પાલીતાણા ગ્રામ્ય પોલીસ અને ખાખરીયા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા એક વૃદ્ધાને પોતાના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સોઢવ ગામના કમુબેન તખાજી ઠાકોર ઉ.વ.60 એક વર્ષ પહેલાં ગુમ થયાં હતાં. તેઓના પરિવાર દ્વારા ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પરંતુ તેમની ક્યાંય ભાળ મળતી ન હતી. ત્યારે એક વર્ષ બાદ કમૂબેનનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે.
એક વર્ષ પહેલાં ઘરેથી કોઇને કહ્યાં વગર નીકળી ગયાં હતા
આ અંગે પાલીતાણાના ખાખરીયા ગામના સરપંચ સંજયભાઈ હિગુંને ગામમાંથી જાણકારી મળી હતી કે, ગામમાં એક અજાણ્યા વૃદ્ધા આવી ચડ્યાં છે જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તપાસ કર્યા બાદ મૂળ સોઢવ ગામના વતની એવાં કમુબેન તખાજી ઠાકોર, ઉ.વ.60 થી ઉપર કે જેઓ એક વર્ષ પહેલાં ઘરેથી કોઇને કહ્યાં વગર નીકળી ગયાં હતાં.
વૃદ્ધાને બે દિવસ ખાખરીયા ખાતે સરપંચએ તેમના ઘરે રાખ્યા
આ અંગે પાલીતાણા ગ્રામ્ય પોલીસ દ્વારા આ અંગે તપાસ કરીને આ વૃધ્ધના પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી. અને તેમના પરિવાર સાથે વૃદ્ધાનો મિલાપ કરાવવામાં આવ્યો હતો. વૃદ્ધાને બે દિવસ ખાખરીયા ખાતે સરપંચ સંજયભાઈએ તેમના ઘરે રાખીને તેમના નામ-ઠામ અંગે પૂછપરછ કરી હતી. ધીરજથી કામ લેતાં તેમણે તેમનું નામ અને સરનામું જણાવતાં પોલીસ દ્વારા વૃધ્ધા દ્વારા જણાવેલાં સરનામે તપાસ કરતાં તે સાચું જણાતાં તેમના પરિવારને વૃધ્ધા વિશેની જાણકારી આપવામાં આવી હતી.
પરિવારજનોએ પાલીતાણા ગ્રામ્ય પોલીસ અને ગામના સરપંચનો આભાર માન્યો
તેમના પરિવાર દ્વારા આ વિશેની જાણકારી મળતાં તેમને પણ આનંદ થયો હતો. કારણ કે તેઓ પણ તેમને શોધીને થાકી ગયાં હતાં. આખરે આ વિશેની જાણકારી પાકી થતાં વૃધ્ધાનું તેમના પરિવાર સાથે સફળ મિલન કરાવવામાં આવ્યું હતું. આ મિલાપ થવાથી કમૂબેનના પરિવારજનોમાં પણ એક પ્રકારનો હરખ જોવાં મળ્યો હતો. વૃધ્ધાના પરિવારજનોએ પાલીતાણા ગ્રામ્યના પોલીસ અને ગામના સરપંચનો આભાર વ્યક્ત કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.