ઘટનાનું પુનરાવર્તન:ભાવનગરમાં રૂવાપરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, પૂજા વિધિ દરમિયાન યુવરાજના માથે પર ચકલી આવીને બેસતા ઈતિહાસનું પુનરાવર્તન

ભાવનગર6 દિવસ પહેલા
  • મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે કોઈ શુભ કાર્ય કરતા તો એક ચકલી ત્યા આવી જતી હતી
  • વર્ષો બાદ યુવરાજના માથા પર પણ ચકલી આવીને બેસી હતી

ભાવનગરમાં વર્ષો બાદ એક એવી ઘટના બની, જે જોઈને લોકોને ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીની યાદ અપાવી હતી. રૂવાપરી માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. જેમાં પૂજન વિધિ સમયે એક ચકલી રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહજીના માથે આવીને બેસી ગઈ હતી. ત્યારે મહારાજા કૃષ્ણકુમારસિંહજી પણ જ્યારે કોઈ શુભ કાર્ય કરતા તો એક ચકલી ત્યા આવી જતી હતી. આ પ્રસંગ નિહાળીને લોકો ભૂતકાળમાં સરી પડ્યા હતા. માતાજીના આશિર્વાદના સંકેત હોવાનું લોકમૂખે ચર્ચાઈ રહ્યુ છે.

ભાવનગર શહેરના રૂવાપરી માતાજી મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. રાજવી પરિવારના યુવરાજ જયવિરરાજસિંહની ઉપસ્થિતિમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયુ હતું, ત્યારે પૂજન વિધિ સમયે એક ચકલી યુવરાજ જયવિરરાજસિંહના મસ્તક પર આવીને બેસી ગઈ હતી. આ એક સામાન્ય વાત લાગે પરંતુ નવાઈની વાત તો એ છે, કે જ્યારે પણ મહારાજા કૃષ્ણકુમારસિંહજી કોઈ શુભ કાર્ય કરે તે પહેલા તેમના ભાલા પર એક ચકલી આવીને બેસી જતી હતી.

કૃષ્ણકુમારસિંહજી માં ખોડિયાર અને માં રૂવાપરીને ખૂબ માનતા હતા. જેથી ચકલી રૂપે માતાજીની પ્રત્યક્ષ હાજરી હોવાની શ્રધ્ધા હતી અને તેથી જ ચકલીના ભાલા પર આગમન પછી જ મહારાજા પોતાના શુભ કાર્યનો આરંભ કરતા હતા. જયવિરરાજસિંહજીનો સિરે ચકલી બેસતા લોકો શ્રધ્ધા સાથે ભાવ વિભોર બન્યા હતા. આમ, ચકલી પણ યુવરાજને આશીર્વાદ આપવા આવી હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...