દરોડા:ભાવનગરમાં 6 ટુકડીઓ દ્વારા 10 સ્થળોએ દરોડા : કરોડોની ગેરરીતિ

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સ્ટેટ GST એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા રાજ્યમાં 30 જગ્યાએ દરોડા
  • ​​​​​​​ધંધાના સ્થળો, રહેણાંકમાં સવારથી કાર્યવાહી, મોડીરાત્રે યથાવત

સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ અમદાવાદ દ્વારા સમગ્ર રાજ્યમાં 30 જગ્યાઓએ દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે પૈકી ભાવનગરમાં 6 ટુકડીઓ દ્વારા 10 સ્થળોએ ઓફિસ અને રહેણાંકમાં ગુરૂવારે સવારથી શરૂ થયેલી દરોડાની કાર્યવાહી મોડીરાત્રે પણ યથાવત્ રહી છે.પોરબંદરના અમિત દેવાણી, અમદાવાદના જનકકુમાર બૈજુકુમાર પંચાલ, અરફાબાનુ સાબિરહુસૈન શેખની ખોટી વેરાશાખ લેવાના અને બોગસ બિલિંગના કેસોમાં તાજેતરમાં ધરપકડ કરવામાં આવેલી છે.

તદ્ઉપરાંત અનેક જગ્યાએથી મળેલી ક્રોસ માહિતીઓના આધારે સ્ટેટ જીએસટીની એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા ભાવનગર સહિત રાજ્યમાં 30 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.ભાવનગરમાં એસ.એલ.મરિન, આલિયા સ્ક્રેપ, મરિન લાઇન્સ, જે.ઇ.એન્ટરપ્રાઇઝ સહિતની પેઢીઓમાં કુંભારવાડા, મોતીતળાવ, રેવડીબજાર, આંબાચોક, જોગીવાડની ટાંકી, શિશુવિહાર, એરપોર્ટ રોડ, તળાજા ખાતે ઓફિસ અને રહેણાંકોમાં ગુરૂવારે સવારથી દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.

છેલ્લા એક મહિનાથી ભાવનગરની શંકાસ્પદ પેઢીઓની માહિતીઓ એકત્ર કરવામાં આવી રહી હતી. દરોડા વાળા સ્થળોએથી સ્ટેટ જીએસટીના અધિકારીઓએ કોમ્પ્યુટર, લેપટોપ, કાચી ચીઠ્ઠીઓ, આંગડીયાના હિસાબો, મોબાઇલ ડેટા, સંદેશા વ્યવહારો હસ્તગત કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક મળેલી માહિતી અનુસાર સ્ક્રેપ અને મેટલના ધંધાર્થીઓ દ્વારા કરોડો રૂપિયાની ગેરરીતિઓ આચરવામાં આવી છે, અને ગુરૂવારે શરૂ થયેલી કાર્યવાહી શુક્રવારે પણ યથાવત્ રહેવાની હોવાનું જાણવા મળેલ છે.દરમિયાન અલંગથી ભાવનગર માલ પરિવહન કરી રહેલા 5 વાહનોમાં ઇ-વે બિલ નહીં હોવાથી એસજીએસટીની મોબાઇલ સ્કવોડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...