જામનગર PM મોદીએ કહ્યું:'આજકાલ અર્બન નકસલો ગુજરાતમાં પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યા છે'

ભાવનગર2 મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની હવે ઘડીઓ ગણાઈ રહી છે. પહેલી ડિસેમ્બરે પહેલા તબક્કાનું અને પાંચમી ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન છે. ત્યારે ગુજરાતમાં પોતાની સરકાર બનાવવા તમામ રાજકીય પાર્ટીઓ ગામડે ગામડે સભાઓ ગજવી રહી છે. ત્યારે વડાપ્રધાન ગઈકાલથી ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.વડાપ્રધાન પાલિતાણા અને અંજારમાં જનસભાને સંબોધ્યા બાદ આજની ત્રીજી સભા જામનગરમાં સંબોધી હતી. અહીં વડાપ્રધાને આતંકવાદને લઈ કૉંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.

ત્રણ જિલ્લા જાપાનની બરાબરી કરે એટલી પ્રગતિ કરશે- PM મોદી
જામનગરના વડાપ્રધાને કહ્યું હતું કે, મોરબી, જામનગર અને રાજકોટ એક એવો ત્રિકોણ છે કે જે જાપાનની બરાબરી કરે એવી પ્રગતિ કરવાનો છે.

'આજકાલ અર્બન નકસલો ગુજરાતમાં પગપેસારો કરવાની કોશિશ કરી રહ્યા છે'
ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ત્યારથી આતંકવાદ, નકસલવાદ ઝીરો ટોલરન્સની નીતિ પર અમે કામ કરી રહ્યા છે.તમે યાદ રાખજો આ લોકો મોકાની તલાશમાં છે. અવસર જો મળી ગયો તો મેદાનમાં ઉતર્યા નથી. ગુજરાતમાં જે પ્રગતિ થઈ છે તેના મૂળમાં શાંતિ છે તેને ડહોળી દે એવા તત્વોને હવે માથું ઉચકવા નથી દેવાનું. એના માટે એક મજબૂત સરકારની જરુર છે.

આતંકવાદને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા
કૉંગ્રેસના શાસનમાં અસુરક્ષા, અશાંતિ, આતંકવાદ, વોટબેંકની રાજનીતિ, વ્હાલા દવલાની રાજનીતિ અને અશાંતિ ફેલાવનારા તત્વો માટે કૉંગ્રેસના મો પર તાળા લાગી જતા હતા. એના કારણે ધીમે ધીમે આખા દેશમાં બરબાદી આવી. રોજ બોમ્બ બ્લાસ્ટની ખબરો આવતી હતી અસુરક્ષાનું વાતાવરણ હતું. વોટબેંકની રાજનીતિ માટે કૉંગ્રેસ સેનાના હાથ બાંધી રાખે,સેનાને કામ કરવામાં અગવડ કરે.આતંકવાદ સામે લડવું હોય તો આંખમાં આંખ નાખી સીધો જવાબ આપવો પડે.

'2001ની તબાહી પછી લોકો કહેતા કચ્છ બેઠું નહીં થાય'
વડાપ્રધાને 'મુંજા કચ્છી ભા ભેંણો કિ આઇ યો' કચ્છીમાં બોલીને ભાષણની શરૂઆત કરી હતી. બાદમાં જણાવ્યું હતું કે, આ કચ્છની ધરતી કૌશલ્યની ધરતી છે, ઇચ્છાની ધરતી છે. હું દિલ્હીમાં હોઉ તો પણ મારો અવાજ તો કચ્છ પહોંચે જ છે. 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો અને તબાહી મચી ત્યારે લોકો કહેતા કચ્છ બેઠું નહીં થાય, કચ્છ બેઠું પણ થયું અને આખા ભારતમાં તેજ ગતિથી દોડી રહ્યું છે. આઝાદીના 75 વર્ષ આપણે ઉજવ્યા, 100 વર્ષ થશે ત્યારે 25 વર્ષનો અમૃતકાળ ઉજવીશું, 100 વર્ષે અમૃતકાળમાં ભારત વિકસીત થાય એ માટે આપણે કામ કરવાનું છે. જેને વહેમ હોય તે કચ્છની વિકાસ યાત્રા જોઇ લે, અમે વિકસીત ભારત બનાવીને રહીશું. આ ચૂંટણીમાં આપણે 5 વર્ષનો નહીં 25 વર્ષનો નિર્ણય કરવાનો છે.

'કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન'
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કચ્છએ 2022માં નિર્ણય કર્યો હતો કે મોદી સાથે ચાલવું છે અને મોદીએ કચ્છ સાથે ચાલવાનો નિર્ણય કર્યો હતો. પહેલાં કચ્છમાં જ્યારે આવું ત્યારે 50 લોકો મળ્યા હોય એમાં 49 લોકો નર્મદાની વાત કરતા, હવે કચ્છના છેવાડાના ગામડાના પાણીમાં પહોંચ્યું છે, આ મોદી જ કરી શકે. કચ્છ મારૂ પાણીદાર બન્યું છે, ત્યારે કોંગ્રેસને ઝીણવક પૂર્વક જોવાની જરૂર છે. કોંગ્રેસ એટલે કોણ? કોંગ્રેસ એટલે કચ્છની દુશ્મન, કચ્છમાં પાણી ન પહોંચે એના માટે જે ષડયંત્ર કરતું હતું, કોંગ્રેસની એની જોડે ભાઇબંધી હતી. હું મુખ્યમંત્રી બન્યો અને મે સોગંધ લીધા કે પાણી તો આપવું જ અને આપ્યું પણ ખરા..વાતોના વડા કરવાવાળા અમે લોકો નથી, અમે કચ્છના રોટલા ખાધા છે. કચ્છમાં જવાર, બાજરી જેવા અનાજ પાકતા આપણે નક્કી કર્યું અને બાગાયતી ખેતી ચાલું કરી, પોષણ માટે જાડુ અનાજ કામમાં આવે તે માટે આપણે 2023માં મિલેટીયન વર્ષ મનાવશુ, જાડુ અનાજ એટલે જવાર, બાજરી જેવા અનાજ.. મિલેટીયન વર્ષથી આખી દુનિયામાં ગુજરાત અને કચ્છ દેખાશે. અહીં બન્નીની ભેસની પણ દુનિયામાં ચર્ચા થઇ રહી છે.

'ભૂકંપ પછી મે મારૂ સંપૂર્ણ ધ્યાન કચ્છ તરફ આપ્યું'
કચ્છના પશુપાલકોને હવે પાણી મળ્યું તો 100-100 કિ.મી દોડવું નથી પડતું, પી.એમ કિશાન યોજનાથી ખેડૂતોને લાભ મળ્યો અને પશુપાલન વ્યવ્યસાયને પ્રોત્સાહન મળ્યું. જેમ માણસોના આધારકાર્ડ છે એમ પશુઓનો ઓળખ આપવાનું વિચારી રહ્યા છે. આ સાથે આપડી બહેનોનું જીવન આશાન થાય તે માટે પણ કામ કરવું છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાથી ઘર મળ્યા અને ઘર એટલે કોંગ્રેસના જમાનાના નહીં, આધુનિક ઘર મળ્યા અને મારી માતાઓ માલિક બની. જેટલા 70 વર્ષમાં દેશમાં જેટલા ઘર નથી બન્યા એટલા અમે 27 વર્ષમાં ગુજરાતમાં બનાવ્યા છે. ભૂકંપ પછી મે મારૂ સંપૂર્ણ ધ્યાન કચ્છ તરફ આપ્યું અને વધુમાં વધુ મકાન કચ્છમાં બનાવ્યા. માતાઓના નામે ઘર આપ્યા તો કોરોના સમયે એમના આશીવાર્દથી આપણે લડી શક્યા. કોઇએ કલ્પના કરી હતી કે કચ્છમાં આટલુ પર્યટન વિકસે. આખુ રાજસ્થાન જોવા જેટલા દિવસો જોઇએ એટલાથી વધુ દિવસો કચ્છ જોતા થાય એટલા પર્યટન સ્થળો વિકસાવ્યા છે. શું નથી કચ્છમાં? આખી દુનિયા કચ્છ જોવા આવે છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા..

