શિક્ષકોમાં રોષની લાગણી:અડધો એપ્રિલ માસ વિત્યો છતાં પ્રાથમિક શિક્ષકો પગારથી વંચિત

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક માત્ર તળાજા તાલુકામાં શિક્ષકોને પગાર મળી ગયો
  • શહેરના 700થી વધુ અને જિલ્લામાં 8000થી વધુ શિક્ષકોને પગારની છેલ્લા 2 માસથી અનિયમિતતા

ગત માર્ચ માસની જેમ આ એપ્રિલ માસમાં પણ ભાવનગર શહેર અને જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકોને. પગાર ન થતા શિક્ષક આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં એક માત્ર તળાજાના પ્રાથમિક શિક્ષકોને પગાર થઇ ગયાનું જાણવા મળ્યું છે જ્યારે અન્ય 9 તાલુકાના 8000થી વધુ તેમજ ભાવનગર શહેરમાં મ્યુ. કોર્પો. સંચાલિત પ્રાથમિક શાળાના 700થી વધુ શિક્ષકો અડધો એપ્રિલ માસ વિતી ગયો છતાં પગાર વિહોણા છે. ગત માર્ચ માસમાં પગાર ખુબ મોડો થયો હતો. એક તરફ કારમી મોંઘવારી અને બીજી બાજુ ઘઉં, મરચા અને અન્ય મસાલા ભરવાની સિઝનમાં જ મોડા પગારથી શિક્ષકોમાં રોષની લાગણી જોવા મળે છે.

હમણાં-હમણાં પ્રાથમિક શિક્ષકોના પગાર મોડા થતાં હોવાની વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે. એપ્રિલ માસ અડધો વીતી ગયા છતાં હજી પ્રાથમિક શિક્ષકોના પગારના કોઇ ઠેકાણા નથી. અન્ય કેડરના કર્મચારીઓને પગાર ચુકવાઇ ગયા છે. જયારે પ્રાથમિકને પગાર બાબતે અન્યાય કરવામાં આવી રહ્યો છે.અને ગાંધીનગરથી ગ્રાંટ ફાળવાયા બાદ જિલ્લામાં ગ્રાંટ આવે. ત્યાંથી તાલુકાવાઇઝ ગ્રાંટ ફાળવવામાં આવે. અને ત્યાંથી તાલુકામાં ગ્રાંટ જાય, તાલુકાવાળા હિસાબ કરે અને પછી પગારના ચેક આપે. આ પ્રક્રિયામાં આઠ-દસ દિવસ નીકળી જાય. આથી પ્રાથમિક શિક્ષકોને આ મહિનાના છેલ્લા અઠવાડિયામાં પગાર મળે તેવી શકયતા છે.

કારમી મોંઘવારીમાં વિદ્યા સહાયકો માટે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું કપરું બની ગયું છે. સરકાર શિક્ષકો પાસે શિક્ષણ સિવાયની કેટલીય કામગીરીઓ કરાવે છે. પણ પગારની બાબતમાં શિક્ષકોને હળાહળ અન્યાય થઇ રહ્યો છે. પ્રાથમિક શિક્ષકોને થઇ રહેલા અન્યાયની બાબતને ગંભીર ગણી પ્રાથમિક શિક્ષકોને દર મહિને વહેલી તકે પગાર મળે તેવી વ્યવસ્થા કરવા શિક્ષક આલમમાં માંગ ઊઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...