સમાજસેવા સાથે ઉજવણી:ભાવનગરમાં ફરજ બજાવતા PSIએ રક્તદાન કરી પોતાના જન્મદિનની ઉજવણી કરી

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રક્તદાન સાથે પોતે અને તેમની દીકરીએ પણ અંગદાન અને ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો

ભાવનગરની રૂપાણી ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈએ રક્તદાન કરી જન્મદિવસની ઉજવણી કરી હતી. ખાસ દિવસે અંગદાન અને ચક્ષુદાનનો સંકલ્પ લઈ સમાજને નવી રાહ ચીંધી છે.

સામાન્ય રીતે પોલીસની છાપ કડક વર્તન કરનાર તરીકેની હોય છે. સમાજમાં શાંતિ અને સુલેહ જાળવી રાખવાં માટે તેમણે કડક હાથે કામ લેવું પડતું હોય છે. તેથી સામાન્ય જનસમાજ પોલીસ અને પોલીસની કામગીરીથી દૂર રહેતો હોય છે, પરંતુ આવાં કડક અને શિસ્તના આગ્રહી એવાં પોલીસના પણ એક કરુણામય હૃદય હોય છે.તેમનામાં પણ માનવતા હોય છે. તેઓ પણ સમાજ કલ્યાણ માટે પ્રતિબદ્ધ હોય છે તેનું ઉજળું ઉદાહરણ ઘોઘા પોલીસ સ્ટેશન હેઠળ આવતાં રૂપાણી પોલીસ ચોકીના પી.એસ.આઇ. શ્રી વી.વી. પંડ્યાએ પોતાના જન્મદિવસે રક્તદાન કરીને પુરુ પાડ્યું છે. તેઓ માત્ર રક્તદાન કરીને અટકી ગયાં નથી, પરંતુ તેઓએ તેમના મૃત્યુ બાદ અંગદાન અને ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો છે. પિતાના પગલે તેમની દીકરી દેવાંશી બહેને પણ ચક્ષુદાન કરવાનો સંકલ્પ લીધો છે. આમ પિતા-પુત્રની જોડીએ 'જીવતેજીવત રક્તદાન અને મૃત્યુબાદ ચક્ષુદાન'નો મહિમા રજૂ કરી સમાજ સમક્ષ અનોખી મિસાલ પ્રસ્તુત કરી છે.

સામાન્ય રીતે લોકો પોતાનો જન્મદિવસ પોતાના સ્વજનો સાથે ખાણીપીણીની મોજ મજા અને મનોરંજન સાથે કરતાં હોય છે પરંતુ સમાજમાં એવાં પણ લોકો હોય છે જેઓ પોતાના જીવનને સમાજ માટે સમર્પિત કરતાં હોય છે. આવાં જ એક સમર્પિત વ્યક્તિ છે પી.એસ.આઇ. વી.વી. પંડ્યાએ પોતાના જન્મદિવસને કંઈક અલગ રીતે ઉજવીને સમાજ ઉપયોગી થાય તે રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. તેમની જાણમાં આવ્યું કે, સમાજના થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વારંવાર લોહી ચડાવવું પડતું હોય છે.

સમાજમાં રક્તદાનની ઓછી જાગૃતિને કારણે તથા લોકો સ્વયંભૂ આવાં ઉમદા કાર્ય માટે ઓછા પ્રમાણમાં આગળ આવતાં હોવાથી આવા થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સમયસર લોહી મળવાની સમસ્યાઓ સર્જાતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને તેમણે તેમનો જન્મદિવસ રક્તદાન કરીને ઉજવવાનું નક્કી કર્યું હતું.તેમનાં આ સમાજ ઉપયોગી કાર્યમાં ઘોઘા રોડ પોલીસ સ્ટેશન તથા રૂપાણી પોલીસ ચોકીના કર્મચારીઓ પણ સહભાગી થયાં હતાં.

તેમના આ કાર્યને પ્રોત્સાહિત કરવાં માટે ભારતમાં સૌથી યુવાનવયે આઇ.પી.એસ. બનેલાં અને હાલમાં ભાવનગર ખાતે કાર્યરત મદદનીશ પોલીસ કમિશનર સફીન હસન પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને પી.એસ.આઇ. પંડ્યાની સમાજ ઉપયોગી કામગીરીને બિરદાવી હતી. તેમણે સમાજના અન્ય લોકોને પણ આ ઉદાહરણમાંથી શીખ લેવાં માટે જણાવ્યું હતું. અત્યારે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના રૂપાણી પોલીસ ચોકી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં 35 બોટલ લોહી એકત્ર કરવામાં આવ્યું હતું. દિવસભરની પોતાની કામગીરી બાદ સાંજે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ એક બાજુ પોતાની ફરજપરસ્તી અને બીજી બાજુ સમાજ પ્રત્યેનું ઉત્તરદાયિત્વ નિભાવીને ભાવનગર પોલીસે એક ઉમદા વિચાર અને ઉદાહરણ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યું છે.

ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.આઇ.સોલંકી પાલીવાલ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ પ્રવિણભાઈ પંડ્યા તેમજ પાલીવાલ યુવક મંડળના સભ્યો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી નામાંકિત સંસ્થા લક્ષ્ય કેરિયર એકેડમીનો સ્ટાફ, રેડક્રોસ સોસાયટીના પ્રતિનિધિ સુમિતભાઈ ઠક્કર અને વિદ્યાર્થી મિત્રો તેમજ સંસ્થાઓના હોદેદારો સહિતના લોકો આ સમાજ ઉપયોગી ઉમદા કાર્ય માટે સહભાગી થયાં હતાં. આ કાર્ય માટે રૂપાણી પોલીસ સ્ટેશન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા સર તખ્તસિંહજી હોસ્પિટલનો પણ ઉમદા સહકાર પ્રાપ્ત થયો હતો.

અન્ય સમાચારો પણ છે...