'કોંગ્રેસીયાઓને કચ્છ બોજ લાગતું હતું'
મનોરંજનના સાધનો વિકસાવ્યા, નવા રોડ બનાવ્યા અને એ પણ મોટા જ બનાવ્યા, જ્યારે હું કચ્છમાં મોટા રોડ બનાવતો હતો ત્યારે કોંગ્રેસીયા મારી મજાક ઉડાવતા મને કહેતા આટલા મોટા રોડ કચ્છને શું કરવા છે, મે કહ્યું આ રસ્તાઓથી જ આખી દુનિયા કચ્છ જોવા આવશે. પ્રવાસી આવે એટલે આવક વધે જ, આજે ખાલી રણોત્સવ જોવા જ પાંચ લાખ લોકો આવે છે. જે ભૂકંપે કચ્છને હલાવી નાખ્યું, એજ કચ્છ અત્યારે અડિખમ ઊભું છે. હું કહું છુ કચ્છ છેલ્લું ગામ નથી પહેલું ગામ છે. જેમ અહીં ધોરડો છે તેમ ચીનની સીમા પર વાણા ગામ છે, મે ત્યાં પણ કહ્યું છે કે, આપણે વાયબ્રન્ટ વિલેજ બનાવવું છે. આ બધુ પહેલાં પણ હજું પણ કોંગ્રેસીયાઓને કંઇ વિકાસ જ નહોતો કરવો. કોંગ્રેસીયાઓને કચ્છ બોજ લાગતું હતું, મને કચ્છમાં તાકાત દેખાઇ, જે નામને કોંગ્રેસીયાઓએ દબાવી દીધુ હતું એ શ્યાનજી કૃષ્ણ વર્માની વાત ઘર ઘર સુધી પહોંચાડી. કોઇએ કલ્પના પણ નહોતી કરી કે કચ્છનો આટલો વિકાસ થશે.

મુન્દ્રા કાર્ગો હેન્ડલીંગમાં નંબર વન પર પહોંચ્યું
કચ્છના કેટલાક વિસ્તારનો એટલો ભાવ છે જેટલો મુંબઇનો પણ નથી, કંડલામાં 25 વર્ષ પહેલાં 7 કરોડનું એક્સપોર્ટ થતું હતું, આજે 9 હજાર કરોડનું એક્સપોર્ટ થાય છે, હવે તમને મોદી ગમે જ ને, બધાને વિકાસ જોઇએ છે. મૃન્દ્રા કાર્ગો હેન્લિંગમાં નંબર વન પર પહોંચ્યું છે, જે કચ્છની રોનક વધારે છે. કચ્છ માછીમારો માટે પણ વિકસ્યું છે. જે કચ્છુનું રણ મુશીબત લાગતું હતું તે ગુજરાતનું તોરણ બન્યું છે. જે ગ્રીન હાઇડ્રોજનનું અભિયાન મે ઉપાડ્યું છે, જેનાથી ગાડીઓ ચાલશે, વીજળી ઉત્પન્ન થશે એ કચ્છમાં બનવાનું છે. આ કારણોથી કચ્છમાં નોકરી માટે વિદેશીઓ પણ આવવા લાગશે. વિકાસમાં કચ્છ આગળ વધી ગયું છે, હવે પાછળ વળીને જોવા જેવું નથી. આ ચૂંટણી હું નહીં તમે લડો છો, મને ખબર છે કચ્છમાં કમળ ખીલવાડવાનું તમે નક્કી જ કરી લીધું છે, તમારે વધુમાં વધુ મતદાન કરાવીને બધા રેકોર્ડ તોડવાના છે.

