હથિયાર સાથે ઝડપાયો:આસરાણા ચોકડી પાસેથી દેશી પિસ્ટલ કાર્ટીસ સાથે પાલીતાણાનો શખ્સ ઝડપાયો

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SOGએ 26,100 ના મુદ્દામાલ સાથે શખ્સને મોટા ખુંટવડા પોલીસને હવાલે કર્યો

ભાવનગર સ્પેશ્યિલ ઓપરેશન ગૃપ પોલીસની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મોટા ખુ્ંટવડા તાબેના આસરાણા ચોકડી પાસેથી દેશી બનાવટની પિસ્ટલ-કાર્ટીસ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર બનાવ અંગે ભાવનગર એસઓજી કચેરીએથી જાણવા મળતી વિગતો અનુસાર ગ્રામ્ય વિસ્તારોમાં જાહેર સુલેહ-શાંતિ સાથે કાયદો વ્યવસ્થા અકબંધ રાખવા ટીમ પેટ્રોલીંગ પર હોય એ દરમ્યાન મહુવા તાલુકાના મોટા ખુંટવડા પોલીસ મથક હેઠળના આસરાણા ચોકડી પાસે ટીમ પહોંચતા ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે આસરાણા ચોકડીએ એક શખ્સ પોતાના કબ્જામાં તમંચા જેવું શસ્ત્ર રાખીને કોઈ ગંભીર ગુનો આચરવાની ફિરાકમાં છે આથી ટીમે વિના વિલંબ કર્યે બાતમીદારના વર્ણવેલ શખ્સ પાસે પહોંચી શખ્સની અટક કરી નામ સરનામા સાથે અંગ ઝડતી હાથ ધરી હતી.

જેમાં અટક કરેલ શખ્સે પોતાનું નામ અફતાબ રહીમ જૂણેજા ઉ.વ 23 રે.પાલીતાણા વાળો હોવાનું જણાવેલ આ શખ્સની અંગઝડતી દરમ્યાન તેના કબ્જા માથી દેશી પિસ્ટલ તથા જીવતાં કાર્ટીસ નંગ -11 મળી આવતા હથિયાર અંગે પરવાનો-લાયસન્સ ની માંગ કરતાં શખ્સ સંતોષકારક જવાબ કે દસ્તાવેજ રજૂ ન કરી શકતા શખ્સની આર્મ્સ એક્ટ હેઠળ ધડપકડ કરી મોટા ખુંટવડા પોલીસનાં હવાલે કરી દેશી પિસ્ટલ, કાર્ટીસ મળી કુલ રૂપિયા છવ્વીસ હજાર એકસોનો મુદ્દામાલ પણ પોલીસને સોંપી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...