જાહેર પરિવહનમાં મીંડુ:60માંથી માત્ર 4 સિટી બસ સેવામાં શહેરના 97% વિસ્તારમાં સેવા બંધ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટીન... ટીન... સિટી બસની અ-સુવિધા
  • જયાં દર દસ મિનિટે બસ મળતી ત્યાં હવે એક પણ બસ નહીં
  • મધ્યમ અને ગરીબ પરિવારના લોકોએ ન છૂટકે રીક્ષાના મોંઘા ભાડા ખરચવા પડે છે

ભાવનગરની જનતાને સસ્તી અને સારી સુવિધા પુરી પાડતી વીટકોસ સીટી બસની સુવિધા એક સમયે લગભગ તમામ રૂટ પર ઉપલબ્ધ હતી પણ હવે 98 ટકા વિસ્તારમાં સિટી બસ બંધ થઈ ગઈ છે અને 60 બસો દોડતી હતી જયારે હવે માત્ર બે રૂટ પર ચાર બસો જ દોડી રહી છે. આથી શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને ના છૂટકે રીક્ષાના મોંઘા ભાડા ખરચવા પડે છે.

ભાવનગરમાં વધતી જતી રીક્ષાઓ,લોકો પોતાના વાહનોનો જ ઉપયોગ કરતા થતા સીટી બસમાં મુસાફરોની સંખ્યા ઘટતી ગઇ અને જેના કારણે બસના સંચાલકોને ખર્ચ સહીતની સમસ્યા ઉભી થતા બસ સુવિધા ઘટાડવાની ફરજ પડી.

એક સમયે વીટકોસ દ્વારા શહેરનો કોઇ વિસ્તાર બાકી નહીં હોય કે જયા બસની સુવિધા નહી હોય જેમ કે સીદસર રૂટ પર 10,વાળુકડ રૂટ પર 10,નારી રૂટ પર 10,બુધેલ રૂટ પર 10,ભરતનગર રૂટ પર 14 રૂટ મળીને દર દસ-પંદર મિનિટના અંદરે સીટી બસની સુવિધા મળતી હતી.

હવે શહેરમાં માત્ર ભરતનગર રૂટ એવો છે કે જયાં ભરતનગર રૂટ નં.3 પર બે અને ભરતનગર રૂટ નં.4 પર બે મળીને માત્ર ચાર બસો જ શરૂ છે. શહેરમાં બંસી ટ્રાવેલ્સે સંચાલન સંભાળી લીધા બાદ બસ સુવિધા એકદમ ઘટી ગઇ અને લોકોને રીક્ષા કે અન્ય વાહનમાં મુસાફરી કરવી પડી રહી છે.

હોસ્પિટલ-રેલવે સ્ટેશનને સાંકળતી સુવિધા જ નથી
શહેરના દુર દુરના વિસ્તારોના લોકોને હોસ્પિટલ જવું હોય કે રેલવે સ્ટેશન પણ સીટી બસની સગવડતા દુર્લભ છે.બસની કોઇ સુવિધા નહીં હોવાથી રીક્ષા ચાલકો માંગે તેટલુ ભાડુ ખર્ચીને લોકો પહોંચી શકે છે.જો હોસ્પિટલ,એસ.ટી. અને રેલવે સ્ટેશન જેવી આવશ્યક સ્થળોને સાંકળીને સીટી બસ શરૂ કરાય તો ઓછા ભાડાથી મુસાફરો લાભ લઇ શકે.જો કે સીટી બસ સંચાલકના જણાવ્યા મુજબ આવશ્યક સ્થળોએ સાંકળતી અગાઉ બસ સુવિધા શરૂ કરાઇ હતી પરંતુ મુસાફરોના અભાવે આ બસ સુવિધા બંધ કરવી પડી હતી.

તપાસ કરાવી સુવિધા વધારવા સુચના અપાશે
સીટી બસ સુવિધા સમગ્ર શહેર માટેની છે. જો બસના રૂટ ઘટાડાયા હોય તો કોન્ટ્રાક્ટ તપાસી જેમ બને તેમ સુવિધા વધારવા સુચના અપાશે. અન્ય વિસ્તારમાં પણ શરૂ કરાવી લોકોને સુવિધા અપાશે. - કીર્તિબેન દાણીધારીયા, મેયર

મુસાફરો ઘટતા આર્થિક નુકશાન થતા સુવિધા ઘટાડવી પડી
એક સમય હતો અમારી શહેરમાં 60 બસો દોડતી હતી પણ પેટ્રોલ,ડિઝલ,સીએનજીના ભાવો વધતા ધીમે ધીમે આર્થિક ભારણ વધતા અને કોરોનાને કારણે ભારે નુકશાન સહન કરવું પડયું અને સુવિધા ઘટાડવી પડી.લોકો પોતાના વાહનમાં મુસાફરી કરતા વધુ થયા સાથે સ્કુલ બસો પણ વધી ગઇ એટલે વિદ્યાર્થીઓ બસ બસનો લાભ લેતા બંધ થયા.સીએમ બસ યોજના આખા ગુજરાતમાં છે જેમાં સરકાર એક કિ.મી.એ રૂ.25 બસ ઓપરેટરોને ચુકવે છે.

જેમાં સરકારના રૂ.12-50 અને કોર્પોરેશનના રૂ.12-50 હોય છે પણ આ સહાય વીટકોસને મળતી નથી જો ભાવનગરમાં પણ સીએમ યોજના હેઠળ બસ ઓપરેટરને એક કિ.મી દીઠ રૂ.25 ચુકવાય તો શહેરમાં ફરી બધા રૂટ પર બસ સેવા શરૂ કરવા તૈયાર છીએ. - હરેશ ડોડીયા, સંચાલક, બંસી ટ્રાવેલ્સ (વીટકોસ) સીટી બસ, ભાવનગર​​​​​​​

અન્ય સમાચારો પણ છે...