આત્મહત્યા:મણાર ગામે સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો આપઘાત

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હું મારા સાસરામાં વધારે જીવી નહી શકું મને લઈ જાઓ
  • પતિ દારૂ પીને વારંવાર ઝઘડા કરતો હતો અંતે મહિલાએ ગળાફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું

તળાજાના મણાર ગામે ગત મધ્ય રાત્રીના પતિ, સાસુ અને નણંદના ત્રાસથી કંટાળી મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં મૃતક મહિલાના ભાઈએ અલંગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

તળાજાના પાવઠી ગામે રહેતા ઉસ્માનભાઈ હાસમભાઈ જુનેજાએ અલંગ પોલીસ મથકમાં તેમના બનેવી ઈમરાન દિલાવરભાઈ કુરેશી, તેમની બહેનના સાસુ મુનીબેન તથા નણંદ આસ્મીનબેન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, દસ વર્ષ પહેલા તેમના બહેન અફસાના બહેનના લગ્ન મણાર ગામના ઈમરાનભાઈ કુરેશી સાથે થયાં હતા અને ત્રણ વર્ષ પૂર્વે અફસાનાબેન તેમના પિયરે આવીને જણાવ્યું હતું કે, ઈમરાન દારૂ પીને ઘરે આવી વારંવાર ઝઘડો કરતો હોય તથા સાસું કરિયાવર માટે મેણાંટોણાં મારતા હોય અને નણંદ તું ઈમરાનને દારૂ પિવડાવે છે તેમ કહી મેણાં મારી હેરાન કરે છે.

જે-તે સમયે સમાજના આગેવાનો દ્વારા સ્થાનિક કક્ષાએ સમાધાન કરાવ્યું હતું પરંતુ તેમ છતાં આ લોકો અફસાના બહેનને હેરાન કરી ત્રાસ આપતા હોય એક વર્ષ પૂર્વે પણ અફસાના બહેને તેમને ફોન કરી જણાવ્યું હતું કે, હું મારી સાસરીમાં વધારે નહી જીવી શકું મને લઈ જાઓ, જેથી તેમને પિયર તેડી આવ્યા હતા. થોડા દિવસો પહેલા અફસાના બહેનના સસરાનું એક્સિડેન્ટ થતાં સમજાવીને ફરી સાસરે મોકલ્યા હતા.

જે બાદ ગઈકાલે રાત્રીના 12 વાગ્યાના અરસામાં અફસાનાબહેને તેમના પતિ, સાસું અને નણંદના ત્રાસથી તેમના ઘરે છતની હુક સાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે અલંગ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...