તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉર્જામંત્રીને રજૂઆત:જેટકોની વર્તુળ કચેરી ભાવનગરમાં કાર્યરત કરો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઔદ્યોગિક વિકાસને ધ્યાને લેતા ભાવનગરમાં એનર્જી ટ્રાન્સમિશન કોર્પો. કચેરી જરૂરી

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલને પત્ર પાઠવી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (જેટકો)ની વર્તુળ કચેરી હાલ અમરેલી ખાતે કાર્યરત છે તેના કાર્યક્ષેત્રમાં ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાઓનો સમાવેશ થાય છે.ભાવનગર ખાતે હાલમાં જેટકોની ડીવીઝન કચેરી કાર્યરત છે. અમરેલી જીલ્લા કરતા ભાવનગર જીલ્લો ઔદ્યોગિક રીતે વધુ વિકસિત છે. આ ઉપરાંત અમરેલી વર્તુળ કચેરીનું વિભાજન સરકાર દ્વારા મંજુર કરેલ સ્ટાફ સેટઅપનાં પ્રમાણે કરવું જરૂરી જણાય છે. આ અંગે ચેમ્બર દ્વારા જે વિગતો તેમના ધ્યાન ઉપર લાવવામાં આવી છે અને ભાવનગર ખાતે જેટકોની વર્તુળ કચેરી કાર્યરત કરવા માંગ કરાઇ છે.

ભાવનગર એ ગુજરાતનાં 8 મહાનગરપાલિકાઓમાં સ્થાન ધરાવતું શહેર છે તેમજ સૌરાષ્ટ્રનું બીજા નંબરનું મોટું શહેર છે, ભાવનગર શહેરની અંદાજિત વસ્તી 7 લાખથી પણ વધુ છે અને માથાદીઠ વીજ વપરાશને ધ્યાનમાં લેતા ગુજરાતનો ચોથો જીલ્લો છે, ભાવનગર જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે ઉતરોત્તર પ્રગતિ કરી રહેલ છે તથા ભાવનગર શહેરની નજીકમાં વિઠ્ઠલવાડી, ચિત્રા, શિહોર, ઘાંઘળી, વરતેજ, નવાગામ વગેરે જીઆઈડીસીઓ આવેલી છે, હાલમાં ભાવનગર શહેર તથા જિલ્લામાં કાર્યરત વિવિધ ઉદ્યોગોની વિગતો આપવામાં આવેલ છે, સરકાર દ્વારા મંજુર થયેલ નારી જીઆઈડીસી તથા પ્લાસ્ટિક પાર્ક કાર્યરત થવા જઈ રહ્યો છે અને નજીકનાં ભવિષ્યમાં માઢીયા જીઆઈડીસી પણ કાર્યરત થશે.

હાલમાં ઘોઘા-હજીરા રો-રો ફેરી સર્વિસ કાર્યરત છે અને ભવિષ્યમાં હજુ પણ કેન્દ્ર સરકારશ્રી દ્વારા સી-કનેક્ટીવીટી વધારવાના ભાગરૂપે ઘોઘાથી મુંબઈ, દક્ષિણનાં રાજ્યો, કંડલા તથા સૌરાષ્ટ્રનાં અન્ય શહેરો સાથે ફેરી સર્વિસ શરૂ કરવા અંગેની વિચારણા થઇ રહેલ છે તેના કારણે ભાવનગરનાં વેપાર-ઉદ્યોગને ખુબ જ વેગ મળશે, વિશ્વનું સૌપ્રથમ સીએનજી ગેસ ટર્મિનલ ભાવનગર ખાતે સ્થપાનાર છે જે કાર્યરત થતા ભાવનગરનાં વેપાર-ઉદ્યોગને ખુબજ વેગ મળશે, ભાવનગર જીલ્લાના સાંસદ અને કેન્દ્દ્રનાં પોર્ટ્સ, શીપીંગ અને જળપરિવહન મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા ભાવનગર જિલ્લામાં કન્ટેનર મેન્યુફેક્ચરીંગ હબ અને વ્હીકલ સ્ક્રેપ યાર્ડ ની સ્થાપના થાય તે દિશામાં સક્રિય પ્રયત્નો થઇ રહેલ છે.

શા માટે ભાવનગર શહેર યોગ્ય ?
ધોલેરા-સર સંપૂર્ણ રીતે કાર્યરત થયા બાદ ધોલેરાથી સૌથી નજીકનું શહેર ભાવનગર હોવાથી અને દરિયાકાંઠો ધરાવતું હોવાથી ભાવનગર શહેર-જિલ્લાના ઔદ્યોગિક વિકાસને ગતિ આપનારું બની રહેશે અને વર્તમાન સમયમાં અમરેલી જીલ્લામાં 75 સબ-સ્ટેશનો, ભાવનગર જીલ્લામાં 77 સબ-સ્ટેશનો અને બોટાદ જિલ્લામાં 25 સબ-સ્ટેશનો કાર્યરત છે જેથી કરીને ભાવનગર શહેર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લીમીટેડ (GETCO)ની વર્તુળ કચેરી માટે સર્વથા યોગ્ય છે.

અન્ય સમાચારો પણ છે...