કરચોરો ફરતે ગાળિયો:જીએસટી કરચોરી કૌભાંડમાં પહેલીવાર અધિકારીઓ સકંજામાં; બેની ધરપકડ

ભાવનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે હાથ ધરેલી તપાસમાં કરચોરો અને અધિકારીઓની મીલીભગત હતી
  • લોખંડના સળીયા ભરેલા ટ્રકના મામલે ઝડપાયેલા ભુરાએ મોઢુ ખોલતા મીણા અને દૂધાતની ધરપકડ, આજે કોર્ટમાં રજૂ કરાશે

બોગસ બીલિંગના એપી સેન્ટર સમાન ભાવનગર માંથી સૌપ્રથમ વખત જીએસટીના બે અધિકારીઓની જીએસટી કરચોરી કૌભાંડમાં સામેલગીરીના મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.તાજેતરમાં ભાવનગર અમદાવાદ હાઈવે પર નિરમા પાટીયા પાસે સનેશ ગામ નજીક લોખંડના સળિયા ભરેલા બે ટ્રક ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવ્યા હતા અને તપાસ દરમિયાન તેઓ પાસેથી જીએસટી બિલ મળી આવ્યું ન હતું. આ કેસમાં ભાવનગર લોકલ ક્રાઈમ દ્વારા મૃગેશ અઢિયા ઉર્ફે ભૂરો, દેવાંશુ ગોહેલ, ધ્રુવિત માંગુકિયા, મલય શાહ, દીપક મંકોડિયા, વિક્રમ પટેલ ઉર્ફે પોપટની ધરપકડ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.

રિમાન્ડ દરમિયાન લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સમગ્ર કૌભાંડના મૂળિયા સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આરોપીઓની આગવી ઢબે કરાયેલી પૂછપરછ દરમિયાન વડોદરા સીજીએસટી ના સુપ્રિન્ટેન્ડેન્ટ નીરજ મીણા અને ભાવનગર સ્ટેટ જીએસટી ના મોબાઈલ સ્કોડ ના પ્રિતેશ દુધાતની સામેલગીરી જણાવી હતી. આ બંને જીએસટી અધિકારીઓ વિરુદ્ધ અગાઉ પકડાયેલા આરોપીઓના મોબાઇલમાંથી પુરાવા મળી આવ્યા હોવાનું જાણવા મળેલ છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નીરજ વીણા અને પ્રિતેશ દુધાતની ધરપકડ કરવામાં આવી છે મંગળવારે આ બંને જીએસટી અધિકારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે.

જીએસટી બોગસ બિલ્ડીંગ કૌભાંડમાં અત્યાર સુધીમાં અનેક ભેજાબાજોની ધરપકડ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવી છે પરંતુ જીએસટીના અધિકારીઓની સામેલગીરી હોવા છતાં અત્યાર સુધી આંકડા કાન જીએસટી તંત્ર દ્વારા કરવામાં આવતા હતા. ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જીએસટી કૌભાંડમાં જીએસટીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે.

સોમવારે ધરપકડ કરવામાં આવેલા જીએસટી ના અધિકારીઓ નીરજ મીણા અને પ્રિતેશ દુધાત જો તપાસ દરમિયાન વટાણા વેરી દેશે તો જીએસટીના અનેક ઉચ્ચ અધિકારીઓની સામેલગીરી જણાઈ આવશે. આમ જીએસટી કચોરીના કૌભાંડમાં ખુદ જીએસટીના અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવતા સમગ્ર ભાવનગરમાં ખળભળાટ મચી ગયો છે.

જીએસટી અધિકારીઓ ફફડી ઊઠ્યા
જીએસટી કરચોરી ના મામલે ખુદ જીએસટીના અધિકારીઓની ધરપકડ થઈ હોય તેવો ભાવનગર જિલ્લામાં પ્રથમ બનાવ છે. મૃગેશ ઉર્ફે ભૂરો સમગ્ર રાજ્યમાં રોડબીલની ગેરરીતી ચલાવતો હતો. પુરાના ટ્રક બિલ વિના નીકળે તો તેને અટકાવવાની એક પણ જીએસટી અધિકારી પણ હિંમત કરી શકતા ન હતા. જીએસટી ના નીચેથી લઈને ઉપરના મોટાભાગના અધિકારીઓ આ જીએસટી કૌભાંડમાં સામેલ હોવાની ચર્ચા થઈ રહી છે.

કઈ રીતે અધિકારીઓ કરચોરોને મદદ કરતા હતા
જીએસટી નંબર મેળવવા માટે તંત્ર દ્વારા સ્થળ પર તપાસ કરવાની હોય છે. પણ બોગસ GST નંબર આપવાનો હોય ત્યારે અધિકારીઓ સ્થળ પર જતા જ નથી અને GST નંબર આપી દે છે. કરચોરી પકડાય ત્યારે આ સરનામે આવી કોઈ પેઢી કે વ્યક્તિ હોતા જ નથી અને બારોબાર ટેક્સ ક્રેડીટ ઈનપુટ મેળવી લેવામાં આવે છે.

GST ને બદલે પોલીસે તપાસ હાથ ધરતા ધડાકો
જીએસટી ચોરીના મામલે સમગ્ર રાજ્યમાં ભાવનગર બદનામ થઈ ગયું છે. રાજ્યમાં ક્યાંય પણ ચોરી પકડાય તેનું મૂળ ભાવનગરમાં નીકળે છે ત્યારે અત્યાર સુધી આ મામલે માત્ર જીએસટી તંત્ર જ તપાસ કરતું હતુ પણ પોલીસે પણ તપાસ હાથ ધરતા ધડાકો થયો છે અને ભાવનગરમાં પહેલીવાર બે અધિકારીઓ ઝડપાયા છે. આનાથી પ્રમાણિક અધિકારીઓમાં હાશકારો થયો છે. અત્યાર સુધી ‘િબલાડીને દૂધનું રખોપુ અપાતુ હતું’ તેવી ચર્ચા જાગી છે.

.ખુદ વાડ જ ચીભડા ગળે છે
જીએસટી ના અધિકારીઓ જીએસટી કૌભાંડને ડામી દેવાને બદલે કરોડો રૂપિયા ગજવામાં ફેરવી લઈ અને જીએસટી કરચોરીને પ્રોત્સાહન આપી રહ્યા છે. અત્યાર સુધીમાં બોગસ બિલ્ડીંગ કૌભાંડોમાં અનેક ભેજાબાજોની ધરપકડ થઈ ચૂકી છે પરંતુ જીએસટી ના અધિકારીઓ ની સીધી સામેલગીરી હોવા છતાં એક પણ અધિકારીનો વાળ વાંકો થયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...