તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિન વિશેષ:ગોખણપટ્ટીના સ્થાને શિક્ષણમાં કૌશલ્યને પ્રાથમિકતા આપો

ભાવનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
નલિન પંડિત, પૂર્વ નિયામક, જીસીઇઆરટી, ગાંધીનગર, ડો.મનહરભાઇ ઠાકર, શિક્ષણવિદ  - Divya Bhaskar
નલિન પંડિત, પૂર્વ નિયામક, જીસીઇઆરટી, ગાંધીનગર, ડો.મનહરભાઇ ઠાકર, શિક્ષણવિદ 
  • આજે શિક્ષક દિને શિક્ષકો વર્ણવે છે પોતાના શિક્ષણકાળના શિક્ષકો અને શિક્ષણની વાતો, હાલના શિક્ષણનું મૂલ્યાંકન કરી રાહ પણ ચિંધે છે

આવતી કાલ તા.5મી સપ્ટેમ્બરના રોજ પૂર્વ રાષ્ટ્રપતિ અને આજીવન શિક્ષક રહેલા ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી થશે ત્યારે ભાવનગરના પ્રાથમિક અને માધ્યમિક કક્ષાના શિક્ષકો પાસેથી તેમના કાળના શિક્ષણ અને શિક્ષકો તેમજ આજના શિક્ષણ તેમજ ભાવિ શિક્ષણ વિષે મંતવ્યો સૌરાષ્ટ્ર સમાચારે લીધા.

જેમાં શિક્ષકોનો સૂર હતો કે અમારા ભણતરના દિવસોમાં શિક્ષણના પ્રવાહની ગંગા શુદ્ધ હતી પણ હવે તે મેલી થઇ ગઇ છે. એ દિવસોમાં શિક્ષણને કૌશલ્યને સ્થાન હતુ પણ આજે માત્ર ગોખણપટ્ટી જ છે. ચાલો ત્યારે ગઇ કાલ, આજ અને આવતી કાલના શિક્ષણ વિષે જાણીયે શિક્ષકોની કલમ દ્વારા....

તરૂણભાઈ વ્યાસ, માધ્યમિક શાળા , વાલુકડ, મહેશભાઈ ધાંધલા, બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ, ભાવનગર
તરૂણભાઈ વ્યાસ, માધ્યમિક શાળા , વાલુકડ, મહેશભાઈ ધાંધલા, બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ, ભાવનગર
મધુકરભાઈ ઓઝા, પ્રમુખ, જિલ્લા શિક્ષક સંઘ
મધુકરભાઈ ઓઝા, પ્રમુખ, જિલ્લા શિક્ષક સંઘ

ત્યારે શિક્ષણમાં આનંદ હતો આજે ભરપૂર તણાવ છે
અમે ભણતા ત્યારે શિક્ષણમાં આનંદ હતો આજે તણાવ છે. એ દિવસોમાં વિશાળ મેદાનો વાળી શાળાઓ હતી જ્યારે આજે ત્રીજા માળે ચાલતી શાળાઓ છે. એ જમાનામાં ભુલ વગરના પાઠ્યપુસ્તકો હતા પણ આજે ભણાવાતા પાઠ્ય પુસ્તકો અસંખ્ય ભુલો છે. જો કે હજી 20 ટકા જેટલા શિક્ષકો આજે પણ શ્રેષ્ઠ છે. આજના યુગમાં હજી જૂજ સંસ્થાઓ સેવાભાવનાને વરેલી છે. શિક્ષણની નવી નીતિ અમૃતકુંભ સમાન છે. જો તેનું પૂર્ણ પાલન થાય તો દેશ વિશ્વગુરૂ બનવા શક્તિમાન છે.- નલિન પંડિત, પૂર્વ નિયામક, જીસીઇઆરટી, ગાંધીનગર

