EPS 95માં યોજનામાં સમાવિષ્ટ 60 થી 90 વર્ષના પેન્શનરો દ્વારા આજે પેન્શન વધારાની માંગ સાથે વિશાળ રેલી કાઢી ભાવનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને તેમની માંગણી મુજબ રૂ.7,500 પેન્શન કરવા રજુઆત કરી હતી.
વર્ષોથી કરાઈ રહી છે પેન્શન વધારાવની માગ
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના EPS 95 યોજનામાં સમાવિષ્ટ એસ.ટી.નિગમ, ગુજરાત વિદ્યુત બોર્ડ, ડેરી નિગમ, દુધ સંઘ, ખરીદ વેચાણ સંઘ, સહકારી બેંકો, તમામ કંપનીઓ અને ફેકટરીઓ, ખરીદ વેચાણ ભંડાર, મિલો તેમજ બોર્ડ નિગમોના EPS 95માં સમાવિષ્ટ પેન્શનર્સ ભાઈઓ-બહેનોને હાલમાં મળી રહેલા નજીવા પેન્શનમાં વધારો કરવા વર્ષો પૂર્વે માંગણી કરેલ પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવેલ નથી.
એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી
EPS 95માં સમાવિષ્ટ 60થી 90 વર્ષ સુધીના વૃધ્ધ ભાઈઓ-બહેનો દ્વારા આજે પેન્શન વધારાની માંગ સાથે શહેરના જશોનાથ ચોક ખાતેથી એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને 'મોદી સાહેબને વચન દિયા હે....પુરા કરો...પુરા કરો....'ના બેનરો સાથે રેલી કલેક્ટર કચેરી પહોંચી હતી. કલેક્ટર બી.કે.પારેખને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. આ આવેદનપત્રમાં પેન્શનરોના જણાવ્યા મુજબ તેઓને મળી રહેલા 700થી 2500ના પેન્શમાં મહિનાનું દુધ-શાકભાજી પણ આવતું નથી ત્યારે વયોવૃદ્ધ પેન્શનરો શારીરિક, માનસિક અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય પેન્શનમાં તાત્કાલીક વધારો કરવા રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.