તળાજાના સરતાનપર ગામની સગર્ભા મહિલા અને નવજાત શીશુનું ડિલિવરી બાદ મોત થયું છે. આ બનાવ બાદ મહિલાના પરિવારજનોએ તળાજાની હોસ્પિટલ તેમજ ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું હોવોનો સનસનીખેજ આરોપ કરી પોલીસને કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી. સરતાનપર ગામે રહેતા અને માછીમારીનું કામ કરતા વિષ્ણુભાઈ રૂખડભાઈ ચુડાસમાની પત્નિ વર્ષાબેન વિષ્ણુંભાઈ ચુડાસમા (ઉ.વ.29) સગર્ભા હતા અને ગઈ કાલે સવારે તેમને તળાજાની સદવિચાર હોસ્પિટલમાં ડિલિવરી માટે એડમિટ કરાયા હતા.
હોસ્પિટલ દ્વારા તેમની સિઝેરિયન ડિલિવરી કરી હતી અને મહિલાએ પુત્રને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ સતત બ્લિડિંગના કારણે મહિલાની સ્થિતિ ગંભીર થતાં મહિલાને ગઈકાલે 2.30 કલાકે ભાવનગર બજરંગદાસ બાપા હોસ્પિટલમાં રિફર કરાયા હતા જ્યાં મહિલાનું ગઈકાલે સાંજે 6.39 કલાકે મોત થયું હતું. જેના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગઈકાલે માતાના મોત બાદ આજે બપોરે 2 વાગ્યા આસપાસ નવજાત શીશુનું પણ મોત થયું હતું.
આ બનાવ અંગે મૃતક મહિલા અને બાળકના પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટરોની બેદરકારીના લીધે મોત થયું હોવાનો આક્ષેપ સાથે તળાજા પોલીસ પાસે ન્યાયની માંગણી કરવા પહોંચ્યા હતા. જ્યારે આ મામલે તળાજા પોલીસ અકસ્માતે મોત નોંધ્યું હતું અને સમગ્ર મામલે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે તેવું જાણવા મળ્યું હતું.
હોસ્પિટલની બેદરકારીના લીધે મોત થયું
હોસ્પિટલની બેદરકારીના કારણે તેમની પત્નિ અને બાળકનું મોત થયું છે. સતત બ્લિડિગ થતું હતું છતાં બધુ બરોબર છે તેમ જણાવી ખોટો સમય વેડફી અમને અન્યત્ર રિફર કર્યાં નહી અને તેના લીધે મોત થયું.
- રામજીભાઈ, મૃતક મહિલાના ભાઈ
ઓપરેશન રેગ્યુલર પદ્ધતિથી જ થયું છે
ઓપરેશન રેગ્યુલર પદ્ધતિથી જ થયું છે. ડોક્ટરો દ્વારા જરૂરી બધી જ દવાઓ અને ઈન્જેક્શનો અપાયા છે. બ્લિડિંગ ડિલિવરી બાદની કુદરતી પ્રક્રિયા છે. બેદરકારી જેવું કંઈ નથી. હાલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ વુધ કહી શકાય. - ડૉ.ઘનશ્યામ છોટાળા, સંચાલક, સદવિચાર હોસ્પિટલ-તળાજા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.