ધીમી ધારે વરસાદ:પાલિતાણામાં એક ઇંચ, જિલ્લામાં સિઝનનો કુલ વરસાદ 184 મી.મી.

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સિહોર, વલ્લભીપુર, ઘોઘા અને ગારિયાધારમાં ઝરમર વર્ષા
  • તળાજા, મહુવા, ઉમરાળા અને જેસરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો, ભાવનગરમાં ઝાપટા

ભાવનગર શહેર અને જિલ્લામાં સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે ગોહિલવાડ પંથકમાં આજે ઝરમર વરસાદથી લઇને એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.ફ જેમાં પાલિતાણામાં એક ઇંચ, તળાજા, મહુવા, ઉમરાળા અને જેસરમાં અડધો ઇંચ વરસાદ વરસી ગયો જ્યારે ભાવનગરમાં ઝાપટા પડ્યા તો સિહોર, વલ્લભીપુર, ઘોઘા અને ગારીયાધારમાં ઝરમર વર્ષા વરસી હતી. ભાવનગર જિલ્લામાં આજ સાંજ સુધીમાં સિઝનનો કુલ વરસાદ 184 મી.મી. થયો છે.

જે ચોમાસાના કુલ વરસાદ 617 મી.મી.ના 30.08 ટકા થાય છે. ભાવનગર શહેરમાં આજે પણ બપોરના સમયે એકાદ બે જોરદાર ઝાપટા વરસ્યા બાદ વાદળો વરસવાના બંધ થઇ ગયા હતા. શહેરમાં સતત ઝરમર વરસાદથી કાદવકીચડ ફેલાઇ ગયો છે. નગરજનો આ કાદવીયા વાતાવરણથી પરેશાન થઇ ગયા છે અને અષાઢી ધારાએ એકાદ ધોધમાર વરસાદની આશામાં છે.

ભાવનગર શહેરમાં આજે સાંજ સુધીમાં 11 મી.મી. વરસાદ નોંધાયો હતો. જેથી સિઝનનો કુલ વરસાદ 240 મી.મી. થયો છે. મહુવા શહેર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી સરાસરી એક ઇંચ જેટલો વરસાદ પડી રહ્યોં છે. આજે સાંજના 6 કલાક સુધીમાં મહુવાનો વરસાદ 58.42 ટકાએ પહોચેલ છે. મહુવામાં ગઇ કાલ સુધીમાં 348 મી.મી. વરસાદ પડેલ. આજે 30 મી.મી. વરસાદ પડતા મોસમનો કુલ વરસાદ 378 મી.મી. (15 ઇંચ) થવા જાય છે.

મહુવાનો 30 વર્ષનો સરાસરી વરસાદ 647 મી.મી. હોય અને હાલ 378 મી.મી. વરસાદ પડી ચુક્યો હોય મહુવાનો વરસાદ 58.42 ટકાએ પહોચેલ છે. જો કે મહુવા શહેર અને તાલુકામાં એકંદરે સારો વરસાદ પડતા ઘરતીપુત્રો વાવણીનું કાર્ય પૂર્ણ કરેલ છે. મેઘરાજાએ મહેર વરસાવી રહ્યાં હોય ઘરતીપુત્રો ખુશખુશાલ છે.

પાલિતાણામાં આજે મેઘરાજા મહેરબાન થઇને વરસ્યા હતા. આજે શહેરમાં 24 મી.મી. વરસાદ વરસી જતા સિઝનનો કુલ વરસાદ 163 મી.મી. થયો છે. તળાજામાં આજે 15 મી.મી., ઉમરાળામાં 13 મી.મી., જેસરમાં 12 મી.મી., સિહોરમાં 11 મી.મી., વલ્લભીપુરમાં 9 મી.મી., ઘોઘામાં 8 મી.મી. અને ગારિયાધારમાં 6 મી.મી. વરસાદ નોંધાયો હતો.

માલણ હજી બે કાંઠે વહેતી થઇ નથી
મહુવા શહેર અને તાલુકામાં વરસાદ 58.42 ટકાએ પહોચેલ છે. પરંતું ઉપરવાસ ઓછો વરસાદ પડતા ડેમ/બંધારા પૈકી માત્ર બગડ ડેમ પહેલા વરસાદે ઓવરફ્લો થયેલ છે બાકીના ડેમ ઓવરફ્લો હજી સુધી ન થતા મહુવાની ત્રણેય બાજુ વિટાયેલી અને વહેતી માલણ નદી હજુ વહેતી થઇ નથી.

અન્ય સમાચારો પણ છે...