તમસો મા જ્યોતિર્ગમય:દીપોત્સવીના પર્વે ભાવનગર શહેર આજે રાત્રે રોશનીના વિવિધ રંગી રંગોમાં રંગાશે

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
દિવાળીની આગલી રાત્રે પણ રોશનીથી ભાવેણું ઝગમગી ઉઠ્યું હતું. - Divya Bhaskar
દિવાળીની આગલી રાત્રે પણ રોશનીથી ભાવેણું ઝગમગી ઉઠ્યું હતું.
  • ભાવેણામાં આજે અંધકાર પર પ્રકાશના વિજયના પર્વની ઉજવણી
  • ઘરે-ઘરે દીપકો અને રોશનીના ઝળહળાટથી ગગનને ઉજાસથી ભરી દેશે ભાવેણાવાસીઓ : રાત્રે જામશે ફટાકડા અને આતશબાજીના રંગ

આવતી કાલ ગુરૂવારે દીપોત્સવીનું પ્રકાશ પર્વ ઉજવાશે. ત્યારે રાત્રિના સમયે ચોરતફ ફેલાયેલા અમાસના અંધકારને દુર કરવા લોકો પરંપરા પ્રમાણે દીપકો પ્રજ્વલ્લિત કરશે અને અમાસના અંધકારને બદલે પ્રકારના પુંજ પથરાશે ત્યારે આ તસવીરમાં જે રીતે દીપક પ્રજ્વલ્લિત કરાઇ રહ્યાં રહી છે ત્યારે બૃહદારણ્યકોપનિષદના શ્લોક અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃતોર્મામૃતમ ગમય... યાદ આવે ખાસ તો આવતી કાલ દીપોત્સવના પર્વે તમસો મા જ્યોતિર્ગમય મહાત્મ્ય છે. એટલે કે અજ્ઞાનના અંધારથી જ્ઞાનના ઉજાસ ભણી લઇ જતું આ દીપોત્સવીનું પર્વ છે. આ જ હકારાત્મક વિચારસરણી રહેશે તો અમાસની અંધકારમયી રાત પણ પૂનમ હોય તેવા પ્રકાશથી ઝળહળી ઉઠશે. આમ ગુરૂવારની રાત્રે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં રોશનીથી ઝળહળી ઉઠશે. દિવાળીની આગલી રાત્રે પણ રોશનીથી ભાવેણું ઝગમગી ઉઠ્યું હતું.

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ ‘દીપોત્સવી’ની તા.4 નવેમ્બરને ગુરૂવારે પરંપરાગત ઉમંગ-ઉત્સાહથી ઉજવણી થશે. પ્રકાશપર્વની ઉજવણી માટે સમગ્ર ગોહિ‌લવાડ પંથકમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દિવાળીની અંધકારમય રાત્રે ઘેર-ઘેર દીપકો પ્રગટાવી રોશનીનો ઉજાશ પાથરી દેશે. વિક્રમ સંવત 2077 હવે પૂર્ણતાના આરે છે. આજે કાળી ચૌદશના પર્વની પરંપરાગત રીતે કકળાટ કાઢી, સાધના-મંત્ર-તંત્ર સાથે ઉજવણી કર્યાં બાદ હવે મહાપર્વ દિવાળીની ઉજવણી માટે ભાવનગરવાસીઓમાં અનેરો ઉમંગ-ઉત્સાહ જોવા મળે છે. આસો-વદ-અમાસને તા.4 નવેમ્બર, ગુરૂવારે દિવાળીની ઉજવણી થશે. ગુરૂવારે સાંજથી ખાસ તો શહેરમાં ફટાકડાની ગુંજ શરૂ થશે અને મોડી રાત સુધી રંગદર્શી‍ આતશબાજીના રંગોથી ભાવેણાનું ગગન ઝળહળતું રહેશે.

