કોર્પોરેશનમાં સીટી એન્જિનિયરની ખુરશી માટે ભારે ખેંચતાણ સાથે વિવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે ગોધવાણી નિવૃત્ત થયા બાદ આજે સવારે ઇન્ચાર્જ કમિશનર દ્વારા અધિકારીઓની બેઠક બોલાવી હતી જેમાં અધિકારીઓના મંતવ્યો લેવાતા ઉપસ્થિત 15 પૈકી 14 અધિકારીઓએ સિટી એન્જિનિયર માટે ઈચ્છા વ્યક્ત કરી હતી પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે જે અધિકારીએ ના પાડી હતી તે એમ.ડી. મકવાણાને જ સિટી એન્જિનિયરનો ચાર્જ સોંપવા કમિશનરે હુકમ કર્યો છે. તેઓ પણ આ મહિને નિવૃત્ત થશે જેથી એક મહિના પછી પુનઃ સિટી એન્જિનિયરના ચાર્જનું કોકડું ઉભુ રહેશે.
ભાવનગર કોર્પોરેશનમાં સિટી એન્જિનિયર માટે સિનિયોરીટી મુજબ એમ.ડી. મકવાણા અને આર.જી.પરીખ સીટી એન્જીનીયર તરીકે આવતા હતા પરંતુ બંનેએ નાદુરસ્ત તબિયતને કારણે સીટી એન્જિનિયર તરીકે પહેલેથી જ ના ભણી હતી. જેથી આજે સવારે ઇન્ચાર્જ કમિશનર દ્વારા અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં સીટી એન્જીનીયર તરીકે પદભાર સંભાળ્યા માટે અધિકારીઓના મંતવ્યો લીધા હતા. પંદરેક જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને તેમાં 14 જેટલા અધિકારીઓએ ઇન્ચાર્જ કમિશનર દ્વારા પુછતા સિટી એન્જિનિયર બનવા ઈચ્છા વ્યક્ત કરી હતી.
જે પૈકી એમ.ડી.મકવાણા એ ના પાડી હતી. પરંતુ કમિશનર અને શાસકો દ્વારા એમ.ડી.મકવાણાને જ સિટી એન્જિનિયર બનાવવાનો આગ્રહ રખાતા અંતે તેઓને સિટી એન્જિનિયર માટેનો હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે એસ્ટેટ વિભાગની એસ્ટેટ ઓફિસરની જગ્યાનો વધારાનો હવાલો નાયબ કાર્યપાલક ઇજનેર તથા ઇન્ચાર્જ સહાયક કમિશનર ફાલ્ગુનભાઈ એમ. શાહને તથા ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારાનો હવાલો નાયબ કાર્યપાલક ઇજનેર વાય.સી. મકવાણાને સોપાયો છે.
તદુપરાંત નાયબ કમિશનર રાજપુત ચાર દિવસની રજા પર હોવાથી ચોથી જૂન સુધીનો નાયબ કમિશનર એડમીનનો ચાર્જ પી.જે.ચુડાસમાને અને નાયક કમિશનર જનરલનો ચાર્જ જે.એમ. સોમપુરાને સોંપવામાં આવ્યો છે. અન્ય વિભાગોની જેમ સિટી એન્જિનિયરમાં પણ અધિક સીટી એન્જિનિયર મૂકવામાં આવે તો સિનિયર અધિકારીઓ નીચે ટ્રેઈન પણ થઈ શકે. એક જેથી કોર્પોરેશન અને શહેરના વિકાસને અવરોધ ઊભો ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.