વિશેષ:ડુંગળીના વાવેતરમાં આ વર્ષે થયેલો બમણો વધારો

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષે ડિસે.ની મધ્યે ડુંગળીનું વાવેતર 16,600 હેકટર થયેલું તે આ વર્ષે વધીને 32,900 હેકટર થયું
  • રાજ્યમાં ડુંગળીના વાવતેરમાં ભાવનગરનો 44 ટકા હિસ્સો

ભાવનગર જિલ્લામાં આ વર્ષે રવિ પાકના વાવેતરમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થઇ રહી છે. પંથકમાં હવે ઠંડી પણ વધવા લાગી છે ત્યારે આ સપ્તાહે વાવેતર વધીને 1,24,200 હેકટર થઇ ગયું છે. ગત વર્ષે આ સમયગાળામાં જિલ્લામાં વાવેતર 78,200 હેકટર થયું હતુ એટલે કે ગત વર્ષેની તુલનામાં આ વર્ષે શિયાળુ વાવેતરમાં 46,000 હેકટરનો વધારો થયો છે. આ વર્ષે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીનું વાવેતર પણ વધ્યું છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડુંગળીના પાકના હબ ગણાતા ભાવનગરમાં વાવેતરમાં બમણો વધારો થયો છે.

ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં ડુંગળીનું મહુવા, તળાજા જેવા મુખ્ય મથકો સહિત કુલ વાવેતર16,600 હેકટરમાં થયું હતુ તે આ વર્ષે 16,300 હેકટર વધીને 32,900 હેકટર થઇ ગયું છે. ટકાવારીની દ્રષ્ટિએ ગત વર્ષની તુલનામાં જિલ્લામાં વાવેતરમાં બમણો વધારો થયો છે. ભાવનગર જિલ્લામાં આ વર્ષે વાવેતર નવેમ્બરના મધ્યભાગ બાદ વધી રહ્યું છે. ગત સપ્તાહના અંતે જિલ્લામાં શિયાળુ વાવેતર 73,400 હેકટર થયું હતુ તે આ સપ્તાહે વધીને 1,24,200 હેકટર થઇ ગયું છે. એક સપ્તાહમાં વાવેતરમાં 50,800 હેકટરનો વધારો થયો છે. આ વર્ધો વાવેતરમાં ઘઉં ઉપરાંત ચણા અને ડુંગળીનું વાવેતર મુખ્ય છે. આ ઉપરાંત ઘાસચારાનું વાવેતર પણ 29,900 હેકટર થયું છે.

ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં મુખ્ય મથક ગણાય છે. જિલ્લામાં મહુવા અને તળાજા બે મુખ્ય મથક છે. આ વર્ષે રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 75,000 હેકટર થયું છે. તેમાં એકલા ભાવનગર જિલ્લામાં ડુંગળીનું વાવેતર 32,900 હેકટર થતા સમગ્ર રાજ્યમાં ડુંગીળીના વાવેતરમાં ગોહિલવાડ પંથકનો હિસ્સો 43.87 ટકા રહ્યો છે.આમ ભાવનગર િજલ્લામાં આ વર્ષે પાણીની સારી સ્થિતિ જળાશયોમાં હોય તેમજ કડકડી ઠંડીની પણ શરૂઆત થઈ હોય રવિપાકના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે.

ડુંગળીના રાજ્યના વાવેતર માં સૌરાષ્ટ્રનો હિસ્સો 97.2%
ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરના મધ્ય ભાગ સુધીમાં ડુંગળીનું કુલ વાવેતર 75,000 હેકટરમાં થયું છે. તેમાં એકલા સૌરાષ્ટ્રમાં ડુંગળીનું વાવેતર 72,900 હેકટરમાં થયું છે. એટલે કે ડુંગળીના રાજ્યના વાવેતરમાં સૌરાષ્ટ્રનો હિસ્સો 97.2 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...