તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:ઉમરાળામાં એક ઇંચ, ઘોઘા અને પાલિતાણામાં પોણો ઇંચ વરસાદ

ભાવનગર 3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં અડધાથી એક ઇંચ ખંડવર્ષા
  • સિહોર, વલ્લભીપુર, તળાજા, ગારિયાધારમાં ઝાપટા વરસ્યા

ભાવનગર જિલ્લામાં ગઇ કાલ એક દિવસના વિરામને બાદ કરતા આજે જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. આજે ઉમરાળામાં એક ઇંચ, પાલિતાણા અને ઘોઘામાં પોણો ઇંચ, ભાવનગર શહેરમાં પૂર્વના કેટલાક વિસ્તારોમાં એક ઇંચ તો પશ્ચિમના વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાથી લઇને અડધો ઇંચ વરસાદ વરસી ગયો હતો.

ભાવનગર શહેરમાં આજે પશ્ચિમના એરપોર્ટ રોડ સહિતના વિસ્તારોમાં એકાદ ઇંચ સુધીનો વરસાદ ગાજવીજ સાથે વરસી ગયો હતો. હવામાન વિભાગની એરપોર્ટ ખાતેની કચેરીમાં સાંજ સુધીમાં 23 મી.મી. વરસાદ નોંધાયો હતો. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હળવા-ભારે ઝાપટાથી લઇને અડધા ઇંચ જેટલો વરસાદ ગાજવીજ સાથે વરસી ગયો હતો. સત્તાવાર રીતે શહેરમાં 7 મી.મી. વરસાદ નોંધાતા શહેરમાં આજ સુધીનો કુલ વરસાદ 147 મી.મી. વરસી ગયો છે.

આજે મેઘરાજા ઉમરાળા પર મહેરબાન થઇ વરસ્યા હતા. આજે ઉમરાળા અને આજુબાજુના વિસ્તારોમાં એક ઇંચ વરસાદ વરસી જતા ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા હતા. વાવણી કાર્ય હવે આગળ ધપી રહ્યું છે. ત્યારે આ વરસાદથી હર્ષની લાગણી છવાઇ ગઇ છે. ઉમરાળામાં આજે 25 મી.મી. વરસાદ વરસી ગયો હતો.

તો ઘોઘા અને પાલિતાણામાં પણ આજે 19 મી.મી. એટલે કે લગભગ પોણો ઇંચ વરસાદ વરસી જતા આ સમયસરના વરસાદથી સૌ કોઇમાં આનંદની લાગણી છવાઇ છે. તો સિહોરમાં 8 મી.મી., વલ્લભીપુરમાં 11 મી.મી. અને ગારિયાધારમાં 4 મી.મી. અને તળાજામાં 1 મી.મી. વરસાદ વરસી ગયો હતો. ધોળામાં પણ બફારા બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મહુવામાં નિકોલ-માલણ બંધારા ઓવરફ્લો થશે
મહુવા પાસેના ભાદ્રોડ અને વાઘનગર પાસેની માલણ,ભાદ્રોડી અને ખળખડીયો નદીમાં ઉપરવાસમાં વરસાદ પડતાં ભારે પાણી આવેલ છે. નદીઓ બે કાંઠે વહેતી થતા નિકોલ અને માલણ બંધારા સવાર સુધીમાં ઓવરફલો થવાની શકયતા જોવાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...