રાહત:દરિયાઇ ભેજવાળા પવનને લીધે તાપમાન ઘટીને 40.2 ડિગ્રી થયું, હવામાં ભેજનું પ્રમાણ વધીને 49 ટકા થયુ

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા મોડી સાંજથી શહેરમાં ગરમીમાં મળેલી રાહત

ભાવનગર શહેરમાં દરિયાઇ ભેજવાળા પવનોનું જોર વધતા બે જ દિવસમાં મહત્તમ તાપમાન વિક્રમજનક 44.5 ડિગ્રીથી 4.3 ડિગ્રી ગગડી 40.2 ડિગ્રી પહોંચી ગયું છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા શહેરીજનોને થોડી રાહત મળી છે. શહેરમાં 30 કિ.મીની ઝડપે દરિયાઇ પવનો ફૂંકાયા હતા. જેથી મોડી સાંજથી નગરજનોને કાળઝાળ ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો. આગામી અઠવાડિયા સુધી દરિયાઇ પવનની દિશા રહેશે. આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 1થી 2 ડિગ્રીનો ઘટાડો થવાની વકી છે.

મહત્તમ તાપમાન 39 ડિગ્રી સુધી જઇ શકે છે ત્યારબાદ તાપામાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર આજે શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી અને લઘુતમ 26.8 ડિગ્રી નોંધાયું હતું. આમ, બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 4.2 ડિગ્રી સેન્ટીગ્રેડનો ઘટાડો થયો હતો. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 45 ટકા અને સાંજે 49 ટકા રહ્યું હતું. ખાસ તો પવનની ઝડપ જે ગઇ કાલે 18 કિલોમીટર હતી તે આજે વધીને 30 કિલોમીટર થઇ ગઇ હતી. ભેજના પ્રમાણમાં વધારો થયો છે. ચાલુ સિઝનમાં બે દિવસ પૂર્વે પાંચ વર્ષમાં મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ.

તાપમાનમાં ઘટાડો
તારીખ બપોરે તાપમાન

13 મે 40.2 ડિગ્રી સેન્ટીગ્રેડ
12 મે 40.7 ડિગ્રી સેન્ટીગ્રેડ
11 મે 44.5 ડિગ્રી સેન્ટીગ્રેડ

અન્ય સમાચારો પણ છે...