ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા રહેણાંક ફાળવ્યા બાદ વર્ષોથી ઘણા લોકોના હપ્તા બાકી છે અને તેના પર મોટી રકમની પેનલ્ટી પણ ચડી ગઈ છે. પરંતુ તેમાં સરકાર દ્વારા બાકી હપ્તાની રકમ હરપાઈ કરવાથી સો ટકા પેનલ્ટી માફીની યોજના શરૂ છે અને તેમાં ભાવનગર, અમરેલી, બોટાદ, સાવરકુંડલા અને વલભીપુરમાંથી આજ સુધીમાં 1207 બાકીદારોએ હપ્તા ભરપાઈ કરતા રૂ.21.94 કરોડ પેનલ્ટી માફ કરાઈ છે.તત્કાલીન સમયે ડિપોઝિટ ભરપાઈ કર્યા બાદ અનેક લોકોના હપ્તા બાકી છે. અને બાકી હપ્તા પર પેનલ્ટી પણ મોટી રકમની ચડત થઈ ગઈ છે. કુલ 2956 લાભાર્થીઓના રૂ.19.29 કરોડના હપ્તા ભરપાઈ કરવાના બાકી હતા.
જેની પર રૂ.57.34 કરોડની પેનલ્ટી પણ ચડત થઈ ગઈ હતી. જેથી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના હેઠળ ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ ક્લિયરન્સ સેલની જૂની વસાહતોમાં બાકી હપ્તાની રકમ પર 100 ટકા પેનલ્ટી માફીની યોજના અમલમાં લાવવામાં આવેલી છે. રાજ્ય સરકારની મંજૂરી અનુસાર આ યોજનાનો લાભ 13મી જુલાઈ 2022 થી આપવામાં આવ્યો હતો.
પેનલ્ટી માફીની આ યોજનામાં આજ સુધી 1207 લાભાર્થીઓએ રૂ.5.44 કરોડની રકમના હપ્તા ભરપાઈ કરી લાભ મેળવ્યો છે. જેમાં રૂ.21.94 કરોડની પેનલ્ટી પણ માફ કરવામાં આવી છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ ક્લિયરન્સ સેલના વસાહતિઓ દ્વારા આ યોજનાને ખૂબ સારો પ્રતિભાવ મળવાથી સરકાર દ્વારા બાકી લાભાર્થીઓને પણ પેનલ્ટી માફીનો લાભ મળે તે હેતુસર યોજનાની મુદ્દત 31મી માર્ચ સુધી લંબાવાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.