ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફે ગત રાત્રીના રોજ પેટ્રોલીંગ દરમિયાન નારી ચોકડી પાસેથી રાજસ્થાનથી ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં લઈ જવાતો પરપ્રાંતિય ઈંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે આ દારૂની ખેપ લઈને આવી રહેલા ખેપીયાને તથા ડિલિવરી લેવા આવેલા બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા અને સાત બુટલેગરો વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસને ચોક્કસ બાતમી મળી હતી
વરતેજ પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ નારી ચોકડી પાસે પેટ્રોલીંગમા હોય એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ધોલેરા તરફથી આવી રહેલા એક ટ્રકમાં પરપ્રાંતિય દારૂનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે જે હકીકત આધારે ટીમ વોચમા હતી. ત્યારે બાતમીદારોએ કહેલ તે ટ્રક પસાર થતાં તેને અટકાવતા ડ્રાઈવર સીટની બાજુમાં બેસેલ શખ્સ નીચે ઉતરી ફરાર થઈ ગયો હતો. જોકે, ડ્રાઈવર સહિત બે શખ્સો કેબીનમાંથી મળી આવ્યાં હતા. ચાલક તથા અન્ય શખ્સની પ્રાથમિક પુછપરછ સાથે ટ્રકની તલાશી લેતાં ટ્રકમાં ચોખાની બોરીઓની આડમાં પરપ્રાંતિય દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
દારૂનો જથ્થો રાજેસ્થાનથી મંગાવ્યો હતો
આ દારૂના જથ્થા અંગે ડ્રાઈવર તથા સાથે રહેલ શખ્સ પાસે દસ્તાવેજ-પરમિટ માંગતા બંને શખ્સો યોગ્ય ખુલાસો ન કરી શકતા બંને શખ્સોને ટ્રક, ચોખા દારૂ સહિતના મુદ્દામાલ સાથે પોલીસ મથકે લાવી પુછતાછ હાથ ધરતા ઝડપાયેલ શખ્સોએ પોતાના નામ-સરનામાં સાથે આ શરાબનો જથ્થો મંગાવનાર બુટલેગરો સહિતની કબૂલાત આપી હતી. જેમાં અટક કરાયેલા શખ્સોમા ટ્રક ડ્રાઈવર અજીત અમરત ભાંડ ઉ.વ.54 રે.પાટના કુવા ગામ મોરારજીનગર દહેગામ જી.ગાંધીનગર તથા આ જથ્થાની ડિલિવરી લેવા આવેલા દિપક માધા બારૈયા ઉ.વ.36 રે.નવા રતનપરગામ તા.ઘોઘા જિ.ભાવનગર વાળાએ જણાવ્યું હતું કે, આ દારૂ રાજસ્થાનમાં રહેતા સુખાજી ઉર્ફે સુખલાલ રૂપલાલ ડાંગીએ લોડ કરી આપ્યો હતો અને સિહોરમાં રહેતા વિરેન્દ્ર ઉર્ફે પીન્ટુ કુકડ નિર્મળસિંહ ગોહિલ, ભાવેશ ઉર્ફે બાવલો જેઠાલાલ ચાવડા, ઘનશ્યામ ઉર્ફે જીડી દેહુર બુધેલીયા અને દિપક માધા બારૈયાએ મંગાવ્યો હતો જયારે ટ્રક કલીનર ભીખુ અભેસંગ ઠાકોર રે.રખીયાલ -ગાંધીનગર વાળો ફરાર થઈ ગયો હતો. આથી વરતેજ પોલીસે તમામ શખ્સો તથા રાજસ્થાનના ઠેકેદાર સહિતનાઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પરપ્રાંતિય દારૂ, ચોખા, ટ્રક, મોબાઈલ તથા રોકડ સહિત કુલ રૂ.18,69,892નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.