તંત્ર આમને-સામને:આચાર્યની બદલીના મુદ્દે સાયન્સ કોલેજના પ્રોફેસરો અને એમકેબી યુનિ. આમને સામને

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાયન્સ કોલેજના પ્રિ. સુતરીયાની બદલી સામે પ્રોફેસરોની રજૂઆત
  • બદલીએ વહીવટી પ્રક્રિયા છે અને સાયન્સ કોલેજમાં ટ્યૂશન પ્રકરણમાં તપાસ કમિટિ સરકારે રચી છે : કુલપતિ

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલપદેથી જી.એમ. સુતરીયાની બદલી કરી પ્રો.જે.એસ.શર્માની નિયુક્તિ કરવામાં આવતા સાયન્સ કોલેજના 23 પૈકી 17 જેટલા અધ્યાપકોએ આ મામલે શિક્ષણમંત્રી, કુલપતિ અને કુલસચિવને રજૂઆત કરી આચાર્યની બદલી અંગે પુન: વિચારણા કરવા તેમજ સ્છચ્છ પ્રતિભાવાળી વ્યક્તિને આચાર્યપદે મુકવા રજૂઆત કરી છે.

આ અંગે જી.એમ.સુતરીયાએ જણાવ્યું હતુ કે મેં ગત જાન્યુઆરી,2020માં આ પદ સંભાળ્યું અને ત્યારથી કોલેજમાં કોઇ પ્રશ્નો ઉભા થયા નથી. પણ હવે મને કોઇ પણ જાતના વિશ્વાસમાં લીધા વગર એકાએક ગત ગુરૂવારે મારા સ્થાને જે.એસ.શર્માને ઇન્ચાર્જ તરીકે નિમવામાં આવતા ખાસ તો સાયન્સ કોલેજના હું અને પ્રો. શર્માને બાદ કરતા 23 પ્રોફેસર પૈકી 17 પ્રોફેસરોએ આ બદલી સામે રજૂઆત કરી છે. હાલ પારદર્શક વહીવટ છે તેમજ હાલ જે વ્યવસ્થા છે તે બરાબર છે અથવા તો બદલવા હોય તો સ્વચ્છ પ્રતિભાવંતને આ પદે બેસાડવા રજૂઆત કરી છે.

દરમિયાનમાં આ પ્રકરણે અંગે કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે કોલેજના આચાર્યની બદલી એ એક વહીવટી પ્રક્રિયા છે. કોઇ પક્ષાપક્ષી નથી. વળી સાયન્સ કોલેજમાં પ્રોફેસરો સામે ખાનગી ટ્યૂશન કરતા હોય અને આ મુદ્દે લેખિતમાં છેક સરકાર સુધી રજૂઆત થઇ છે તેમજ સરકારે આ સમગ્ર મામલે કમિટિનું ગઠન પણ કર્યું છે ત્યારે હવે પગલાં ન લઇએ તો અમારી ઉપર પક્ષાપક્ષીનો આક્ષેપ થઇ શકે તેમ છે.

ઇ.સી.માં પણ સાયન્સ કોલેજના પ્રોફેસરો ખાનગી સંસ્થામાં ટ્યૂશન કરતા હોવાની ફરિયાદ આવ્યા બાદ તપાસ થઇ રહી છે. આમ, આ મામલે હાલ યુનિ.ની ભૂમિકા તટસ્થ છે.આમ સાયન્સ કોલેજમાં આચાર્યની બદલીના મુદ્દે કોલેજના પ્રોફેસરો અને યુનિ. તંત્ર આમને-સામને આવી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...