ભાવનગરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.)માં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવતી હોય આ કચેરીમાં રોજ મોટા પ્રમાણમાં નાગરીકો પોતાના કામ માટે આવતા હોય છે ત્યારે ભાવનગર આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઇસમોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતુ જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે.
ભાવનગરની આર.ટી.ઓ. કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરીકોનાં હીત માટે થઈને નાગરીકોને ભોળવીને લલચાવીને કામ કરાવી આપવાનું બહાનું કરીને ગેરમાર્ગે દોરી લોકોને છેતરવાનું કૃત્ય કરતા અનઅધિકૃત ઈસમોના આર.ટી.ઓ. કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે જાહેરનામું બહાર પાડવા ભાવનગર પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ દરખાસ્ત રજુ કરી હતી.
જે સંદર્ભે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.જે.પટેલ દ્વારા હુકમ કરી જાહેરનામું ફરમાવેલ છે કે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ.) માં પોતાના કામ માટે આવેલા હોય અથવા કામ કરતા હોય તેવા અથવા વાજબી કામ સબબ આવેલા હોય તે સિવાયના અનધિકૃત ઇસમોનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવેલ છે.
આ જાહેરનામું 60 દિવસ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનાં અમલ તથા તેના ભંગ બદલ ફોજદારી પગલા લેવા પોલીસ અધિકારી તથા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.