વિધાનસભાની ચૂંટણી આડે ગણતરીના દિવસો જ બાકી છે તેમ છતાં ભાવનગરમાં ચૂંટણીનો માહોલ જામતો નથી. માત્ર રાજકીય પક્ષોને જ ચૂંટણીમાં રસ છે પરંતુ પ્રજાજનોને ચૂંટણી માટે કઈ લાગતું વળગતું જ ન હોય તેવું વાતાવરણ ઊભું થયું છે.
વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ અને રાજકીય પક્ષોના ઉમેદવારો જાહેર કરવાના હતા ત્યારે ખરેખર ચૂંટણીનો માહોલ ગરમાયો હતો. પરંતુ ઉમેદવારો જાહેર થતાં જ પ્રજાજનો પણ નીરસ થઈ ગયા છે. ચૂંટણી આડે હવે ઓછા દિવસો બાકી છે.
ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર માટે દોડધામ કરવામાં આવી રહી છે. પરંતુ તેમાં સામાન્ય પ્રજાજનો નહીવત હોય છે. ઉમેદવારો દ્વારા વોર્ડ વાઇઝ બેઠકો શરૂ કરવામાં આવી છે. સ્થળની ઉપલબ્ધિ પ્રમાણે કાર્યાલયો પણ ખુલી રહ્યા છે. પરંતુ તે કાર્યાલયોના ઉદ્ઘાટનોમાં પણ માત્ર રાજકીય પક્ષોના કાર્યકરો જ ઉમટે છે.
સામાન્ય પ્રજાજનો તો આવા રાજકીય કાર્યક્રમમાં ડોકાતા પણ નથી. રાજકીય પક્ષો દ્વારા કાર્યાલયો પર કાર્યકરો અને પ્રજાજનોને રીઝવવા માટે ખાણીપીણી અને ભોજન સમારંભો યોજી રહ્યા છે. કાર્યાલયો ના ઉદ્ઘાટનો તેમજ સભામાં મોટાભાગે એકના એક કાર્યકરોના ચહેરા દેખાતા હોય છે. સંખ્યા ભેગી કરવા માટે પણ નિયત કાર્યકરો જ ભૂમિકા ભજવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.