભીમાં કુલ 5824 પોઝિટિવ કેસ નોંધાયા છે તે પૈકી એક માસમાં સૌથી વધુ પોઝિટિવ કેસ ઓગસ્ટ માસમાં 1482 નોંધાયા હતા. જ્યારે સૌથી ઓછા કેસ આરંભના એપ્રિલમાં માત્ર 44 નોંધાયા હતા. ઓગસ્ટ એક જ માસમાં અત્યાર સુધીના કુલ કેસના 25.45 ટકા કેસ આ એક જ માસમાં નોંધાયા હતા.
સૌથી વધુ એક્ટિવ દર્દી 3 સપ્ટેમ્બરે નોંધાયેલા
ભાવનગર જિલ્લામાં આજની તારીખે તો કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા ઘટીને માત્ર 58 થઇ ગઇ છે. પણ એક વખત હતો જ્યારે સપ્ટેમ્બર માસમાં આરંભે ત્રીજી તારીખે ભાવનગર જિલ્લામાં કોરોનાના એક્ટિવ દર્દીની સંખ્યા 596ના આંકને આંબી ગઇ હતી જે હાઇએસ્ટ હતી.
પ્રકોપ વધ્યાનું કારણ બહારના લોકોનું આગમન
ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાના આગમન બાદ સ્થિતિ કાબૂમાં હતી આ હકીકત જાણીને અમદાવાદ, સુરત તરફથી મોટા પ્રમાણમાં મૂળ ભાવનગરના લોકો ભાવનગર પરત આવ્યાં અને સાથે ઘણા તો કોરોનાનો ચેપ લઇને આવ્યા.
કોરોનાની આજની સ્થિતિ
ભાવનગરમાં રોગચાળો એકંદરે કાબૂમાં છે. આ સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 5,824 પોઝિટિવ કેસ નોંધાયા છે પૈકી 5690 દર્દીઓએ કોરોના સામે જંગ જીત હતા રિકવરી રેઇટ 97.70 ટકા થઈ ગયો છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.