બોલો આ છે વહિવટ:પ્રોડકશનમાં નવો પ્રવેશ બંધ છતાં પ્રોફેસરોને ચુકવાય છે વર્ષે રૂા. 4.33 કરોડ

ભાવનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજનેરી કોલેજોમાં પ્રોડકશન ફેકલ્ટીમાં 1600 વિદ્યાર્થીઓ હતા ત્યારે 19 પ્રોફેસર અને 150 છાત્રોમાં પણ 19 પ્રોફેસર

ભાવનગર શહેરમાં સરકારી ઇજનેરી કોલેજ તથા શાંતિલાલ શાહ ઇજનેરી કોલેજ આવેલી છે જેમાં ડિગ્રી ઇજનેરી કક્ષાએ હાલ પ્રોડકશન ફેકલ્ટીમાં નવા પ્રવેશ આપવાનું બંધ કરાયું છે. આમ, બન્ને કોલેજમાં નવા 120-120 લેખે જે 240 વિદ્યાર્થીઓ ભરવાની સુવિધા હતી તે શૂન્ય કરી દેવામાં આવી હોવા છતાં આ બન્ને કોલેજમાં પ્રોડકશન વિભાગમાં 19 જેટલા પ્રોફેસરો પગાર લે છે.

હવે ગુજરાતમાં મોરબી ખાતે પ્રોડકશન બ્રાન્ચ ચાલુ છે. ભાવનગરમાં આ 19 પ્રોફેસરોને દર મહિને રૂ.22.80 લાખ અને દર વર્ષે રૂ.4.33 કરોડનો મસમોટો પગાર ચૂકવાઇ રહ્યો છે અને વિદ્યાર્થીઓ તો નવા સેમેસ્ટરમાં કોઇ નથી.

અગાઉ જ્યારે પ્રોડકશન વિભાગમાં 1500 જેટલા વિદ્યાર્થીઓ તમામ સેમેસ્ટરમાં થઇને આ બે કોલેજમાં હતા ત્યારે પણ આ 19 પ્રોફેસર હતા અને આજે માંડ 150 જેટલા વિદ્યાર્થીઓ છે ત્યારે પણ આ જ 19 પ્રોફેસર છે. જેઓને હવે શૈક્ષણિક કાર્ય નહિવત થઇ ગયું છે છતાં એવરેજ મહિને એક પ્રોફેસરને રૂ.1.20 લાખનો પગાર ચૂકવાય છે.

દર વર્ષે ઓડિટ થાય છે તો પરિણામ કેમ નહીં ?
આ કોલેજોમાં દર વર્ષે ઓડિટ થતું હોય છે જેમાં વિદ્યાર્થીઓની સંખ્યા, કોર્સ ચાલે છે કે નહીં, પ્રોફેસરોની સંખ્યા વિગેરેની વિગતો ચકાસણી થતી હોય તે સ્વાભાવિક છે પણ ભાવનગરની આ બે કોલેજોમાં પ્રોડકશનમાં નહિવત વિદ્યાર્થીઓની સામે વધારે પ્રોફેસરો હોવાની હકીકત કેમ ધ્યાને નથી આવતી તે પ્રશ્ન થાય છે. છતાં મૌન આશ્ચર્યજનક છે.

આવા અધ્યાપકોનું શું કરી શકાય ?
ભાવનગરની આ બન્ને કોલેજોમાં સર્વેક્ષણ કરીને જે જોઇએ એટલા જ પ્રોફેસર પ્રોફકશનમાં રાખવા અને અન્યને રાજ્યના અન્ય શહેરોમાં જ્યાં મિકેનિકલ ફેકલ્ટી ચાલતી હોય ત્યાં જગ્યા ખાલી હોય તો તે કોલેજમાં મુકવા જોઇએ જેથી તેઓના જ્ઞાનનો ઉપયોગ થઇ શકે અને વિદ્યાર્થીઓ કોર્સથી વંચિત પણ ન રહે.

નવો પ્રવેશ બંધ પણ 6થી8 સેમમાં વિદ્યાર્થીઓ ભણે છે
અમારી સરકારી ઇજેનરી કોલેજમાં નવા પ્રવેશ પ્રોડકશનમાં નથી અપાતા પણ 6-8 સેમસ્ટરમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. આવું જ શાંતિલાલ શાહ કોલેજમાં પણ છે. બન્ને કોલેજમાં 150થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યાં છે. વળી પ્રોડકશનના પ્રોફેસર મિકેનિકલ ફેકલ્ટીમાં પણ ભણાવે છે. ખાસ કરીને હવે રોબોટિક્સ જેવા વિષય આવ્યાં છે ત્યારે મિકેનિકની આવી શાખામાં 70થી 80 ટકા કોર્સ ભણાવે છે. - જી.પી. વડોદરીયા, પ્રિન્સિપાલ, સરકારી ઇજનેરી કોલેજ,ભાવનગર

અન્ય સમાચારો પણ છે...