કાર્યવાહી:GSTમાં બોગસ પેઢીઓ પાસેથી લીધેલા બિલના કિસ્સામાં હવે IT વિભાગ લાલ આંખ કરશે

ભાવનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તો 60% ટેક્સ, 60% પેનલ્ટી અને 18% વ્યાજ સાથે રકમ ભરવી પડશે

સરકારી કરવેરા સાથે ચેડાં કરી અને ગેરરીતિઓ અાચરનારા લોકો સામે સંબંધિત સરકારી વિભાગો દ્વારા હવે પગલા ભરવામાં આવી રહ્યા છે. જીએસટીમાં બોગસ બિલિંગ, ખોટી વેરાશાખ લેવી જેવી ગેરરીતિઓમાં સંડોવાયેલા લોકો સામે હવે આવકવેરા વિભાગ પણ મેદાને પડ્યું છે, અને કાર્યવાહી કરનાર છે.આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, બોગસ પેઢીઓ પાસેથી જે કરદાતાઓએ ખરીદીના બોગસ બિલ લીધા છે તેવા કરદાતાઓના ડેટા જીએસટી વિભાગ પાસેથી મેળવવાનું શરૂ કરવામાં આવ્યુ છે. રાજ્યના મોટા ભાગના શહેરોમાં આવકવેરા વિભાગ દ્વારા જીએસટીના ખોટા ખરીદીના બિલ વડે વેરાશાખ મેળવનારા લોકોના કોમ્પ્યુટર ડેટાનું પૃથ્થકરણ કરવામાં આવી રહ્યું છે.

આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદ સહિતના શહેરોમાં ખોટા જીએસટી ખરીદી બિલ વડે ગેરરીતિ આચરનારા લોકોને ડેટાના આધારે નોટિસો મોકલવામાં આવી છે, ભાવનગરમાં પણ આવી કાર્યવાહી શરૂ કરતા પૂર્વેની ડેટા કામગીરી ચાલી રહી છે. કરદાતાને પાઠવવામાં આવી રહેલી નોટિસમાં જીએસટીના ખોટા ખરીદી બિલ વડે ખોટી વેરાશાખ લેનારા લોકોને 60% ટેક્સ, 60% પેનલ્ટી અને 18% વ્યાજ સાથે રકમ ભરવા માટેની નોટિસોની તૈયારીઓ ચાલી રહી છે.જો કે, સુકા પાછળ લીલું ન બળે, તેના માટેની તકેદારીઓ પણ આવકવેરા વિભાગ દ્વારા રાખવામાં આવી રહી છે. અને નોટિસમાં કરદાતાને ખુલાસાની તક પણ આપવામાં આવી રહી છે.

જો કરદાતાઅે વાસ્તવિક ખરીદી કરી હશે તો, અને તેઓનું નામ ખોટી રીતે આવ્યુ હોય તેવા કિસ્સામાં કરદાતાને પુરાવા સાથે 5 દિવસમાં જવાબ રજૂ કરવાની તક પણ આપવામાં આવે છે. જો, કરદાતાનો જવાબ તંત્ર સમક્ષ ખોટો જણાશે તો કરદાતાએ, 60% ટેક્સ, 60% પેનલ્ટી અને 18% વ્યાજ સાથે રકમ ભરવી પડશે તેવું પ્રાવધાન કરવામાં આવી રહ્યું છે. ભાવનગર સહિત ગુજરાતમાં બોગસ બિલિંગ અને ખોટી વેરાશાખ લેવા અંગે દરોડા દરમિયાન જ્યાં ગેરરીતિઓ પકડાઇ છે, તેના પર આવકવેરા વિભાગ નજીકની નજર રાખી રહ્યું હતુ, અને જીએસટી વિભાગ પાસેથી તેના કોમ્પ્યુટર ડેટા મેળવાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...