વાવાઝોડાની અસર:વરસાદ-વાવાઝોડાથી જિલ્લામાં 31,945 હેકટરમાં ખેતી-બાગાયતી પાકોને નુકશાન

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડુંગળી, બાજરી, તલ, કપાસ, કેરી, નાળીયેરી, લીંબુ સહીતના પાકોને નુકશાન
  • 47000 હેકટર વાવેતરમાં નુકશાનીનો અંદાજ મેળવવા 138 ટીમોએ 647 ગામોમાં સર્વેની કામગીરી કરી : મહુવા, જેસર, પાલિતાણા, તળાજા તાલુકામાં વધુ નુકશાન

સમગ્ર ગુજરાતમાં ત્રાટકેલા વિનાશકારી વાવાઝોડાની ભાવનગર જિલ્લામાં પણ ભયંકર અસર થઇ છે અને ખેતીપાકોને પણ ભારે નુકશાન થયું છે ભાવનગર જિલ્લામાં દસે દસ તાલુકામાં ખેતીવાડીને ભારે નુકશાન થયું છે તેમાં સૌથી વધુ ચાર તાલુકાઓ મહુવા, પાલિતાણા,તળાજા અને જેસર તાલુકાના ગામોમાં ખેતીવાડીમાં બહુ મોટુ નુકશાન થયું છે.જિલ્લામાં 47000થી વધુ હેકટર વાવેતરમાં નુકશાનીનો અંદાજ મેળવવા 138 ટીમોએ સતત 10 દિવસમાં 647 ગામોમાં સર્વેની કામગીરી કરી હતી.પ્રાથમિક અંદાજ મુજબ 31 હજારથી વધુ હેકટરમાં નુકશાની સામે આવી છે.ભાવનગર સહીત અન્ય જિલ્લાના કર્મચારીઓ પણ આ સર્વેની કામગીરીમાં જોડાયા હતા.

અરબી સમુદ્રમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે જેમાં ભાવનગર જિલ્લામાં તેની વિપરીત અસર થઇ છે.ભાવનગર જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને નુકશાન થયું છે જેથી ખેડૂતોમાં ભારે નિરાશા જન્મી છે.તાઉતે વાવાઝોડાએ એટલો બધો વિનાશ વેર્યો છે કે તેની અસરમાંથી બહાર આવતા ઘણો સમય વિતી જશે.ભાવનગર જિલ્લામાં અંદાજે 31,945 હેકટર ઉનાળુ વાવેતરને આ વાવાઝોડાથી ભારે નુકશાન થવા પામ્યું છે.જિલ્લામાં ખાસ કરીને બાજરી,તલ,મગફળી ,ડુંગળી અને બાગાયતી પાકોમાં લીંબુ,આંબા,નાળીયેરી વગેરેને નુકશાન થવા પામ્યુ છે.

33 % થી વધુ નુકશાનીમાં સહાય મળવા પાત્ર
જિલ્લામાં વાવાઝોડાથી થયેલ નુકશાનીનો સર્વે કરવા અમારી ટીમની સાથે 175 ગ્રામ સેવકો કે જેઓ મહેસાણા,અમદાવાદ,ખેડા સહીતના સ્થળોએથી સર્વેમાં જોડાયા હતા અને કુલ 138 ટીમોના 300નો સ્ટાફ મળીને 10 દિવસમાં 647 ગામોમાં સર્વે પુરો કરીને નુકશાનીનો અંદાજ મેળવ્યો હતો.

જે ખેતીપાકમાં 33 ટકા કરતા વધુ નુકશાની હશે તેને સરકારના નિયમ મુજબ સહાય મળવાપાત્ર થશે.સર્વેમાં થયેલી નુકશાની અંગે સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ (એસ.ડીઆર.એફ)ને જાણ કરાશે અને તે પ્રમાણે સહાય કરાશે.હાલમાં નુકશાની અંગેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે.નુકશાનીનું વળતર ચુકવવા ઝડપથી કાર્યવાહી થઇ રહી છે. - એસ.આર.કોસંબી, જિલ્લા ખેતીવાડી અધિકારી,જિ.પં.ભાવનગર

10 દિવસમાં 647 ગામોમાં ખેતીવાડીના પાકોમાં નુકશાનીનો અંદાજ મેળવવામાં આવ્યો
વાવાઝોડાથી થયેલી નુકશાનીનો અંદાજ મેળવવા જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા વાવાઝોડા પછી તુરંત સર્વેની કામગીરી શરૂ કરી દેવાઇ હતી જેમાં સતત 10 દિવસ 138 ટીમમાં 300 જેટલો સ્ટાફ જોડાયો હતો અને જિલ્લાના 647 ગામોમાં સર્વેની કામગીરી કરી નુકશાનની જાત માહિતી મેળવી હતી.જિલ્લામાં કુલ 47,661 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.ટીમના સભ્યોએ 49,365 હેકટરમાં સર્વે કર્યા બાદ કુલ 31,945 હેકટરમાં બાગાયતી અને ખેતી પાકોની નુકશાની જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...