આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાના આજે અંતિમ દિવસે તમામ રાજકીય પક્ષો અને અપક્ષના ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. સંબંધિત કચેરીઓ બહાર પણ આગેવાનોના ખડકલા થયા હતા. રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારનું નામાંકન પત્ર ભરતા પહેલા સભાઓ યોજી વિશાળ જનમેદની સાથે રેલીઓ કાઢી હતી.
જે દરમિયાન ઘણીવાર જુદા જુદા રાજકીય પક્ષોની રેલીઓ આમને સામને પણ થઈ ગઈ હતી. ભાવનગર જિલ્લાની સાત વિધાનસભાની તમામ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો દ્વારા જ્યારે ઘણી બેઠકો પર બસપા, સીપીએમ, વીપીપી અને અપક્ષના ઉમેદવારો એ પણ ઝંપ લાવ્યું છે.ભાવનગર પશ્ચિમ વિસ્તારના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા શહેર ભાજપ કાર્યાલય નજીકથી રેલી કાઢી નીકળતા ભાજપના કાર્યકરો દ્વારા મોદી મોદીના નારા લગાવ્યા હતા જ્યારે સામા પક્ષે આપ દ્વારા પણ કેજરીવાલના સૂત્રોચાર કર્યા હતા.
જેથી થોડીવાર માટે વાતાવરણ પણ તંગ બન્યું હતું. ભાજપ દ્વારા ભાવનગર પૂર્વ અને મહુવા વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી પૂર્વ ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખના પત્નીને ટિકિટ આપતા સ્થાનિક ભાજપના કાર્યકરોમાં નારાજગી ફેલાઈ હતી અને મહુવામાં તો ભાજપના હોદ્દેદારો ચૂંટાયેલા સભ્યો દ્વારા રાજીનામા સુધી પણ તૈયારી દેખાડી હતી જેથી ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોને બદલવાની વાત વહેતી થઈ હતી પરંતુ ભાજપ દ્વારા નિયત કરાયેલા ઉમેદવારો દ્વારા જ આજે નામાંકન પત્ર ભરવામાં આવ્યા હતા.
પૂર્વમાં ભાજપ પ્રમુખ પત્ની સહિતનાની ઉમેદવારી
ભાવનગર પૂર્વ વિધાનસભા બેઠક પર ભાવનગર શહેર ભાજપ પ્રમુખના પત્ની સેજલબેન રાજીવભાઈ પંડ્યાએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી છે જ્યારે આ જ બેઠક પર કોંગ્રેસમાંથી બળદેવભાઈ સોલંકી અને આમ આદમી પાર્ટીમાંથી હમીરભાઇ રાઠોડએ નામાંકન પત્ર ભર્યા હતા.
પરસોતમ સોલંકીની સતત છઠ્ઠી વખત ઉમેદવારી
ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર કોળી સમાજના નેતા પરસોતમભાઈ સોલંકીએ આજે ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. તેઓ વર્ષ 1998 થી ભાજપના ઉમેદવાર તરીકે આવે છે. પાંચ ટર્મથી સતત ચુંટાયા બાદ આ વખતે છઠ્ઠી વખત નામાંકન પત્ર ભર્યું છે. તદુપરાંત આ બેઠક પર કોંગ્રેસમાંથી રેવતસિંહ ગોહિલ અને આમ આદમી પાર્ટીમાંથી ખુમાનસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી છે.
પશ્ચિમમાં પાટીદાર, ક્ષત્રિય અને કોળી વચ્ચે જંગ
ભાવનગર પશ્ચિમ વિધાનસભા બેઠક પર બે દિવસ પૂર્વે કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે આજે પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસમાંથી કે.કે.ગોહિલ અને આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવી છે. જેથી આ બેઠક પર પાટીદાર, ક્ષત્રિય અને કોળી સમાજના ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે.
તળાજામાં ભાજપ કોંગ્રેસના રીપીટરે ફોર્મ ભર્યા
તળાજા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે ઉમેદવારોને રીપીટ કર્યા છે. કોંગ્રેસ દ્વારા સીટિંગ ધારાસભ્ય કનુભાઈ બારૈયા જ્યારે ભાજપ દ્વારા ગૌતમભાઈ ચૌહાણને ટિકિટ આપતા આજે ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી લાલુબેન ચૌહાણે ફોર્મ ભર્યું હતું.
મહુવામાં પૂર્વ ધારાસભ્યએ ફોર્મ ભર્યું
મહુવા વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય શીવાભાઈ ગોહિલને ભાજપ દ્વારા ટિકિટ આપતા આજે ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે ત્રણ દિવસ પૂર્વે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાં લાંબા સમયથી જોડાયેલા કનુભાઈ કળસરિયાએ ફોર્મ ભર્યું હતું. તેમજ આપના અશોક જોળીયાએ નામાંકન પત્ર ભર્યું હતું.
પાલિતાણામાં ભાજપ કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યા
પાલીતાણા વિધાનસભા બેઠક પરથી ભાજપમાંથી સીટીંગ ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા અને કોંગ્રેસમાંથી પ્રવીણભાઈ રાઠોડે ઉમેદવારી પત્ર ભર્યા હતા. જ્યારે સામાન્ય પાર્ટીમાંથી ઝેડ.પી.ખેનીએ ફોર્મ ભર્યું હતું. પાલીતાણા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો કોળી સમાજના છે.
ગારિયાધારમાં ધારાસભ્ય સામે યંગ ઉમેદવાર
ગારીયાધાર વિધાનસભા બેઠક પર સિનિયર અને સીટીંગ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી જ્યારે કોંગ્રેસમાંથી દિવ્યેશ ચાવડા અને આમ આદમી પાર્ટીમાંથી સુધીર વાઘાણીએ નામાંકન પત્રો ભર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.