ભાવનગરના મહારાજાએ દેશની એકતા માટે રાજપાટ આપી દીધા
પાલીતાણામાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, આજે પાલિતાણાએ રંગ રાખ્યો લાગે છે. આજે હું સુરતથી આવી રહ્યો છું, ગઇકાલે સાંજે સુરતમાં મારી સભા હતી, નક્કી થયા પ્રમાણે એરપોર્ટથી મારે સભામાં જવાનું હતું. જેથી આખું સુરત રોડ પર ઊતરી આવ્યું હતું, નક્કી કર્યા વગર રોડ શો કર્યો. આપણું ગુજરાત વિકસિત બને, નવી ઊંચાઈઓને પાર કરે એની ચૂંટણી છે. હું જ્યા જાઉં ત્યાં એક જ અવાજ, એક જ મંત્ર ફીર એકબાર... લોકોના મનમાં વારંવાર ભાજપ સરકાર લાવવાનું મન એટલે થાય છે કે વડીલોને ખબર છે પહેલાં દેશને કેવી રીતે વેરવિખેર કરી દીધો હતો. સરદાર વલ્લભભાઇ પટેલે દેશને એક કરવાનું બીડું ઉઠાવ્યું, રાજા-મહારાજાઓએ સ્પોર્ટ કર્યો. સૌથી પહેલાં ભાવનગરના મહારાજાએ દેશનો વિચાર કર્યો અને દેશની એકતા માટે રાજપાટ સમર્પિત કરી દીધું. રાષ્ટ્ર માટે આવડા મોટા ત્યાગની ભાવનગરે શરૂઆત કરી, આ ગોહિલવાડની ધરતીને સલામ કરૂ છું. આપણે સરદાર પટેલનું સ્ટેચ્યૂ બનાવ્યું, જેમ દેશની એકતામાં સરદાર પટેલનું યોગદાન હતું, તેમ રાજવી પરિવારોનું પણ યોગદાન હતું, જેથી જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યૂ છે ત્યાં જ રાજવી પરિવારનું મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે.

એકતાનું પરિણામ સારું જ હોય
વડાપ્રધાને વધુમાં કહ્યું કે, કોંગ્રેસની સરકારમાં ગુજરાત અસુરક્ષિત હતું. પહેલાં ગુજરાતમાં આંતરે દિવસે બોમ્બધડાકા થતા, છેલ્લાં 20 વર્ષથી આ દુકાનો બંધ થઇ ગઈ. ભાજપની સરકારમાં ગુજરાત સુરક્ષિત થયું, વિકાસ થયો અને વેપાર વધ્યો. ગુજરાતમાં ગામડા અને શહેરમાં એકતાનું વાતાવરણ ભાજપની સરકારમાં થયું છે. આ કારણે જ કોંગ્રેસની વિદાય ગુજરાતમાંથી થઈ ગઇ છે. જોં કોગ્રેસને ગુજરાતનો હિસ્સો બનવું હશે તો જાતિવાદ છોડવો પડશે, રંગ બદલવાનું છોડવું પડશે. એકતાનું પરિણામ સારું હોય, ખાલી તમે નર્મદાનું પાણી, સૌની યોજના જેવી તમામ યોજના લઈ લો, આ આપણી એકતાથી થયું છે. જેણે 40-40 વર્ષ સુધી ગુજરાતને તરસ્યું રાખ્યું તેના ખભે હાથ મૂકીને એક ભાઈ પદ માટે પદયાત્રા કરે છે, પરંતુ તેમને ક્યાં ખબર છે કે, ગુજરાતમાં તો એક લાખ વણઝારો વાવ ખોદે તોપણ તરસ છીપી જાય. જેની જોડે ફોટો પણ ન પડાવાય તેના જોડે યાત્રા કરવી એને ગુજરાત ક્યારેય નહીં સ્વીકારે.

