ભાવનગર સાથે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 2 ઐતિહાસિક સ્મૃતિઓ સંકળાયેલી છે જેમાં એક સ્મૃતિ દેશના આઝાદી બાદના નવા કંડારાયેલા નકશા માટે અગત્યની છે જ્યારે બીજી એક ઘટના ભાવનગર માટે કડવાશ ભરેલી છે. તા. 14 અને 15 મે 1939માં ભાવનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની અધ્યક્ષતામાં ભાવનગર રાજ્ય પ્રજા પરિષદનું પાંચમું અધિવેશન યોજાયું હતું. આથી તા. 14મી મે 1939ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર આવ્યા હતા અને રેલવે સ્ટેશનથી તેઓની શોભાયાત્રા ખુલ્લી જીપમાં નીકળી હતી.
સરદાર પટેલ આ જીપમાં બેસીને બધાનું અભિવાદન ઝીલતા ઝીલતા આવતા હતા અને આ યાત્રા બરોબર ખારગેટ ચોક ખાતે પહોંચી ત્યારે નગીના મસ્જિદમાંથી ભાડૂતી ગુંડાઓ તલવાર, છરા જેવા તીક્ષ્ણ હથિયારો લઈને જીપ તરફ દોડી આવ્યા હતા. જોકે આ ઘટના પૂર્વે ભાવનગરના કણબીવાડના બે યુવાનોને હુમલો કદાચ થાય તેવી થોડી માહિતી મળી હતી. તેથી બચુભાઈ પટેલ અને જાદવજીભાઈ મોદી, આ બંને નવલોહિયાઓએ ગુંડાઓના હથિયારોના ઘા સરદાર પટેલ ઉપર ઝીંકાય તે પહેલાં જ બંને યુવાનો દોડીને જીપ ઉપર ચડીને સરદાર પટેલના સુરક્ષા કવચ બની ગયા હતા અને તેમનું રક્ષણ કર્યું હતું.
હુમોાખોરોની તલવારોના અસંખ્ય ઘા આ બંને યુવાનોએ લીધા હતા જેમાં બચુભાઈ પટેલ ઘટનાસ્થળે જ શહીદ થઈ ગયા હતા જ્યારે જાદવજીભાઈ સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન શહીદ થયા હતા. બાકી જો હુમલાખોરો પોતાના લક્ષ્યાંકમાં સફળ થયા હોત તો આઝાદી બાદ દેશનો ઇતિહાસ કદાચ જુદો હોત.સરદાર પટેલ સાથે આ તો વાત થઈ ભાવનગરની કડવી સ્મૃતિની જ્યારે બાદમાં એક સોનેરી સ્મૃતિ સંકળાયેલી છે તે છે ભાવનગરના રાજ્યના અર્પણની. દેશ આઝાદ થયો ત્યારબાદ નાના નાના રજવાડાઓમાં સૌપ્રથમ ભાવનગર રાજ્ય એ દેશના ચરણે પોતાનું રાજ્ય સરદાર પટેલને કર્યું હતું અને તેનો સમારોહ પણ ભાવનગરમાં યોજાયો હતો. આ એક હકારાત્મક સ્મૃતિ છે.
હત્યાનું કારણ કોમી કરતા રાજકીય વધુ : કોર્ટ
સરદાર પટેલની હત્યાના પ્રયાસથી ભાવનગર શહેર અવાચક અને ભયભીત બન્યું હતુ. પરિષદ બેઠકમાં સરદારે આ ઘટનાની ઝાટકણી કાઢતા જણાવેલ કે 'આ ક્ષણિક ક્રોધમાં આવીને કરાયેલા કામ નથી. આની પાછળ અગાઉથી રચાયેલુ બુધ્ધિપૂર્વકનું ષડયંત્ર છે. 30 નવેમ્બર 1939ના રોજ આ કેસનો ચૂકાદો આપતા સેશન્સ જજ ત્રિવેદીએ જણાવેલ કે, આ હુલ્લડ કોમી કરતા વધારે તો રાજકીય હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.