વિધાનસભા ચુંટણી:મહુવામાં વિપક્ષોના કુલ મતથી ભાજપને 18 હજારથી વધુ મત

મહુવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપને 86,463 મત સામે તમામ વિપક્ષને 68,144 મત
  • શિવાભાઇને તેમના મૂળ વતન ભાદ્રોડમાં અને કનુભાઇ કળસરિયાને તેમના મૂળ વતન વાઘનગરમાં જ લીડ ન મળી

મહુવા વિધાનસભાની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ રહ્યો હતો. જેમાં મતદારોનો જોક ભાજપમાં એક તરફી રહ્યો હતો. અને મહુવાની અત્યાર સુધીની સૌથી વધુ લીડથી શિવાભાઇ ગોહિલને ચુંટી કાઢયા હતા. મહુવા વિધાનસભા મતવિસ્તારના જુદા જુદા વિસ્તારોમાં મતદાનના આંકડા પરથી મતદારોનો મિજાજ જોવા મળ્યો હતો. જેમાં મહુવા શહેરમાં ભાજપના શિવાભાઇ ગોહિલને 28,522 મત અને કોંગ્રેસના ડો.કનુભાઇ કળસરીયાને 19,417 મત મળતા મહુવા શહેરે 9,105 મતની લીડ આપી હતી.

તેમજ મહુવા વિધાનસભામાં થયેલ કુલ મતદાન 1,54,607 માં વિજેતા શિવાભાઇને 86,463 મત અને તમામ વિરોધપક્ષ અને અપક્ષ તેમજ નોટા સહિતના વિરોધી મત ગણો તો પણ માત્ર 68144 મત થાય છે. એટલે કે શિવાભાઇને કોંગ્રેસ સહિત તમામ વિપક્ષના મતથી 18,319 મત વધુ મળ્યા હતા. એટલે કે ભાજપે મહુવા વિભાનસભામાં સુનામી ફેરવી સપાટો બોલાવ્યો હતો. જો કે શિવાભાઇ ગોહિલના મૂળ વતન ભાદ્રોડમાં જ તેમને લીડ મળી ન હતી. જયારે ડો.કનુભાઇ કળસરીયાને તેમના મૂળ વતન વાઘનગરમાં લીડ મળી ન હતી.

કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સાંગણીયા અને કતપર-6 બુથમાં 30 કરતા ઓછા મત મળ્યા હતા જયારે ભાજપ પક્ષના ઉમેદવારને કતપર-4, મહુવા-17-59-60-62 બુથમાં 30 કરતા ઓછા મત મળ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીને કતપર-4માં એકપણ મત મળ્યો ન હતો.

જો કે આ વિધાનસભા ચુંટણીમાં લોકો ઉપર મોદી ઇફેક્ટ તથા હિંદુત્વનું અને જ્ઞાતિ ફેકટર જોવા મળતા મહુવામાં ભાજપને અત્યાર સુધીની સૌથી વધારે લીડ મળી હતી. અને કનુભાઇ કળસરીયાને 2017માં 39401 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના 30576 મત ઉમેરતા 69977 મત થાય. આથી કુલ 70 હજાર ઉપરાંત મત મળવા જોઇએ તેના બદલે માત્ર 55 હજાર મત મળ્યા હતા.

સરકારી કર્મચારીઓના મતમાં કોંગ્રેસ આગળ
જયારે પોસ્ટલ બેલેટમાં સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવેલ. મહુવા વિધાનસભા માટે પોસ્ટલ બેલેટ દ્વારા કુલ 1270 મતદારોએ મતદાન કર્યુ હતુ. જે પૈકી 149 મત રદ્દ થયા હતા અને 7 નોટાને મત આપ્યા હતા. પોસ્ટલ બેલેટના મતદારોએ કોંગ્રેસ પક્ષને 522, ભાજપ પક્ષને 486 મત આપ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીને 94 મત મળ્યા હતા. મતદારોએ 2619 નોટાને આપ્યા હતા. જ્યારે 149 મત રદ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...