તાલીમ:ભાવનગર શહેરની 316 આંગણવાડી માટે બાલવંદના તાલીમ કાર્યક્રમનું આયોજન

ભાવનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળગીત, પ્રાર્થના, રમત, જીવન શિક્ષણ, અભિનય ગીત તથા ક્રાફટ પ્રકારે છ પ્રકારની તાલીમ અપાઈ
  • આંગણવાડીની તાલીમાર્થી બહેનોને બાળસાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું

ભાવનગર શહેરની 316 આંગણવાડી માટે બાલવંદના તાલીમ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે. પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ સુદઢ બનાવવાં માટે ભાવનગર શહેરની 316 આંગણવાડી સાથે વર્ષ 2012 થી પ્રત્યક્ષ તાલીમ માટે સીધી રીતે સંકળાયેલા શિશુવિહાર સંસ્થાના ઉપક્રમે તા.2 માર્ચથી બાલવંદના તાલીમ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

નવી શિક્ષણ નીતિમાં પૂર્વ પ્રાથમિકમાં ત્રણ વર્ષની તાલીમને અનિવાર્ય કરવામાં આવી છે. તેનાં ઉપલક્ષ્યમાં શિશુવિહાર દ્વારા આપવામાં આવેલા બાળ વિકાસ માટેની પૂર્વ પ્રાથમિક તાલીમ અસરકારક બની રહેશે. આ તાલીમ કાર્યક્રમના શુભારંભે ભાવનગરનાં મેયર કીર્તિબેન દાણીધારીયાનાં વરદ હસ્તે તાલીમનાં વિઝ્યુઅલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

શિશુવિહાર સંસ્થાના બાલમંદિરનાં શિક્ષકો દ્વારા 60નાં જૂથમાં બહેનોને બાળગીત, પ્રાર્થના, રમત, જીવન શિક્ષણ, અભિનય ગીત તથા ક્રાફટ પ્રકારે છ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. આ સાથે આંગણવાડીની તાલીમાર્થી બહેનોને બાળસાહિત્યનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના દાતા જાગ્રતભાઈ પ્રેમશંકર ભટ્ટનું અવસરે અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમનું સંકલન હિના ભટ્ટ, અંકિતા ભટ્ટ તથા પ્રીતિ ભટ્ટનાં સંયોજન તળે સાવિત્રી નાથજીએ રાજ્ય સ્તરે કર્યું હતું. શિશુવિહારના ઉપક્રમે સતત 10 માં વર્ષે યોજાઇ રહેલ તાલીમના શુભારંભ પ્રસંગે શહેરના ડેપ્યુટી કમિશનર રાજપૂત તથા સોશ્યલ વેલફેર કમિટીનાં ચેરમેન ઉષાબેન બધેકા ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...