510 કરોડ રૂપિયા પી.એમ. કિશાન યોજનાથી મળ્યા
પી.એમ મોદીએ કહ્યું કે, ગુજરાતમાં 13 લાખથી વધુ ખેડૂતો ટપક સિંચાઈથી ખેતી કરીને પાણી બચાવે છે .ખેડૂતોને વીજળી જોઈએ પણ બિલ મોંઘું પડે છે. જેથી હવે આપણે ખેતરે ખેતરે સોલર પ્લાન્ટનું આયોજન કરી રહ્યા છીએ. દેશમાં 85 ટકા ખેડૂતો નાના છે, પણ તોય તેમને અનેક યોજનાનો લાભ મળે છે. મોદી તમારા વચ્ચે મોટો થયો એને નાના ખેડૂતની ચિંતા થઈ તો પીએમ કિશાન યોજના લઈ આવ્યો. ભાવનગરમાં અઢી લાખ ખેડૂતોનાં ખિસ્સાંમાં 510 કરોડ રૂપિયા પીએમ કિશાન યોજનાથી મળ્યા છે. ખેડૂતોને ઓછો બોજ આવે એ માટે અમે કામ કર્યું. આપણા દેશને ખાતરની અછત છે, બહારથી લાવવું પડે છે, દુનિયાભરમાં ખાતર મોંઘું થયું છે, પણ અમે સસ્તું આપીએ છીએ. સરકારને ખાતરની થેલી 2000માં પડે છે, અમે ખેડૂતને 270 રૂપિયામાં આપીએ છીએ, યુરિયાની એક થેલીમાં 1600-1700 સરકાર ભરે છે, તમને 200-300માં મળે છે. હવે નેનો યુરિયા લાવ્યા છીએ, યુરિયાની એક થેલી બરાબર નેનો યુરિયાની એક બોટલ કામ કરે છે. અમે ખેડૂતનો ખર્ચો કંઈ રીતે ઘટે એ અંગે સતત વિચારતા હોઈએ છીએ.

દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બને છે
હું મુખ્યમંત્રી બન્યો ત્યારે લોકો મને કહેતા કે નરેન્દ્રભાઇ સાંજે વાળુ કરતી વેળાએ વીજળી મળે એવું કરો. મેં કહ્યું, હું 24 કલાક આપીશ, તો કોંગ્રેસિયા મારી મજાક ઉડાવતા હતા કે આ કોઈ દિવસ સરપંચ પણ નથી થયો અને સીએમ થઈ ગયો છે તો કેવા વાયદા આપે છે. આ વાયદાને મે પુરા કર્યા. આપણે જ્યોતિગ્રામ યોજના લાવ્યા અને ગુજરાતને અંધકારમાંથી બહાર લાવ્યા, આ ભાજપથી જ થાય, કોંગ્રેસથી નહીં. રોરો-ફેરીથી ટૂરિઝમને ફાયદો થયો, દેશનો કોઈ જૈન પરિવાર ન હોય, જે પાલિતાણા ન આવ્યો હોય. 2014 પહેલા કોંગ્રેસની સરકાર દિલ્હીમાં હતી ત્યારે 60 ગ્રામપંચાયતમાં ઓપ્ટિકલ ફાઇબર નાખ્યું હતું, અમારી સરકારે 8 વર્ષમાં 3 લાખ ગ્રામપંચાયતમાં ઓપ્ટિકલ ફાઇબર નાખ્યું, ગામડે ગામડે વિકાસ થયો. ગુજરાતના હજારો યુવાનોને રોજગાર મળે છે, સૌરાષ્ટ્ર ઉદ્યોગોથી ધમધમી રહ્યું છે. ગુજરાતના લોકોને હિજરત કરીને બહાર જવું પડતું હતું, આજે આખો દેશ અહીં કમાવવા આવે છે. દુનિયાનું પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગરમાં બનવા જઈ રહ્યું છે, જેથી હજારો યુવાનોને રોજગારી મળશે. આવતાં 25 વર્ષમાં ગુજરાતને દુનિયાનું સૌથી શ્રેષ્ઠ રાજ્ય બનાવવું છે, તમારે સાથ આપવાનો છે, તમારે અહીં કમળ ખીલતું રાખવાનું છે, તમારે તમામ બેઠકમાં ધ્યાન આપવું પડશે. તમારે દરેક પોલિંગ બૂથ પર વધુમાં વધુ મતદાન કરાવવાનું છે. તમારે મારું અંગત કામ કરવાનું છે, ઘરે ઘરે જઈને વડીલોને પ્રણામ કરીને કહેવાનું છે કે આપણા નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને નમસ્કાર કર્યા છે

અન્ય સમાચારો પણ છે...