કાર્યવાહી:ભાવનગરમાં 21 સ્થળોએ 18 પેઢી પર SGST-પોલીસનું ઓપરેશન

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જામનગરની રેડમાં ભાવનગરથી મેટલના ખોટા બિલ અપાયાનું ખુલ્યુ
  • છેલ્લા બે માસમાં પડકાયેલા કાૈભાંડના ડેટાના આધારે કાર્યવાહી

જીએસટીની ગેરરીતિઓ ડામી દેવા માટે હવે જીએસટી તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત કામગીરી કરી રહ્યું છે. સમગ્ર રાજ્યમાં સ્ટેટ જીએસટી અને પોલીસ તંત્રની બનેલી ટીમો દ્વારા હાથ ધરાયેલા સંયુક્ત ઓપરેશનમાં ભાવનગર ખાતે 21 સ્થળોએ 18 પેઢીઓમાં ચકાસણી શરૂ છે. જામનગર ખાતે મેટલના વેપારીઓ પરના દરોડામાં ભાવનગરથી બિલો આપવામાં આવ્યા હોવાનું ખુલતા સંભવત: સોમવારથી વધુ તપાસ ભાવનગર તરફ લંબાશે.

છેલ્લા 2 મહિના દરમિયાન સ્ટેટ જીએસટી તંત્ર દ્વારા પકડવામાં આવેલા કરચોરીના આરોપીઓ પાસેથી મળી આવેલા ડીજીટલ ડેટાના આધારે ભાવનગરમાં શનિવારે સવારથી જ પોલીસ તંત્ર અને સ્ટેટ જીએસટીનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. હાલ ભાવનગરમાં મોહંમદ ટાટા, સોહિલ પિરવાણી, ઉસ્માન ફતાણી બાંગ્લા, સુફિયાન કાપડીયા, આલમ શેખ સહિતના જુદા જુદા કેસમાં ભાવનગરના લોકોની સામેલગીરી અંગેની પણ અલગથી તપાસ ચાલી રહી છે. અફઝલ સાદીકઅલી સવજાણીનો 50જીબી નો ડીજીટલ ડેટા, એકાઉન્ટસ સાથે સંકળાયેલા ફૈસલ ખોલીયાની પાસેથી મળી આવેલા 6 લેપટોપના આધારે પણ ભાવનગરમાં તપાસ ચાલી રહી છે.

અને આ તમામ કેસ સંવેદનશિલ હોવાથી જીણવટભરી તપાસ ચાલી રહી છે.શનિવારે પોલીસ તંત્ર અને સ્ટેટ જીએસટીના સંયુક્ત દરોડામાં ભાવનગર શહેરના કરચલીયા પરા, સાંઢીયાવાડ, હાદાનગર, તિલકનગર, વડવા, અલંગ સહિતના સ્થળોએ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી છે, અને 12 શખ્શોને સ્ટેટ જીએસટી કચેરીએ લાવી તેઓની આગવી ઢબે પુછપરછ કરવામાં આવી રહી છે. ભાવનગર શહેરના વિવિધ વિસ્તારમાં જીએસટી સંબંધિત ગેરરીતિઓની ચકાસણી રવિવારે પણ ચાલુ રહેશે અને સંભવત: આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવશે.

પાંચા ગ્રુપ-સાણોદર ગ્રુપ શંકાના વમળમાં
ભાવનગર સહિત રાજ્યમાં શનિવારે પોલીસ તંત્ર અને સ્ટેટ જીએસટીના દરોડામાં જામનગરથી મળી આવેલી ગેરરીતિઓમાં ભાવનગરના પાંચા ગ્રુપ અને સાણોદર ગ્રુપની સંડોવણી પ્રાથમિક રીતે બહાર આવી છે, અને સ્ટેટ જીએસટી તંત્ર આ બંને ગ્રુપની ગતિવીધિઓ પર નજર રાખી રહી છે.

અન્ય સમાચારો પણ છે...