કામગીરી ખોરવાઈ:દિવાળીમાં મજુરો વતનમાં જતા કુતરાને ખસીકરણ અને ઢોર પકડવાનું બંધ થયું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર શહેરમાં એક વર્ષમાં 4 હજાર કુતરા પકડી ખસીકરણ કરાયું, 430 ઢોરને પકડી ઢોર ડબ્બે પુર્યા

દિવાળી તહેવારોની ઉજવણી માટે કોર્પો.ના વિકાસ કામોના કોન્ટ્રાક્ટરો અને કુતરા ખસીકરણ તેમજ રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા મજુરો વતન ચાલી જતાં ગઈકાલથી કામગીરી ખોરવાઈ ગઇ છે. હવે લાભ પાંચમ કે અગીયારસ પછી કામગીરી શરૂ થશે.

ભાવનગર શહેરમાં જાહેર વિસ્તારમાં કુતરાના ત્રાસની વારંવાર ફરિયાદો આવતા કોર્પોરેશન દ્વારા ગત 4 થી નવેમ્બર 2020 થી કુતરા પકડી ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અને એક વર્ષ થયું જે દરમિયાન 4000 કુતરા પકડી ખસીકરણ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કુતરા પકડવાવાળા મજુરો પરપ્રાંતિય અને અન્ય શહેરના હોવાથી તેઓ દિવસના તહેવારની ઉજવણી માટે વતનની વાટ પકડી છે. જેથી હાલમાં કુતરા પકડવાની કામગીરીને બ્રેક લાગ્યો છે.

તેવી જ રીતે રસ્તે રખડતા ઢોરને પકડવા માટે પણ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ અપાયો છે. રોજના ઓછામાં ઓછા વીસ ઢોર પકડવામાં આવતા હતાં. અને આજ સુધીમાં 430 રખડતા ઢોર પકડીને ઢોર ડબ્બે પુરવામાં આવ્યા છે. જોકે, એરપોર્ટ રોડ પર કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ઢોર ડબ્બામાં ઢોર પકડવાની ક્ષમતા પણ પુરી થઈ ગઈ છે. જેથી હવે અખીલેશ સર્કલ પાસે અગાઉના વર્ષમાં બનાવાયેલા ઢોર ડબ્બાને પુનઃ કાર્યરત કરવા સાફ સફાઈ શરૂ છે. પરંતુ ઢોર પકડવાવાળા મજુરો પણ તેમના વતન દિવાળી કરવા ચાલ્યા ગયાં છે. જેથી હાલમાં રસ્તે રખડતા ઢોર અને કુતરા પકડવાની કામગીરી ખોરંભે ચડશે.

રજકા ડ્રાઇવ રાષ્ટ્રપતિ સાથે રવાના
ભાવનગરમાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે શહેરમાં જુદા જુદા વિસ્તારમાં જાહેર માર્ગો પર વેચતા રજકાને બંધ કરવા કોર્પોરેશન દ્વારા રજકા ડ્રાઇવ કરવામાં આવતી હતી. એકાદ બે દિવસ ડ્રાઇવ કરી અને રજકા વેચનારા લોકોને દંડ કરી રજકો જપ્ત કરી સંતોષ માન્યો હતો. પરંતુ ત્યારબાદ કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. એક તરફ રસ્તે રખડતા ઢોર પકડવાનું બંધ અને બીજી તરફ રસ્તા પર વેચતા રજકાને કારણે રસ્તા પર રખડતા ઢોરના ત્રાસને કારણે અકસ્માતનો ભય રહે છે.

અન્ય સમાચારો પણ છે...