ભાવનગરમાં જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસના વિદ્યાર્થીઓ માટે "ભારતીય વાયુ સેના" દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન પરિસંવાદ અને જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું. ભાવનગરના જ એવા એર ફોર્સ સિલેકશન બોર્ડના અધ્યક્ષ વિંગ કમાન્ડર નરેન્દ્રસિંહ ચુડાસમા વિદ્યાર્થીઓને ઇન્ડિયન એર ફોર્સમાં કારકિર્દીલક્ષી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉત્કર્ષ માટે સદા અગ્રેસર તેમજ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ઠ કારકિર્દી માટે હંમેશા તત્પર અને સજાગ એવી જ્ઞાનમંજરી ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા ભારતીય વાયુ સેનાના સહયોગથી ભારતીય વાયુ સેનામાં કારકિર્દી બનાવવા તેમજ પ્રોત્સાહિત કરવા માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ફ્લાઇટ સિમ્યુલેટર અને અન્ય આધુનિક ગેજેટ્સથી સજ્જ એવું - ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ પણ જ્ઞાનમંજરી કેમ્પસ ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
વર્ચુઅલ અનુભૂતિ અને તકનીકી સમજ આપી
ઇન્ડિયન એર ફોર્સ દ્વારા દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓ ખાતે જ આ પ્રકારના ઇન્ડક્શન પબ્લિસિટી એક્ઝિબિશન વ્હીકલ તેમજ ફ્લાઇટ સિમ્યુલેટર અને અન્ય ગેજેટ્સ ના ઉપયોગ દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી તરીકે ઇન્ડિયન એર ફોર્સ પસંદ કરવા તરફ પ્રેરિત કરવામાં આવે છે જેમાં 500થી પણ વધુ વિદ્યાર્થીઓને એરક્રાફ્ટ ઉડાડવા માટેની વર્ચુઅલ અનુભૂતિ અને તકનીકી સમજ આપવામાં આવી હતી.
ઇન્ડિયન એર ફોર્સમાં જોડવા માટેની સંપુર્ણ માહિતી આપી
વિંગ કમાન્ડર એન.જે. ચુડાસમા કે જે મૈસુર સ્થિત એરફોર્સ સિલેકશન કમિટી બોર્ડના અધ્યક્ષ છે તેમને વિદ્યાર્થીઓને ઇન્ડિયન એર ફોર્સમાં કારકિર્દી માટે પ્રેરિત કરતા કહ્યુકે આપણે જે યુનિફોર્મ પહેરીએ છીએ તે આપણા મૂલ્યો, પરંપરાઓ અને રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાવાન પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે અને "ટચ ધ સ્કાય વિથ ગ્લોરી"ના મોટો સાથે ઇન્ડિયન એર ફોર્સ આપણને લાઈફ લાર્જર ધેન લાઈફ પ્રદાન કરે છે. ઇન્ડિયન એર ફોર્સમાં જોડવા માટેની સંપુર્ણ કાર્યવાહી, ફ્લાય ડીપાર્ટમેન્ટ તેમજ ટેકનીકલ અને નોન ટેકનીકલ ગ્રાઉન્ડ ડીપાર્ટમેન્ટ અંગેની સમજ અને દરેકમાં જરૂરી શૈક્ષણિક લાયકાત એ ઉપરાંત “નેશનલ ડીફેન્સ એકેડેમી" અને "એર ફોર્સ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ” વિષે સઘન જાણકારી આપવામાં આવી હતી તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
ભારતીય વાયુ સેનામાં કારકિર્દી માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવાય
“ઇન્ડિયન એર ફોર્સ" તરફથી વિંગ કમાન્ડર એન. જે. ચુડાસમા, વિંગ કમાન્ડર દીપેન ચક્રવર્તી, ફ્લાઈટ ઓફિસર સીમરન વાલિયા અને તેમની સમગ્ર ટીમ ઉપરાંત સમગ્ર આયોજન અર્થે ભાવનગર એન.સી.સી.તરફથી ફ્લાઈટ ઓફિસર જે ત્યાગરાજન અને નીતિન સોલંકી ખાસ ઉપસ્થીત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે પ્રો.અનિશ વોરાના માર્ગદર્શન હેઠળ પ્રો.પ્રશાંત વિરડીયા તેમજ અન્ય અધ્યાપકો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી સંસ્થાના એક્ષિકયુટીવ ડીરેક્ટર ડૉ.નિમ્બાર્ક તરફથી દરેક વિધાર્થીઓને ભારતીય વાયુ સેનામાં કારકિર્દી માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.