ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. જેને લઇને દલિત સમાજના આગેવાનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જેના પગલે આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આવા અસામાજીક તત્વોને તાકીદે ઝડપી લઇ તેની સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી.
થોડા દિવસો પહેલા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભદ્રાવળ ગામે કોઈ અસામાજિક તત્વો દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું હતું. જે અંગેની પોલીસ ફરિયાદ તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. પરંતુ આ ઘટનાના આરોપીઓ હજુ સુધી પોલીસ સકંજાની બહાર હોય તેમજ આ પહેલા સિહોર અને ગારીયાધાર તાલુકાના વીરડી ગામે પણ આવી ઘટના બની હતી. જે તમામ ઘટનાઓને લઈને દલિત સમાજના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નેજા હેઠળ મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો કાર્યકર્તાઓ એકઠા થઇ ભાવનગર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી અને આવા અસામાજીક તત્વોને ઝડપી લઇ તેની સામે ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.