તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેવી કરુણતા:4, 6, 22, 30, 35 અને 40...તારાપુર અકસ્માતમાં મૃત્યુ પામેલા એક જ પરિવારના સભ્યોની આ ઉંમર છે, હવે 75 વર્ષના દાદા જ બચ્યા, પરિવારનો માળો વિખાયો

ભાવનગર3 મહિનો પહેલાલેખક: મહેશ ડાભી
75 વર્ષીય વૃદ્ધને સાંત્વના આપતાં ગ્રામજનો
  • લગ્નપ્રસંગમાં હાજરી આપી જલગાંવથી નીકળેલો પરિવાર વરતેજ આવી રહ્યો હતો
  • તારાપુર પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થયો હતો
  • પરિવારના 6 સભ્યોનાં કરુણ મોતથી 75 વર્ષીય મોભી પર આભ તૂટી પડ્યું

ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર જલગાવમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. લગ્ન પ્રસંગ માણીને પરિવાર વરતેજ પરત ફરી રહ્યો હતો ત્યારે તારાપુર નજીકના ઇન્દ્રણજ પાસે ટ્રક સાથે ઇકો કારનો અકસ્માત થતાં અજમેરી પરિવારના 6 સભ્યો સહિત 9 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ અકસ્માતની એવી કરુણતા છે કે જે ઘરમાં હરહંમેશ બાળકોની કિલોલ્લ અને પરિવારજનોની હસી ગુંજતી હતી આજે એ પરિવારના મોભી સાથે બે પળ વિતાવવાવાળું પણ કોઇ બચ્યું નથી. આ અકસ્માતમાં મૃત્યુ પામેલાંમાં બે તો નાનાં બાળકો છે અને બાકીના 22થી 40 વર્ષના છે. હવે પરિવારના 75 વર્ષના દાદા સિવાય કોઇ જીવિત રહ્યું નથી. વહેલી સવારની અમુક ક્ષણોમાં પિંજારા અજમેરી પરિવારનો માળો વિખાઈ ગયો.

વૃદ્ધની ઘડપણની લાકડી બને એવું પરિવારમાંથી કોઇ ન બચ્યું
આણંદ તારાપુર હાઇવે પર ઇન્દ્રણજ નજીક વહેલા પરોઢિયે કાળ બનીને આવેલા ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 06 સભ્યો, પતિ-પત્ની અને પુત્રી, સાળો તેમના પત્ની અને પુત્ર સહિત અન્ય ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે એક જ પરિવારના 06 સભ્યો મોતને ભેટતાં તેમના પરિવારમાં હવે માત્ર એક જ 75 વર્ષીય વૃદ્ધ જ બચ્યાં છે. ભાવનગરમાં હવે વૃદ્ધની ઘડપણની લાકડી બને એવું પરિવારમાંથી કોઇ બચ્યું નથી.

અજમેરી પરિવારના 06 લોકો સહિત અન્ય ત્રણ લોકોના મોત
આ દુ:ખદ ઘટના અંગે મહામંત્રી ગુજરાત પ્રદેશ લઘુમતી મોર્ચાના નાહીનભાઈ કાઝીએ જણાવ્યું હતું કે, સવારે પરોઢીયે અમને સમાચાર મળ્યાં કે, તારાપુર પાસે એક ઇકો ગાડીનો અકસ્માત થયો છે. જેમાં જણાવવામાં આવ્યું કે મુસ્લિમ-અજમેરી પરિવારના સભ્યોના મોત થયાં છે. જેથી અમે અજમેરી પરિવારવા ભાઇઓને ફોન કર્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે, આધમજીનગરના અજમેરી પરિવારના 06 લોકો છે અને અન્ય ત્રણ લોકો છે. જેથી અમે આ પરિવાર પાસે આવ્યાં ત્યારે અમને જાણવા મળ્યું કે તે લોકો લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જલગાવ ગયાં હતાં અને ત્યાંથી ભાવનગર પરત ફરતાં તેમને તારાપુર નજીક કાળ ભરખી ગયો છે. આ પરિવારમાં હવે એક જ 75 વર્ષીય દાદા રહ્યાં છે. આ દાદા સાથે હવે ભાવનગરમાં ઘડપણની લાકડી બને એવું કોઇ નથી. આ ગમગીન ઘટના કાળજુ કંપાવી દે તેવી છે.

કાળરૂપી ટ્ર્ક પરિવારને ભરખી ગયો
આ અંગે અજમેરી સમાજનાના પ્રમુખ અબ્દુલભાઈ અજમેરીએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે તારાપુર નજીક જે ગોજારો અકસ્માત થયો તેમાં અજમેરી સમાજના 06 સભ્યોના કરૂણ મોત થયાં છે. જેમના નામ છે. અલ્તાફભાઇ મહોમદભાઇ, અનિષાબેન અલ્તાફભાઇ, તેમની પુત્રી મુસ્કાન, તેમના સાળા સિરાજભાઇ જમાલભાઇ, તેમના પત્ની મુમતાજ સિરાજભાઇ અને તેમનો પુત્ર રેહીજ સિરાજભાઇ આ તમામના સવારે ઇકો ગાડીને અકસ્માત નડતા મૃત્યું પામ્યાં છે. આ પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપીને જલગાવથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમને કાળ ભરખી ગયો.

વહેલી સવારે થયેલાં અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો
વહેલી સવારે થયેલાં અકસ્માતમાં નવ લોકોએ જીવ ગુમાવ્યો

અકસ્માતમાં 9 વ્યક્તિનાં મોત
તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે અહીં ટ્રાફિકજામ થયો છે. ઘટનાસ્થળે 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ પહોંચી છે તેમજ તારાપુર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરી તેમનાં પરિવારજનોને જાણ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્ત્વનું છે કે ઇકો ગાડી ટ્રક નીચે ઘૂસી જતાં ગાડીમાં સવાર તમામ લોકોનાં મોત થયા છે.

અન્ય સમાચારો પણ છે...