લઠ્ઠાકાંડ બાદ ભાવનગર શહેર, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં દેશી-વિદેશી દારૂનો કારોબાર બેરોકટોક ચાલી રહયો છે. જે સ્થળેથી આજે પોલીસ દારૂ પકડે છે ત્યાંથી બીજે દિવસે પણ પકડાય છે. રોજીદના લઠ્ઠાકાંડ પછી જે પોલીસ મથકોમાં દેશી દારૂનો 1 કેસ નોંધાતો ત્યાં હવે 3 કેસ નોંધાય છે. ભાવનગર જિલ્લાના કેટલાક એવા વિસ્તારો અને ગામો છે જયાં ચા-પાનની લારીની જેમ દારૂના હાટડા હોય છે ત્યારે જાહેર જનતા અને સામાજિક કાર્યકરો પાસેથી મેળવેલી માહિતીના આધારે કયાં કયાં દારૂનો વેપલો ચાલી રહયો છે તેની વિગતો મેળવી છે. આ રહ્યું લીસ્ટ...
ભાવનગર શહેર : રેગ્યુલર વિશ્વાસુ ગ્રાહકને જ દારૂ વેચવાનો
શહેરમાં દેશી દારૂનું વેચાણ થાય છે પરંતુ માત્ર વિશ્વાસુ અને રેગ્યુલર ગ્રાહકોને જ પોટલી પિરસવામાં આવે છે. શહેરની વાત કરવામાં આવે તો શહેરના કરચલિયાપરાના પુરીના ચોક, હેઠાણ ફળી, ભીમપગા પાસે, મફતનગર મસ્જીદ પાસે, બોરતળાવ મફતનગર ઢોરા પાસે, અધેવાડા ગામ પુલથી આગળ, કુંભારવાડા ખાતરવાડી, માઢીયા રોડ, આડોડિયાવાસ, અકવાડા, અક્ષરપાર્ક રિંગરોડ તથા નાળા પાસે, ભાથીજી ચોક, પ્રેસરોડ, ચિત્રા જીઆઈડીસી પાસે દારૂનું વેચાણ થાય છે. ફરક માત્ર એટલો છે નજીકના અને વિશ્વાસું લોકોને જ પોટલી પિરસવાની. એ સિવાય વિદેશી દારૂ પણ મળતો રહે છે. આજે જ ક્રાઈમબ્રાન્ચ દ્વારા કુકાવાવથી સિહોરના નેસડા ગામે લવાઈ રહેલી 190 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો છે.
મહુવા : સાંજ પડે નશાખોરોની લાઇન લાગે
મહુવામાં વાસીતળાવ ગાઘકડા બજારમાં, બસ સ્ટેન્ડ આસપાસ, જનતા પ્લોટ વિસ્તારમાં તેમજ કાંઠાના અનેક ગ્રામ્ય વિસ્તારમાં દેશી બાવળની કાંટ પાછળ દેશી દારૂના અડ્ડા છુપાયેલા હોય છે.
વલભીપુર : સનેશ ,માઢીયામાં મોટુ નેટવર્ક
વલભીપુર શહેરમાં મફત નગર (તળાવની પાળ),બસ સ્ટેન્ડ પાછળનો વિસ્તાર,પાટી વાડા,ખળાવાડનો દેવી પૂજક વાસ, દલીતવાસ થી રાજપરા (ભાલ) જવાના રસ્તે દેશી દારૂનું વેચાણ ધુમ થાય છે. ગ્રામ્યમાં પાણવી, દાત્રેટીયા, કાનપર, પાટણાથી ભાલમાં જતા આંતરીક રસ્તાઓ ઉપર, ચમારડી, મોટીધરાઇ સહિતના મોટાભાગના ગામડાઓમાં પોટલીઓ મળી રહે છે. વલભીપુર જયુડીશ્ય હકુમત હેઠળ આવતા ભાવનગર તાલુકાનાં ગામડાઓમાં જેમાં સનેશ, માઢીયા, ગણેશગઢ, વેળાવદર, સહિતના ગામડાઓમાં ધુમ દેશી દારૂનો ધંધો ચાલી રહ્યો છે. જેમાં સૌથી વધુ સનેશ અને માઢીયા ગામો ખાતે મોટુ નેટ વર્ક ચાલી રહ્યું છે. જેનો બોલતો પુરાવો વલભીપુર જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ ખાતે ગત માસમાં કુલ-120 કેસો પ્રોહીબીશનને લગતા કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ તો માત્ર એક માસનો આંકડો છે.
પાલિતાણા પંથકમાં દારૂ પકડાય, વેચવાવાળા નહીં
પાલીતાણા શહેર અને તાલુકામાં દર મહિને દેશી દારૂના 100 જેટલા કેસ થાય છે. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂની બદી ખૂબ ફૂલી ફાલી છે, પાલીતાણાના વડિયા રોડ, આદપુર રોડ, તળેટીના જબુંદ્વિપ પાછળનો વિસ્તાર, હાથીયાધાર, તળાજા રોડ, નોંધણવદર, તેમજ સામા કાંઠાના ઘણા ગામોમાં દેશી દારૂ છુટથી મળે છે. આ વિસ્તારોમાં પોલીસ લગભગ એકાંતરે બે ત્રણ , બે ત્રણ કેસ કરે છે અને 20 થી લઈ 100 રૂપિયાનો દારૂ , આથો , આવું બધું પકડી આવે છે મોટા ભાગે તો દારૂ જ પકડાય , દારૂવાળા નહીં.
ગારીયાધારના ગામડાઓમાં દેશી દારૂના હાટડા
ગારીયાધાર શહેરમાં મફતપરા વિસ્તારમાં દેશી દારૂ મળે છે તેમજ નવાગામ, સમઢીયાળા પરવડી ગામમાં પણ દારૂ વેચાતો હોવાનુ જાણવા મળી રહ્યું છે.અગાઉ પરવડી ગામમાં સરપંચ દ્ધારા ગામમાં દારૂબંધ કરાવવા અરજી પણ પોલીસ મથકે આપેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.