હુકુમ:ચોમાસાના કારણે ખરાબ થયેલાં રસ્તાઓ સત્વરે રિપેર કરવા આદેશ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય તંત્રના અનિયમિત કર્મચારીઓને નોટિસ આપવા તાકીદ

ભાવનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક મળી હતી જેમાં જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતુ કે રાજ્યમાં કોરોનાની અસર ઓછી થઇ ગઇ છે ત્યારે કોરોનાને કારણે અટકેલાં વિકાસના કામો ઝડપથી પૂર્ણ થવાં જોઇએ. કલેક્ટરે ચોમાસાના કારણે ખરાબ થયેલાં રસ્તાઓ સત્વરે ચાલુ થાય તે માની કાર્યવાહી હાથ ધરવાં માટે ઉપસ્થિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ખાસ કરીને બીલા-ઉગલવાડ રોડને ત્વરિત ચાલુ કરવાં માટે તેમણે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું.

આ ઉપરાંત ભાવનગર- અમદાવાદ રોડના વિસ્તરણના કામમાં અડચણરૂપ વીજળીના થાંભલાઓ હટાવવાની કામગીરી પણ તુરંત હાથ ધરવા માટેની સૂચનાઓ તેમણે આપી હતી. મહુવા ડિવિઝનમાં વીજળીના થાંભલાં ઝડપથી ઉભા કરવાં, બેડા પાણી પુરવઠા યોજના હેઠળના કરલાં, ઇંટીયા વગેરે ગામોમાં પીવાના પાણીની લાઇન નાંખવાં, આરોગ્ય વિભાગના જર્જરિત મકાનોની દુરસ્તી તેમજ રિપેરિંગ માટે ત્વરિત કાર્યવાહી હાથ ધરવાં માટે આરોગ્ય અધિકારીઓને હિમાયત કરી હતી.

અનિયમિત કર્મચારીઓ- અધિકારીઓને નોટિસ આપી કડક હાથે કામ લેવાં માટે પણ તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું. જિલ્લામાં બિનઅધિકૃત ખનન પર સકંજો કરવાં માટે પેટ્રોલીંગ, સ્થળ તપાસ તથા વીજીલન્સ વધારવાં માટે પોલીસ, આર.ટી.ઓ. તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...