તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાબાશ સરકારી તંત્રને:કુખ્યાત રાજુ ખસીયાના ગેરકાયદે રાજ પર ફર્યું બુલડોઝર, અકવાડા મહાનગરમાં ભળ્યા બાદ તંત્રનું સૌથી મોટુ દબાણ હટાવ ઓપરેશન

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક કરોડની મત્સ્ય ઉદ્યોગની સરકારી જમીન પર દુકાનો, મકાનો બાંધી ભાડુ ઉઘરાવાતુ હતું
  • ગેરકાયદે મચ્છી માર્કેટ, નોનવેજ રેસ્ટોરન્ટ મંજુરી વગર ચાલતી હતી તે તોડી જમીન ખુલ્લી કરાઈ
  • શહેરના બે યુવા અધિકારીઓની સરાહનિય કામગીરી

ભાવનગરમાં માથાભારે શખ્સો દ્વારા સરકારી જમીન પર દબાણ કરી તેના પર ગેરકાયદે બાંધકામ કરી, પ્લોટો પાડી ભાડે આપવાનું રેકેટ ચાલી રહ્યું છે. અકવાડા વિસ્તારમાં આવુ જ એક રેકેટ ચલાવતા કુખ્યાત રાજુ ખસીયાના કબ્જા તળે મનાતી કિંમતી જમીન પરના દબાણો આજે તંત્રએ દૂર કર્યા છે. જેમાં ગેરકાયદે મચ્છી માર્કેટનો પણ સમાવેશ થાય છે. રાજુના રાજ પર તંત્રનું બુલડોઝર ફરતા ભૂમાફિયાઓનું નેટવર્ક હલબલી ગયું છે.

શહેરના અકવાડામાં શીતળા માતાના મંદિર સામે કુખ્યાત ગુનેગાર અને પાસામાં જઈ આવેલા રાજેશ ખસિયાએ સરકારી જમીન પર લોજ, મચ્છી વેચાણ સહિતની છ દુકાનો ભાડે આપી તેની પાછળ મેદાનમાં છાપરા બાંધી અડ્ડો ચલાવતો હતો જેમાં આજે સીટી મામલતદારે બુલડોઝર ચલાવી કિંમતી 600 સ્ક્વેર મીટર જમીન ખુલ્લી કરી હતી. અકવાડા ભાવનગરમાં ભળ્યા બાદ પ્રથમ વખત આટલું મોટું દબાણ દૂર થયું હતું.

મહાનગરપાલિકા વિસ્તારમાં અકવાડા ગામનો સમાવેશ તો કર્યો પરંતુ તેમાં અનેક દબાણો હોવા છતાં તેમની સામે કોઇ કાર્યવાહી થતી નથી. શીતળા માતા મંદિરની સામે કુખ્યાત ગુનેગાર રાજેશ ખસીયાએ નદી-નાળા પૈકીની સરકારી જમીન પર કબજો જમાવી 6 જેટલી દુકાનોના બાંધકામ કર્યા હતા. આજે સીટી મામલતદાર ધવલ રવિયાએ પોલીસ અને પીજીવીસીએલને સાથે રાખી છ દુકાનોનાં બાંધકામ કે જેમાં જમવાની લોજ, મચ્છીની દુકાન પણ હતી.

જેમનું રોજનું ભાડું વસુલ કરવામાં આવતું હતું. તેના પર બુલડોઝર ફેરવ્યું હતું. તેમજ દુકાનોની પાછળ ફેન્સીંગ કરી મોટા પ્લોટમાં છાપરાઓ નાખ્યા હતા. તેને પણ હટાવી 600 સ્ક્વેર મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની બજાર કિંમત હાઈવે પર હોવાથી ઘણી વધારે છે ત્યારે અનેક દબાણો વચ્ચે પણ તંત્રએ સરાહનીય કામગીરી કરી છે.

આ સવાલો જેનો તંત્ર પાસે જવાબ નથી

  • સરકારી જમીન પર ગેરકાયદે દબાણ થયુ, બાંધકામ થયુ અને તે પણ મુખ્ય હાઈવે પર છતા તંત્ર કેમ મૌન રહ્યુ?
  • ગેરકાયદે 40 મકાનોની ચાઈના સોસાયટી બની છતા તંત્રને જાણ ન થઈ?
  • ગેરકાયદે વસાહત, દુકાનોમાં લાઈટ પાણીના કનેકશન કેવી રીતે અપાયા?
  • સરકારી તંત્ર સરકારી જમની પર લાંબા સમયથી દબાણ છે છતા પગલા કેમ લેતુ ન હતું?

રાજુની બીકને કારણે ફરિયાદ કરાતી નથી
દબાણ હટ્યુ તેના એક દુકાનદાર - અમે દરમહિને રાજુને પૈસા આપત હતા. લાઈટ-પાણીની વ્યવસ્થા પણ તેણે જ કરી દીધી છે. એ એવું કહેતા હતા કે, કાંઈ નહી થાય, મારી બધે પહોંચ છે. અમે મોટી રકમની ડીપોઝીટ પણ આપી છે. પણ ભયને કારણે કોઈ ફરિયાદ કરી શકતા નથી.

દબાણ કરનારની તંત્રને જાણ કરો પગલા લેશુ
ભાવનગરમાં આવી રીતે સરકારી જમની પર કોઈ દબાણ કરી ગેરકાયદે પ્રવૃતિ કરતા હોય તો તે અંગે તંત્રને જાણ કરવામાં આવે તો તેમનું નામ ખાનગી રાખીશું અને તાત્કાલીક પગલા લેશું

ગેરકાયદે મચ્છીમાર્કેટ દૂર કરવા સુચના આપી હતી
વિભાવરીબેન દવે, રાજ્યમંત્રી​​​​​​​- અકવાડા લેઈક બનતુ હતુ ત્યારે જ કેટલાક લોકોએ મને જાહેર રોડ પર મચ્છી માર્કેટ અને ગેરકાયદે દબાણો અંગે રજુઆત કરી હતી. આ અંગે તંત્રને સુચના આપ્યા બાદ આ દબાણ દૂર કરાયું છે. સરકારી જમીન પરના ભૂમાફિયાઓ સામે કડક પગલા લેવાશે.

લ્યો હટાવો... આ જગ્યાએ દબાણ છે
શહેરના જવાહર મેદાનની બહાર સરકારી જમીન પર મોટા પ્રમાણમાં ઝુપડપટ્ટી બની છે. આ ઝુપડપટ્ટીવાળા જેસીબી અને ટ્રેકટરોના માલિક પણ છે. અનેકવાર હટાવવા છતા દબાણો ફરી થઈ જાય છે.શહેરના રામમંત્ર પાસે મહાવિર જૈન વિદ્યાલયની પાછળ રસ્તો મોટો બનાવવાની યોજના છે. આ સ્થળે ગેરકાયદે ઓરડીઓ યુપીના ભૈયાજીઓને ભાડે આપવામાં આવે છે. કોર્પોરેશનનું બુલડોઝર વારંવાર ત્યાં જાય છે અને પાછુ આવે છે.

અન્ય સમાચારો પણ છે...