સમસ્યા:75,000 કરદાતાઓ વાળા ભાવનગર I-Tમાં 10 રેન્જની વચ્ચે માત્ર 2 ITO !

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોઇન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનરની જગ્યાઓ ઇન્ચાર્જથી ચલાવાય છે
  • ભાવનગરના કરદાતાઓને અમદાવાદ સુધીના થઇ રહેલા ધક્કા

દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના આગમન બાદ ધીમી છતા મક્કમ ગતિએ આવકવેરા વિભાગનું મહત્વ ક્ષિણ થતુ જાય છે. ભાવનગરની આવકવેરા રેન્જમાં 10 વોર્ડની વચ્ચે માત્ર 2 આવકવેરા અધિકારીઓથી રગશીયું ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે.ભાવનગર આવકવેરા રેન્જ તળે ભાવનગર અને બોટાદ એમ 2 જિલ્લા, 15 તાલુકાની 30 લાખ જનતાનો સમાવેશ થાય છે. ભાવનગર આવકવેરા વિભાગમાં 10 વોર્ડનો સમાવેશ થાય છે, અને આ 10 રેન્જની વચ્ચે 75,000 કરદાતા, આવકવેરા રિટર્ન ફાઇલ કરતા લોકો સમાવિષ્ઠ છે. ભાવનગર રેન્જનું વાર્ષિક ટેક્સ કલેકશન સરેરાશ 175 કરોડનું છે.

ઉપરાંત ભાવનગરમાં ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સ કન્સલટન્ટ મળીને 300થી વધુ લોકો પ્રેક્ટિસ કરી રહ્યા છે.ભાવનગર આવકવેરા રેન્જમાં 10 વોર્ડ સામેલ છે અને તેમાં અનેક કામગીરીનો સમાવેશ થાય છે. આ 10 વોર્ડની વચ્ચે હાલ માત્ર 2 આઇટીઓ મોજુદ છે, બાકીની તમામ જગ્યા ઇન્ચાર્જથી ચલવવામાં આવી રહી છે. ઉપરાંત ભાવનગર આવકવેરા રેન્જમાં એડિશનલ, જોઇન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર, ડીડી-એડીઆઇટીની જગ્યાઓ ખાલી છે અને તેનો ચાર્જ અમદાવાદમાં ફરજ બજાવી રહેલા અધિકારીઓને વધારાનો આપવામાં આવ્યો છે. ઉપરાંત ટીડીએસના આઇટીઓની જગ્યા પણ લાંબા સમયથી ખાલી છે.

આવકવેરા રિટર્ન ફાઇલિંગ, એસેસમેન્ટ જેવા કાર્યો ફેસલેસ બનાવવામાં આવ્યા છે. પરંતુ સુધારાઓ માટે, રીકવરી પ્રકક્રિયાઓ માટે, ડીમાન્ડ સ્ટે એપ્લિકેશન, સમન્સની સુનાવણી, રેફરન્સ એપ્લિકેશન સહિતના અનેક કામ માટે કરદાતાઓ અને કરનિષ્ણાંતોએ સ્થાનિક આવકવેરા કચેરીનો સંપર્ક કરવો પડે છે. આવા દરેક કામ માટે કરદાતા, કરનિષ્ણાંતોને અમદાવાદ સુધીના ધક્કા ખાવા પડે છે અથવા લાંબા સમય સુધી કામગીરી પડતર રહે તેનો સામનો કરવો પડે છે.

કરદાતા, કરનિષ્ણાંતોને વ્યાપક મુશ્કેલી
ભાવનગર આવકવેરા રેન્જમાં મુખ્ય ઉચ્ચ અધિકારીઓની બદલી થઇ ગયા બાદ નિયમીત અધિકારીઓ મુકવામાં આવ્યા નથી પરિણામે ઇન્ચાર્જથી કામગીરી ચલાવવામાં આવે છે. તેના કારણે ભાવનગરના કરદાતાઓ, કરનિષ્ણાંતોને અમદાવાદ સુધી કામગીરી માટે જવું પડે છે. - ભરતભાઇ શેઠ, IPP, અોલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલટન્ટ

અન્ય સમાચારો પણ છે...