ક્યાંથી ભણાવે શિક્ષક:આત્મ નિર્ભર ગામ યાત્રામાં કામગીરી કરવા આદેશ કરાયો

ભાવનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ માંડ વર્ગમાં શિક્ષણ શરૂ થયું છે ત્યાં ગામે ગામ વિવિધ કાર્યક્રમોની ફરજ સોંપાઇ

સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ આપવા સિવાય શિક્ષકોને અન્ય અનેક કામગીરી બજાવવી પડે છે. સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ તો ચૂંટણી, મતદાર યાદી જેવી રાષ્ટ્રીય ફરજની કામગીરી સિવાય અન્ય કામગીરી શિક્ષકોને સોંપી શકાય નહી. પણ હાલમાં ભાવનગરમાં ડીપીઇઓ કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરીને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાનારી ત્રિ-દિવસીય આત્મ નિર્ભર યાત્રા કાર્યક્રમ જે તા.18 નવેમ્બરથી 20 નવેમ્બર દરમિયાન યોજાવાનો છે તેમાં ગામ મુજબ જે જે કાર્યક્રમ યોજાય તેમાં સહકાર આપી જરૂરી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે.

શિક્ષકો અને આચાર્યો તેમજ બી.આરસી તેમજ સીઆરસી કો-ઓર્ડિનેટરને આ યાત્રા દરમિયાન ગામની ફાળવણી કરવામાં આવી છે તેમજ શિક્ષણને બદલે પ્રભાત ફેરી તેમજ ચિત્ર સ્પર્ધાના આયોજનમાં વ્યવસ્થાનો બોજો આપવામાં આવ્યો છે. કોરોના બાળમાં હવે માંડ શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ ચાલુ થયું છે ત્યાં આવા સરકારી કાર્યક્રમમાં જવાનું હોય બાળકોનું શિક્ષણ ખોરંભે પડશે. તે હકીકત છે. આ સંજોગોમાં સંઘે આગળ આવવું આવશ્યક છે.

શિક્ષકોને શિક્ષણ ઉપરાંત અનેક કામગીરી કરવી પડે છે ત્યારે એક કાનૂની કેસમાં સર્વોચ્ચ અદાલતે ફેંસલો આપેલો કે શિક્ષકો પાસેથી રાષ્ટ્ર હિતની બે-ત્રણ કામગીરી સિવાય અન્ય કોઇ કામગીરી લઇ ન શકાય. તેઓને વર્ગમાં શિક્ષણ આપવાનું હોય છે.

પરંતુ શિક્ષકો પાસેથી જે જે કામગીરી લેવામાં આવે છે તેમાં આધાર ડાયસ, એમ.ડી.એમ. એન્ટ્રી, ગરીબ કલ્યાણ મેળા, વિવિધ નેતાઓની ઉજવણીના કાર્યક્રમો, નર્મદા રથ, એકતા રથ,શાળા કોષ, સ્વચ્છતા અભિયાન, પ્રવેશોત્સવ, યોગ દિવસ, સિંહ દિવસ, સેનિટેશન સફાઈ, મધ્યાહન ભોજન દેખરેખ, શાળાઓની વિવિધ કમિટિ, તાલીમ, વાલી મીટિંગ, રમતોત્સવ, ખેલ મહાકુંભ, કલા મહાકુંભ,બાળમેળા, વાર્ષિકોત્સવ, ગ્રામસભામાં ભાગીદારી, સાક્ષરતાની પરીક્ષાઓ, આધાર કાર્ડ કઢાવવા, આધાર કાર્ડ અપડેસન કરાવવું, બેન્ક ખાતા ખોલાવવા, વાલી સંપર્ક, રામહાટ, પાઠય પુસ્તકો લાવવા, સાબુ લાવવા,સાવરણી સાવરણા લાવવા, સેવાસેતુ કાર્યક્રમની કામગીરી જેવી કોઇ ઉચિત કો કોઇ અનુચિત કામગીરી કરવાની ફરજ પડાતા વારંવાર શિક્ષણ કાર્ય ખારંભે ચડે છે.

શિક્ષણની ગુણવત્તામાં ગુજરાતની સતત પીછેહઠ
સમગ્ર દેશમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકની ગુણવત્તા અંગે જે જે સર્વે થાય છે તેમાં ગુજરાતનું સ્થાન સતત પાછળ પડતું જાય છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનમાં બાળકો પાછળ પડી રહ્યાં છે. ત્યારે ધો.1થી 5માં તો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર પણ ન આડતા હોવાનું તારણમાં જાહેર થયું હતુ. ભાષા કાંશલ્ય પણ ઘટી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...