તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુસ્તક વેચાણમાં કૌભાંડ?:પાલિતાણાની સરકારી શાળાના પુસ્તકો કોઈપણ જાતની પ્રક્રિયા વગર જ ભંગારના ગોડાઉનમાં પહોંચી ગયા!, તાલુકા શિક્ષણાધિકારીએ તપાસ શરૂ કરી

ભાવનગરએક મહિનો પહેલા
  • પુસ્તકોને બારોબાર વેચી નાખનારા આચાર્યની કામગીરી સામે સવાલો ઉઠ્યા
  • વિદ્યાર્થીઓને મળનારા પુસ્તકો પસ્તી કેમ થયા?

ભાવનગર જિલ્લાના પાલિતાણાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે અપાતા પુસ્તકો કોઈપણ જાતની પ્રક્રિયા વગર જ પસ્તીમાં વેચી નખાતા સમગ્ર પ્રક્રિયા શંકાના ઘેરામાં આવી છે. જે પુસ્તક પસ્તી ગણીને વેચી નાખવામા આવ્યા છે તે ચારથી પાંચ વર્ષ જૂના કોર્સના હોવાનો દાવો કરાયો છે. જો કે, સરકારી પુસ્તકો કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર વેચી નખાતા સવાલો ઉઠ્યા છે ત્યારે તાલુકા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરૂ કરવામા આવી છે. જે પુસ્તકો વેચી નખાયા છે તેને પરત લેવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

સામાજિક કાર્યકર્તાની જાગૃતતાથી સમગ્ર મામલો બહાર આવ્યો
પાલિતાણાના સામાજિક કાર્યકર્તા જીક્કર ડેરૈયા અને ડાબરભાઈ આજે સવારે શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક ટ્રેકટરમાં સરકારી શાળાના પુસ્તકો જતા જોયા હતા. જેથી તેઓએ ટ્રેકટર ચાલકને પૂછતા ટ્રેકટરવાળાએ સોહિલભાઈ ભંગારના ડેલે પુસ્તકો ઉતારવાના હોવાનું કહ્યું હતું. બંને કાર્યકર્તાઓએ આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહીની માગ કરી છે.

પસ્તીમાં વેચાયેલા પુસ્તકોનો જથ્થો કેટલો?
કોઈપણ જાતની પૂર્વ મંજૂરી વગર પુસ્તકો પસ્તીમાં વેચી તો નખાયા, પણ કેટલો જથ્થો વેચાયો છે તેને લઈ પણ વિરોધાભાસી આંકડાઓ સામે આવી રહ્યા છે. જે આચાર્યએ પુસ્તકો વેચ્યા છે તે એક હજાર કિલો હોવાનો દાવો કરી રહ્યા છે તો જે ફેરિયાને પુસ્તકો વેચવા માટે આપવામા આવ્યા હતા તે ફેરિયો ત્રણથી ચાર હજાર કિલો વજનના પુસ્તક હોવાનો દાવો કરી રહ્યો છે. ત્યારે સવાલ એ છે કે, જે પુસ્તકો પસ્તીમાં વેચી નખાયા છે તે પુસ્તકનું ખરેખર વજન કેટલું હતું?

આટલી મોટી માત્રામાં પુસ્તકોની પસ્તી કેમ થઈ?
સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તક આપવામા આવે છે તે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ જ આવતા હોય છે. તો પછી આટલી મોટી માત્રામાં પુસ્તકો વધવા પાછળનું કારણ શું? શું વિદ્યાર્થીઓને પુસ્તકોથી વંચિત રાખવામા આવ્યા હશે?

અભ્યાસક્રમ બદલાઈ જતા પુસ્તકો પસ્તીમાં વેચવામા આવ્યા- આચાર્ય
પાલિતાણા ગુજરાતી પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પેશભાઈને પૂછતાં જણાવ્યું હતું કે, આ જુના પુસ્તકો છે જે અભ્યાસક્રમ બદલાય ગયો તેના છે. ઘોરણ 1 અને 2 માં તો બદલાય ગયા છે અને અંગ્રેજી નું પુસ્તકો બે વર્ષ પહેલાં બદલાયા, વિજ્ઞાન અને ગણિત નવા આવી ગયા છે, સામાજિક વિજ્ઞાન આ વર્ષે બદલાય ગયું છે, આ બધા પાઠ્યપુસ્તકો પાંચ વર્ષ જુના છે. આચાર્યએ કહ્યું કે, પહેલા અમને પુસ્તકોના વેચાણ માટે મૌખિક સૂચના આપવામા આવી હતી. જો કે, બાદમાં ઈન્કાર કરી દેવામા આવ્યો હતો.

વહીવટી પક્રિયા વગર પુસ્તકો વેચી ના શકાય- તાલુકા શિક્ષણાધિકારી
તાલુકા શિક્ષણ અધિકારી અતુલભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલીતાણાની આજુબાજુના ગામના 24,000 બાળકોના પુસ્તકો એક શાળા પર આપવામાં આવે છે એટલે અહીંયા થી જ વિતરણ કરવામાં આવે છે. એટલે એક જગ્યાએ પુસ્તકો હોય છે, તેને વધુમાં જણાવ્યું હતું કે વહીવટી પ્રક્રિયા વગર આમ વેંચી ન શકાય. મેં આચાર્યને જ્યાં પુસ્તકો વેચવામા આવ્યા છે ત્યાંથી પરત મેળવવા આદેશ કર્યો છે.

મને લખાણ ના મળતા મેં પેમેન્ટ નથી કર્યું-સોહિલભાઈ ભંગારી
​​​​​​​જેમને ત્યાં આ પુસ્તકો ઉતારવામા આવ્યા છે તે,સોહીલભાઈ ભંગારીએ જણાવ્યું હતું કે આ પુસ્તકો મને બાર વાગ્યા આસપાસ શીવાભાઈ કરીને આવ્યા હતા, એ ભાઈને મેં કીધું હતું કે જે શાળાના હોય તેનું લખાણ લઈને આવો પછી પેમેન્ટ કરવામાં આવશે. હજી સુધી પુસ્તકો લીધા નથી.

અન્ય સમાચારો પણ છે...