તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીની અછત:રસી માટે લોકોના નીકળી ગયા સીસકારા બે દી’થી વેક્સિનનો દુકાળ, સેન્ટર પર ધક્કા

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રસીકરણ માટે લોક જાગૃતિ નહીં તંત્ર જાગૃતિ જરૂરી
  • કોવિશિલ્ડ અને કોવેક્સિનની જરૂરીયાતના 50% કરતા ઓછો જથ્થો ફાળવાતા લોકોને હાલાકી, સેન્ટર પર લાંબો સમય રાહ જોઈ લોકો વેક્સિન વગર ચાલ્યા ગયા

એક તરફ કોરોના જેવા મહાભયંકર રોગ સામે રક્ષણ મેળવવા સરકાર વધુને વધુ લોકો વેક્સિન લે તે માટે અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોમાં પણ વેક્સિન માટે લોક જુવાળ જાગ્યો છે ત્યારે બીજી તરફ છેલ્લા બે દિવસ થી ભાવનગરમાં વેક્સિનનો જથ્થો જ ખુટી જતા લોકો વેક્સિનેશન સેન્ટર પર ધક્કા ખાઈ રહ્યા છે. આજે સવારથી લોકો વેક્સિન મુકાવવા સેન્ટર પર ગીર્દી થઈ હતી પરંતુ બપોરે જ વેક્સિન માટે સેન્ટરો બંધ થઈ જતા લોકો વેક્સિન મુકાવ્યા વગર જ વિલા મોઢે પરત ફર્યા હતા. શહેરમાં રોજની છ થી સાત હજારની જરૂરીયાત સામે માત્ર અઢી થી ત્રણ હજાર જ વેક્સિન ઉપલબ્ધ થઈ હતી.

કોરોનાની પ્રથમ લહેરમાં લોકોને હાથ પકડી પકડી વેક્સિન લેવરાવવા સેન્ટર પર લઈ જવાતા હતા પરંતુ કોરોનાની બીજી લહેરમાં કોરોનાગ્રસ્ત લોકોના ટપોટપ મોત થતાં અને કોરોનાથી રક્ષણ મેળવવા અન્ય કોઈ ઇલાજ જ નહીં હોવાથી વેક્સિનની લોકોને મહત્વતા સમજાઈ હતી. અને વેક્સિન મુકાવવા લોકોમાં મોટી જાગૃતિ આવી હતી. સાથોસાથ સામાજિક શૈક્ષણિક અને રાજકીય સંસ્થાઓ દ્વારા પણ વેક્સિનેશનના કેમ્પ યોજાતા વેક્સિનને અદ્ભુત સફળતા મળી રહી હતી.

પરંતુ છેલ્લા બે દિવસથી ભાવનગરમાં કોવિશિલ્ડ અને કોવેક્સિનનો જથ્થો જ સેન્ટરો પર ઉપલબ્ધ હતો નહીં. વેક્સિન માટેની સમય મર્યાદાને કારણે લોકોને વેક્સિન મુકાવવા તાલાવેલી જાગી છે. તદુપરાંત ત્રીજી લહેરમાં કોરોના અને અન્ય જાનલેવા રોગથી બચવા વેક્સિનના બન્ને ડોઝ મુકાવાનો આગ્રહ રાખે છે પરંતુ આરોગ્ય વિભાગે તો છેલ્લા બે દિવસથી વેક્સિનની અછત સર્જી છે. જેથી વેક્સિન માટેની લોક જાગૃતિ પર પણ માઠી અસર પડી રહી છે.

આજે પણ અછત યથાવત રહેશે
ભાવનગરમાં રસીકરણ માટે લોક જાગૃતિ સામે તંત્રના સંસાધનો પણ ટુકા પડી રહ્યા છે. છેલ્લા બે દિવસથી વેક્સિનની અછત સર્જાઈ છે. ગઈકાલે 3000 વેક્સિન આવી હતી તે આજે બપોર પહેલા જ પૂર્ણ થઈ ગઈ હતી. જ્યારે આજે રાત્રે 2500 વેક્સિન આવવાની છે. કાલે રવિવારે રજાના દિવસે લોકો રસી માટે વધુ જતા હોય ત્યારે જ વેક્સિન ઓછી મળતા રવિવારે પણ વેક્સિનની અછત યથાવત રહેશે.

સરકારમાંથી જ ઓછો જથ્થો ફાળવાયો
ભાવનગરમાં છેલ્લા થોડા દિવસથી કોવિશિલ્ડ અને કોવેક્સિનની અછત છે. પરંતુ સરકારમાંથી ઓછો જથ્થો ઉપલબ્ધ થતાં લોકોને પુરતા પ્રમાણમાં મળતી નથી. જરૂરીયાત કરતા 50% જેટલો ઓછો જથ્થો પ્રાપ્ત થયો હતો. વધુ જથ્થાની માંગણી શરૂ છે. > ડો.આર.કે.સિન્હા, મુખ્ય આરોગ્ય અધિકારી

અન્ય સમાચારો પણ છે...