એ યુગમાં શિક્ષણ સ્વનિર્ભર અને આત્મસંયમી બનાવતું
મારું પ્રાથમિક શિક્ષણ જન્મભૂમિ ગામ લાકડિયા, સિહોર અને ત્રાપજ, પછી અમદાવાદ અને ભાવનગરમાં શિક્ષણ મેળવ્યું. સહશિક્ષણ દરમિયાન સ્વાશ્રય અને સંયમના પાઠો પ્રેરણામૂર્તિ શિક્ષકો દ્વારા શીખવા મળેલા.જે મને સ્વનિર્ભર અને આત્મસંયમી બનાવવામાં ઉપયોગી થયા.અત્યારના શિક્ષણનો ઝૉક વિદ્યાર્થીઓમાં વધુમાં વધુ બૌદ્ધિક વિકાસ અને ઊંચા મેરિટ તરફનો છે. વિદ્યાર્થીઓમાં ભાવનાઓનો વિકાસ થાય તેવી શિક્ષણની પદ્ધતિઓ અને તેવા રૉલમોડેલ શિક્ષકોની વધુ જરૂર છે. - ડો.મનહરભાઇ ઠાકર, શિક્ષણવિદ

શાળાઓમાં ભણાવવા માટે શિક્ષકત્વ સ્વતંત્રતા આજે નથી
મને આજે પણ પ્રાથમિક શાળાનું શિક્ષણ અને શિક્ષકો યાદ છે પણ અત્યારના બાળકોને યાદ નથી. કારણ કે આત્મીયતા અને તાદાત્મ્ય હતા તે અદ્રશ્ય છે. મારી શાળામાં જે વૃક્ષોને અમો સાચવીને પાણી પાતા પણ આજે પર્યાવરણ દિવસ કે પ્રકૃતિ વંદના કરવાની આવશ્યકતા ઉભી થઇ. હાલ એક શિક્ષક પણ દરરોજ માહિતીમય બની ગયા છે દરરોજ નવા પરિપત્રોના ના જવાબ અને એ પણ ઉપર લખ્યું હોય અગત્યનું કે ટોચ અગ્રતા અને શિક્ષણ સિવાયની અનેક પ્રવૃત્તિઓમાં અટવાયેલા છે ભણાવવા માટે એક શિક્ષકત્વ સ્વતંત્રતા ઝંખે છે- તરૂણભાઈ વ્યાસ, માધ્યમિક શાળા , વાલુકડ

શિક્ષણ શુદ્ધ, સાદુ હતુ આજે ટકાવારીલક્ષી થઈ ગયું
અમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે શિક્ષકોની સંકલ્પના હતી કે શિક્ષક અને શિક્ષણ શુદ્ધ, સાદુ અને વિવેકભાન શિખવનારૂં હોવું જોઇએ. પહેલાનું શિક્ષણ વિદ્યાર્થીલક્ષી, સમાજલક્ષી અને જીવનલક્ષી હતુ જ્યારે આજનું શિક્ષણ વધુને વધુ રોજગારલક્ષી અને ટકાવારીલક્ષી થતું જાય છે. જો કે હકીકત એ છે કે આજે વિદ્યાર્થી, વાલી અને સમાજ પણ આવી જ અપેક્ષા રાખે છે. જમાનો બદલાય એટલે પડકારો બદલાય છે. આમ છતાં જીવનમૂલ્યો સાથે નવા પડકારોનો સમન્વય કરીને શુદ્ધ શિક્ષણ આપીએ તો સાચી જવાબદારી નિભાવી શકીશુ. - મહેશભાઈ ધાંધલા, બી.એમ.કોમર્સ હાઇસ્કૂલ, ભાવનગર

આજે તો બે પાનાનો પાઠ અને 3 પાનાનો સ્વાધ્યાય
ચારેક દશકા પૂર્વે હું જ્યારે ભણતો ત્યારે શિક્ષણ ભારણ વગરનું હતુ. પ્રાથમિક શાળાઓમાં એક જ શિક્ષક તમામ વિષય ભણાવતા. રમત-ગમતને અને તેના શિક્ષકોને પ્રાધાન્ય હતુ. જ્યારે આજે તો અમે ભણાવીયે છીએ જેમાં બે પાનાનો પાઠ અને 3 પાનાનો સ્વાધ્યાય હોય. આથી ભારણ વધે જ. હું ધો.7માં ભણતો ત્યારે ગુજરાતીમાં 31 પાઠ હતા આજે ગુજરાતીમાં 7થી 8 પાઠ હોય છે. મારી દ્રષ્ટિએ આજે ધો.3થી 5માં વિષય શિક્ષણ હોવું જ ન જોઇએ. એક જ ગુરૂજી બધા વિષયો ભણાવે તેમાં વિદ્યાર્થીઓને ફાયદો છે. - મધુકરભાઈ ઓઝા, પ્રમુખ, જિલ્લા શિક્ષક સંઘ

અન્ય સમાચારો પણ છે...