તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાધારણ સભા:અધિકારીઓ અને કર્મચારીઓના સંકલનના અભાવે લોકોના કામ થતા નથી : જિલ્લા પંચાયત પ્રમુખ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સભામાં કોરોનામાં મૃત્યુ આંક,વાવાઝોડામાં સહાય,રોડના કામમાં ગેરરીતી,આરોગ્યના પ્રશ્નો ગુંજયા
  • જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં શાસક-વિપક્ષ એક સંપ થઇ પ્રશ્નો પુછી અધિકારીઓને આડે હાથ લીધા

ભાવનગર જિલ્લા પંચાયતની આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં સાધારણ સભા જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં મળી હતી.આ બેઠકમાં નવ જેટલા એજન્ડા રજુ થયા હતા અને પ્રશ્નોતરીકાળમાં શાસક અને વિપક્ષના સભ્યોએ રીતસરના અધીકારીઓને ભીડવ્યા હતા.એક તબકકે ભારે હોબાળો મચ્યો હતો અને સામસામી આક્ષેપોનો મારો ચાલ્યો હતો.આજની સભામાં કોરોના દરમિયાન મૃત્યુ આંક,વાવાઝોડામાં સહાય,આરોગ્યના પ્રશ્નો ગુંજયા હતા અને અને ભાજપ-કોંગ્રસે અધિકારીઓ પર પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

આજની સભામાં અધિકારીઓ-કર્મચારીઓના સંકલનના અભાવે લોકોના કામ થતા નથી તેવું ખુદ જિલ્લા પંચાયતના પ્રમુખે જ સ્વિકાર્યુ઼ હતું ,ખેતીવાડી અધિકારી ભેદભાવ રાખે છે તેને નોટીસ આપીશું અને રોડના કામમાં ગેરરીતી નહીં ચલાવી લેવાય તેવી સિંહ ગર્જના કરી હતી. આજની સભામાં સતાધારી ભાજપના સભ્યો અને વિપક્ષ કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ એક સંપ કરી જવાબદાર અધિકારીઓને આડે હાથ લીધા હતા.સતાધારી ભાજપના સભ્યો પણ જાણે વિપક્ષની ભૂમિકામાં હોય તેવો માહોલ સર્જાયો હતો.

વિપક્ષના સભ્યોએ પણ અધિકારીઓ પાસે જવાબ માગ્યા હતા અને એક તબકકે અધિકારીઓ પુરતી તૈયારી કરીને ન આવ્યા હોય તેવું જોવા મળ્યું હતુ઼.કોરોના દરમિયાન કુલ કેટલા લોકોના મોત થયા તેના જવાબમાં અધિકારીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં તમામ તાલુકા મળીને કુલ 137 લોકોના મૃત્યુ થયા હોવાનું જણાવતા સભામા દેકારો મચી ગયો હતો અને વિપક્ષે આ સરકારી આંકડા ખોટા હોવાનું અને આ આંકડા કઇ રીતે લેવામાં આવ્યા છે તેનો આરોગ્ય અધીકારી પાસે જવાબ માગ્યો હતો.આ મૃત્યુ આંક મોટો છે અને આંક છુપાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.આ મુદે સભામાં ભારે ધમાલ થઇ હતી.

વાવાઝોડમાં બાગાયતિ જમરૂખના પાકને સહાય ચુકવવા તથા નવા બિલ્ડીંગ બનાવવા જમીન સંપાદન કરવા,ચૂંટાયેલા સભ્યો માટે મોબાઇલ,લેપટોપ ખરીદવા સહિતના નવ એજન્ડાઓ રજુ થયા હતા.જેને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા.

સાધારણ સભામાં સાંભળેલું ,જોયેલુ........
> જિલ્લા પંચાયતની માલિકીની જમીન બિલ્ડીંગ અંગે કારોબારી સમિતિના ચેરમેન પ્રવીણભાઇ વાળાએ પ્રશ્ન પુછતા અધિકારી પાસે પુરતી માહિતી ન હતી.
> જિલ્લા પંચાયતના કોઇપણ સભ્ય ધાર્મિક સ્થળ માટે સ્વભંડોળમાંથી રકમ વાપરી શકશે એવો ઠરાવ કરવા નકિક કરાયું હતું.
> દરેક સીએચસીમાં પોસ્ટમોર્ટમ થાય છે કે કેમ તેવો પ્રશ્ન પુછાતા આરોગ્ય અધિકારી જવાબ દેવામાં અસમર્થન થતા જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલે જિલ્લામાં દરેક સીએચસી અને પીએચસીમાં ગમે ત્યારે અધિકારી હાજર રહે તેવો પરિપત્ર આજે જ કરવામાં આવે તેવો પ્રમુખે આદેશ કર્યો હતો.
> ખેતી પાક અને બાગાયતી પાક માટે જ સહાય ચુકવાય છે જયારે જામફળ માટે સહાય ચુકવાતી નથી બોટાદ જિલ્લામાં તો જામફળ માટે પણ સહાય ચુકવાય છે તો ભાવનગર જિલ્લામાં કેમ નહીં.આ પ્રશ્નમાં ખેતીવાડી અધીકારીની આપખુદશાહી પ્રત્યે સભ્યોએ આક્રોશ વ્યકત કરતા જિલ્લા પંચાયતના પ્રમુખે ખેતીવાડી અધિકારીને નોટીસ આપવા સરકારમાં ઠરાવ કરાશે તેમ જણાવ્યું અને ખેતીવાડી અધીકારીની કામગીરી અને નિતીરીતી પ્રત્યે નારાજગી વ્યકત કરી હતી.
> રોડના કામોમાં થર્ડ પાર્ટી ચેકીંગનો પ્રશ્ન ગુંજયો હતો અને આ મુદ્દે વિપક્ષના નેતા પદુભા ગોહિલે રોડ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોય આક્રોશ વ્યકત કરતા રહયું હતું કે મારા વિસ્તારમાં નાના ખોખરા-મોટા ખોખરાનો રોડનો પ્રશ્ન નહીં ઉકેલાય તો જિલ્લા પંચાયત કચેરી સામે ધરણા પર બેસવાની ચિમકી આપી હતી.આ પ્રશ્નમાં પ્રમુખ ભરતસિંહ ગોહિલે રોડના કામમાં જે કોઇની મિલીભગત હશે કે કયાંય પણ ગેરરિતી થઇ હશે તો કોઇપણને છોડવામાં નહીં આવે અને ચલાવી લેવાશે નહીં એ વાતની ખાત્રી આપી હતી.
> વિપક્ષના નેતા પદુભા ગોહિલે કહયું કે જે તે વિભાગના અધિકારીઓ પાસે તેના વિભાગનું જ્ઞાન જ નથી એટલે ખરેખર તો જે વિષયના નિષ્ણાંત હોય તેને જ તે વિભાગના અધિકારીની નિમણુંક કરવી જોઇએ તેવો મત વ્યકત કર્યો હતો.
> સભાના અંતમાં કોંગ્રેસના એક સભ્યએ રોડનો પ્રશ્ન રજુ કર્યો તો ઉપપ્રમુખે કોંગ્રસમાં સંકલનનો અભાવ છે તેવું કહેતા વાતાવરણ ગરમાયું હતું અને કોંગ્રેસ-ભાજપના સભ્યો સામસામે આવી ગયા હતા અને થોડીવાર માટે ભારે હોબાળો મચ્યો હતો અને માંડ માંડ મામલો થાળે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...