રો-રો ફેરીના મુસાફરો રઝળ્યા:ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને થયો કડવો અનુભવ, સાડા પાંચ કલાક શીપમા ગોંધી રખાયા

ભાવનગરએક મહિનો પહેલા
  • સાત વાગ્યે પહોંચી ગયેલું શીપ રાત્રે અગિયાર વાગ્યે પણ અનલોડ ન થતાં મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી
  • અંતે સાડા અગિયાર વાગ્યે શીપ જેટી પર લગાડવાની મંજૂરી આપવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

ઘોઘાથી હજીરા વચ્ચે ત્રણ માસનાં અંતરાલ બાદ રો-પેક્સ ફેરી પુનઃ શરૂ થઈ હતી. જોકે, સેવા શરૂ થયાના બીજા જ દિવસે ચર્ચાના એરણે ચડી છે. આ સેવાએ ગઈકાલે રાત્રે સફર કરતાં પ્રવાસીઓને વરવો અને કડવો અનુભવ કરાવ્યો છે. ઘોઘાથી હજીરા પહોંચેલા પેસેન્જરોને સાડા પાંચ કલાક શીપમાં ગોંધી રખાયા હતા.

ત્રણ માસ બાદ રો-પેક્સ ફેરી સેવા ફરી થઈ છે શરૂ
ભાવનગર જિલ્લાના ઘોઘા દરિયાકાંઠેથી દક્ષિણ ગુજરાતના સુરત સ્થિત હજીરા બંદરને જોડતી અને લોકપ્રિયતાના ચરમ શિખરે પહોંચેલી ઘોઘા-હજીરા રો-પેક્સ ફેરી સેવા ત્રણ માસ બંધ રહ્યા બાદ ગત તારીખ 19 ઓક્ટોબરના રોજ ફરી શરૂ કરવામાં આવી હતી. સેવા શરૂ થયાની બીજી ટ્રીપ એટલે કે બીજા દિવસે નિર્ધારિત સમય મુજબ ઘોઘા થી બપોરે ત્રણ વાગ્યે હજીરા જવા રવાના થઈ હતી અને સાંજે સાત કલાકે હજીરા પહોંચી હતી. જયાં પહોંચ્યા બાદ સમય પસાર થવા છતાં અનલોડ પ્રક્રિયા હાથ ધરવામાં ન આવતાં પેસેન્જરો દ્વારા શિપ પર તૈનાત કર્મચારીઓ ને પુછપરછ શરૂ કરી હતી, પરંતુ કર્મચારીઓએ મુસાફરોને યોગ્ય પ્રત્યુત્તર આપવાનું ટાળ્યું હતું.

મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી
આ બાબતે ખાસ્સો સમય વિતવા છતાં શીપ જેટી પર બીચ થયું ન હતું અને કલાકો બાદ શીપ પર ફરજરત કર્મચારીઓ કેબીનમાં જતાં રહ્યાં હતાં. સાત વાગ્યે પહોંચી ગયેલું શીપ રાત્રે અગિયાર વાગ્યે પણ અનલોડ ન થતાં પ્રવાસીઓને મન ઉચ્ચાટ વધ્યો હતો. પરંતુ પ્રવાસીઓની દરકાર લેવા કોઈ જ વ્યક્તિ હાજર ન હતાં. આ શિપમા મોટી સંખ્યામાં બાળકો મહિલાઓ પણ હોય આ લોકો ભુખ્યા-તરસ્યાં રાતના સાડા અગિયાર વાગે એટલે કે હજીરા પહોંચી ગયાના સાડા પાંચ કલાકના અંતે પણ અનલોડ થયું ન હતું. જેથી મુસાફરોને ભારે તકલીફો વેઠવી પડી હતી. અંતે સાડા અગિયાર વાગ્યે શીપ જેટી પર લગાડવાની મંજૂરી આપવામાં આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ સાડા પાંચ કલાકના ડ્રામામાં મુસાફરોએ શીપ પર હોબાળો મચાવ્યો હતો. આ સાડા પાંચ કલાક સુધી શીપને બીચ કરવા સાથે અનલોડની મંજૂરી આપવામાં કેમ ન આવી એ અંગેનો ખુલાસો એક પણ જવાબદાર અધિકારીઓ કરી શકયા ન હતાં. ત્યારે આ અંગે દિવ્ય ભાસ્કરે ભાવનગર રો-રો ટર્મિનલ ઇન્ચાર્જ વિક્રમજીત સાથે વાતચીત કરવા સંપર્ક કર્યો હતો. જોકે, તેઓએ ફોન ન ઉપાડતા વાતચીત થઈ શકી ન હતી. લોકોમાં થતી ચર્ચાઓ મુજબ અદાણી પોર્ટના અધિકારીઓ તથા DGC કનેક્ટના અધિકારી વચ્ચે કોઈ મુદ્દે વૈમનસ્ય સર્જાતાં અદાણી પોર્ટના સંચાલકોએ શીપ બીચ-અનલોડ કરવાની મંજૂરી ન આપતાં મુસાફરોને બાનમાં લેવામાં આવ્યાં હોવાનું જાણવા મળ્યું હતું. રાત્રે બાર વાગ્યે હજીરા પોર્ટ પર ઉતરેલા પેસેન્જરોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી હતી.

100 કરોડની ઉજવણીમાં 100 બાઇકને ફ્રી મુસાફરી
ભારત સરકારે કોરોના સામેનો જંગ જીતવા 100 કરોડ વેક્સિનેશન કરી નાંખતા તેની ઉજવણીના ભાગરૂપે ઘોઘા-હજીરાની રો-પેક્સ ફેરી સેવાના ઓપરેટર ઇન્ડીગો સીવેઝ દ્વારા તા.1 થી 4 નવેમ્બર દરમિયાન ઘોઘાથી હજીરા જતી ફેરીમાં ચાર દિવસ દરમિયાન 100 બાઇકને મફત મુસાફરી કરવવાનું ઘોષિત કરવામાં આવ્યુ છે, જેનું બૂકિંગ ઓનલાઇન ઉપલબ્ધ થશે.

અન્ય સમાચારો પણ છે...