ઘોઘાથી હજીરાની રો-પેક્સ ફેરી સર્વિસને મળેલી જબ્બર સફળતા બાદ હવે સૌરાષ્ટ્રના નાગરિકોની સુવિધાર્થે ઘોઘા-દહેજ પેસેન્જર ફેરીની સુવિધા શરૂ કરવામાં આવી છે. જો કે આ નાના જહાજમાં ફક્ત મુસાફરો માટેની જ સવલત છે.
દહેજ ખાતે મોટા જહાજ માટે ડ્રેજીંગની સમસ્યા નડે તેમ હોવાથી હવે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા દ્વારા ઘોઘા-દહેજ વચ્ચે માત્ર 110 મુસાફરોની ક્ષમતા વાળુ નાનુ જહાજ ચલાવવામાં આવી રહ્યું છે. સામાન્ય મુસાફરો માટેનું ભાડું 350 રૂપિયા અને 12 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોનું ભાડુ 250 રૂપિયા રાખવામા આવ્યુ છે. દહેજથી સવારે 10 કલાકે જહાજ ઉપડી અને 12 કલાકે ઘોઘા આવી પહોંચશે, ઘોઘાથી 3.30 કલાકે આ જહાજ ઉપડી અને દહેજ ખાતે સાંજે 5.50 કલાકે પહોંચશે. ભાવનગરથી ઘોઘા ટર્મિનલ સુધીની અને દહેજથી અંકલેશ્વર સુધીની બસ સેવા પણ ફેરી ઓપરેટર દ્વારા આપવામાં આવી રહી છે, ઘોઘાથી દહેજ સડક માર્ગે પહોંચવામાં સામાન્ય રીતે 7 કલાક લાગે છે, પરંતુ જળમાર્ગે પહોંચવામાં માત્ર 2 કલાક લાગશે. ભાવનગરથી દહેજ સડક માર્ગે સફર કરી રહેલા લોકોની માટે જળ મુસાફરીનો એક નવો વિકલ્પ ઉભો થયો છે.
જો કે આ જહાજમાં ફક્ત મુસાફરો જ જઇ શકે છે, વાહનો માટેની સવલત નથી. જ્યારે ઘોઘાથી હજીરા વચ્ચે ચાલતા જહાજમાં 500 મેસાફરો, 30 ટ્રક, 80 કાર, 150 બાઇક લાવવા-લઇ જવાની સવલત આપવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.