મેન્ટલી, ફિઝિકલી અને ઇમોશનલી ફીટ વ્યક્તિ જ સફળતાને પ્રાપ્ત કરી શકે છે તેમ દિવ્ય ભાસ્કર ગ્રુપના સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા પ્રતિભાશાળી સૌરાષ્ટ્રના આઇકોનને બિરદાવવાના કાર્યક્રમમાં બોલતા યુવરાજ જયવીરરાજસિંહજીએ કહ્યું હતું કે, વર્તમાન સમયમાં આપણે કોરોના કાળને કારણે તંદુરસ્તી ઉપર વધુ ધ્યાન આપવાનું શીખ્યા છીએ. આ ત્રણેય પ્રકારની તંદુરસ્તી સફળતામાં પણ મદદરૂપ થતી હોય છે.
વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન આપનારા મહાનુભાવોનો કાર્યક્રમ ઇસ્કોન ક્લબ અને રિસોર્ટ ખાતે યોજાયો હતો.જેમાં ભાવનગર શહેરના મેયર કીર્તિબેન દાણીધારીયાએ જણાવ્યું કે,ભાવનગર એ અવિકસીત અને છેવાડાનું જ છે તેવું નથી. હાલમાં ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા બિરદાવવાના કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે હું બાળપણથી જ સૌરાષ્ટ્ર સમાચાર વાંચીને મેયર પદ સુધી પહોંચી છું મારી કારકિર્દીમાં સૌરાષ્ટ્ર સમાચારનો ફાળો વિશેષ છે. અને આ સમાજલક્ષી કાર્યમાં મારો રાજીપો છે.
દિવ્ય ભાસ્કરના સીઓઓ સંજીવ ચૌહાણે જણાવ્યું કે, વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી વધુ વંચાતા અખબાર તરીકે અમને ગૌરવ છે અને બદલાવ સાથે જોડાઈને અમે સતત ડિઝિટલ આવૃત્તિમાં આગળ વધી રહ્યા છીએ. વર્ષમાં દિવ્યભાસ્કરે દસ લાખ ડિઝિટલ રીડર્સ વધારીને વિક્રમ પણ બનાવ્યો છે. હેડલાઇન્સ, પોઝીટીવ સોમવાર જેવા પ્રયોગો પણ સફળ રહ્યા છે.
સૌરાષ્ટ્ર સમાચારના એકઝીકયુટીવ એડિટર તારકભાઇ શાહે જણાવ્યું હતું કે, ભાવનગરનો આગામી 10 વર્ષમાં નહીં,પરંતુ 5 વર્ષમાં જ વિકાસ દેખાશે અને અત્રે જેમનું સન્માન થયું છે તેઓ પણ ભાવનગરના વિકાસમાં જરૂર ઉપયોગી બનશે. સમાચારમાં છેવાડાના માણસ સુધીની વેદના રજૂ થાય તેવા પ્રતાપકાકાના સિદ્ધાંતને અમે આજે પણ વળગી રહ્યા છીએ. તેમણે સૌરાષ્ટ્રના આઇકોનોને તેમના કર્મચારીઓની નિષ્ઠામાં વધારો કરવા માટે તેમને તેમનામાં માલીકી ભાવ ઉભો કરવા અનુરોધ કર્યો હતો.
જાણીતા હાસ્ય કલાકાર અને અમદાવાદ મ્યુ.કોર્પોરેશનના કોર્પોરેટર ડૉ.રણજીત વાંકે પોતાની સંસ્કારલક્ષી અને સાહિત્યિક રમૂજભરી વાતોથી સૌને હળવાફૂલ કરી દીધા હતા. ચેમ્બર પ્રમુખ કિરીટભાઈ સોની સહિતના ઉપસ્થિત રહ્યા હતા.વિવિધ ક્ષેત્રના મહાનુભાવોના અભિવાદન બાદ કાર્યક્રમના અંતમાં આભારવિધિ યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પુનિત પુરોહિત દ્વારા કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.