ગુરૂવારે દિવાળીના મહાપર્વે ઘરે-ઘરે નયનરમ્ય અને કલાત્મક રંગોળી કરી ગૃહ સુશોભન કરાશે. બાદમાં સાંજથી જ આબાલ-વૃધ્ધ સૌ કોઈ ફટાકડા ફોડવામાં લાગી જશે. આ ઉપરાંત દિવાળીના પર્વે લક્ષ્મીપૂજન, ચોપડા પૂજન, દીપ પૂજન અને શારદા પૂજનનું મહાત્મ્ય છે. વેપારી વર્ગ શુભ મુહૂર્તમાં નવા વર્ષના વેપારીમાં શ્રી, યશ, કલા અને કીર્તિ‌ મળી રહે તે માટે શાસ્ત્રોકત રીતે ચોપડાપૂજન કરશે તેમ જયોતિષિ કિશનભાઈ જોષીએ જણાવ્યું છે. શુક્રવારે વિક્રમ સંવત 2078ના નવા વર્ષનો આરંભ થશે. ફુલઝર, દાડમ, લવિંગીયા, ચાંદલિયાથી માંડીને રોકેટ, સુતળી બોમ્બ, 555 બોમ્બ, સાત ધડાકા, 1000 ફટાકાની સર વિ. તેમજ આતશબાજીથી ભાવેણાનું ગગન મોડી રાત સુધી ઝળહળતું રહેશે.

આજે લક્ષ્મી અને ચોપડા પૂજન માટે શ્રેષ્ઠ સમય
ગુરૂવારે દિવાળીના પર્વે ચોપડા પૂજન, લક્ષ્મી પૂજન, શારદા પૂજન કરી શકાય છે. આ ત્રણેય પૂજન માટે શ્રેષ્ઠ સમય આ મુજબ છે. સવારના 6-45થી 8-00 સુધી ( શુભ), સવારે 11-00થી 12-30 સુધી (ચલ ચોઘડીયુ),બપોરે 12-30થી 3-30 વાગ્યા સુધી (લાભ અને અમુત ચોઘડીયું) અને સાંજે 5-00થી 8-00 સુધી (શુભ અને અમૃત ) અને રાત્રે રાત્રે 8થી 9-30 સુધી ચલ ચોઘડિયામાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરી શકાય છે.

આજે સાધના માટેના શ્રેષ્ઠ મંત્રો..
ઓમ શ્રીં કલીં મહાલક્ષ્મીયૈ નમ: આ મંત્ર જાપ કરવો. અથવા ઓમ્ શ્રીં હીં શ્રી કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ શ્રીં હીં શ્રીં મહાલક્ષ્મીયૈ નમ: આ મંત્ર જાપ કરવો. અથવા ઓમ્ હીં શ્રીં એં ઘંટાકર્ણો મહાવીર સર્વ વ્યાધિ વિનાશક રિધ્ધિ સિધ્ધિ લાભમ્ સુખમ્ કુરુ કુરુ સ્વાહા

આજે કયાં ઝળહળશે આતશબાજીના રંગ
આતાભાઈ ચોક
રૂપાણી સર્કલ
આંબાવાડી
મહિ‌લા કોલેજ સર્કલ
મેઘાણી સર્કલ
હિ‌લ ડ્રાઈવ
સરદારનગર
સુભાષનગર
કાળીયાબીડ
વિજયરાજનગર

રોશનીની ચમક, ચાકળાનો શણગાર રંગોળીની કલાત્મકતા
તા.4 નવેમ્બરને ગુરૂવારે આસો વદ અમાસના દિવસે દિવાળીનું પર્વ ઉજવાશે તેના આગમનને વધાવવા ભાવનગરમાં ચીરોડીના અવનવા રંગોથી કલાત્મક રંગોલી કરી પર્વના આગમનને વધાવવામાં આવશે. ખાસ કરીને યુવતીઓ અને બહેનો વિવિધરંગી કલાત્મક રંગોળીના સર્જન માટે માહેર ગણાય છે. ત્યારે ગામઠી ભરત સાથેના ચાકળાઓથી ઘરને સુશોભિત કર્યા બાદ આ ગૃહિણી ઘરના આંગણાને રંગોળીથી સજાવી રહી છે. સાથે દીપકો પણ દ્રશ્યમાન થાય છે. દિવાળીના પર્વે આ રોશનીની ચમક, ચાકળાનો શણગાર અને રંગોલીની કલાત્મકતાના ત્રિવિધ શણગારથી દીપોત્સવીની ઉજવણીની રોનક કંઇક અલગ જ દેખાય છે.

અન્ય સમાચારો પણ છે...