મહુવા નજીક તાવેડાના પાટિયા પાસે બનેલા ચકચારી લૂંટના બનાવના પ્રકરણ સૌરાષ્ટ્રના કાશ્મીર ગણાતા મહુવા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગઈ કાલે બનેલા લૂંટના બનાવ બાદ સફાળી જાગેલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતા લૂંટારૂનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કરતા શંકાસ્પલ 6 લોકોની અટકાયત કરી પોલીસે પુછપરછ શરૂ કરી છે. મહુવાના કિઝ ફુડ્ઝના કર્મચારી પ્રિતેશ મોઠીયા ગઈ કાલે બેંક અને આંગડિયા પેઢીમાંથી રૂ. 10,50,000 લઈ કારખાને પરત જઈ રહ્યો હતો.
ત્યારે તવેડાના પાટિયા પાસે શંકાસ્પદ બાઈક સવાર પીછો કરતા હોવાનો ખ્યાલ આવતા પ્રિતેશે માર્ગ બદલી તાવેડા ગામ તરફ વળી થોડીવાર પછી મેઈન રોડ પર પરત આવતા આ લોકોએ તેને અટકાવી ઝપાઝપી કરી હતી અને તેના હાથમાંથી રૂપિયા ભરેલો થેલો લઈ નાસી છુટ્યા હતા. બનાવ સંદર્ભે મહુવા પોલીસમાં ગત મોડી રાત્રીના ત્રણ અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
જ્યારે લૂંટની ઘટના બાદ પોલીસે ઘટના સ્થળથી મહુવા શહેરમાં પ્રવેશતા તમામ માર્ગો પરની દુકાનોના તેમજ ભાદ્રોડના ઝાંપા વિસ્તારોમાં આવેલી દુકાનોના સીસીટીવી તપાસ્યા હતા જે બાદ આજે મહુવા પોલીસે વડોદરા, સાવરકુંડલા અને શિહોરના શકમંદો મળી કુલ 6 ઈસમોની અટકાયત કરી પુછપરછ શરૂ કરી હતી. જ્યારે આ લુંટનો બનાવ મહુવા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તેમજ ચોરીના વધી રહેલા બનાવોના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મહુવા પંથકમાં વધી રહેલા ચોરીના બનાવો
ગત દિવસોમાં મહુવા શહેરમાં ચોરીના બનાવો વધી રહ્યાં હોવાનું જણાઈ રહ્યું છે. ગત દિવસોમાં મહુવા શહેરમાંથી બે કે ત્રણ મોટરસાઈકલ ચોરી થયા હોવાના બનાવો સામે આવ્યા છે. એ સિવાય ગત જુલાઈ મહિનાના અંતમાં મહુવાના બાયપાસ રોડ પર રેલ્વે ફાટક થી હનુમંત હોસ્પિટલ સુધીમાં પાંચ સ્થળે તસ્કરો ત્રાટકયા હોવાનુ આ વિસ્તારના લોકો દ્વારા જાણવા મળ્યું હતું અને ત્યારે આ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકોના માંગને હજુ 15 દિવસ નથી વિત્યા ત્યાં આ વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.